સુરતઃ બીજી ડિસેમ્બરથી સુરતમાં મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો હતો. આ કથાનો હેતુ સૈનિકોને મદદરૂપ થવાનો છે. આ નિમિત્તે ઘણા માજી સૈનિકો પણ હાજર રહ્યા હતાં. રામકથા પહેલાં અભૂતપૂર્વ રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. મોરારિબાપુએ પણ ત્યારે તિરંગાને સલામી આપી હતી. રામકથાના પ્રારંભે જ મોરારિબાપુએ જણાવ્યું હતું કે, આ રામકથા માત્ર સુરત શહેર કે રાજ્યમાં જ નહીં પરંતુ દેશની બોર્ડર ઉપર રહેલા સૈનિકો પણ સાંભળી રહ્યા છે. રામાયણમાં જટાયુ પણ વીર શહીદ છે.
જ્યારે રામકથામાં બીજા દિવસે સમાજ અને સેનાના સંગમને સંકલ્પ કરાયો હતો. બાપુએ કથામાં લતા મંગેશકર દ્વારા ગવાયેલું પ્રખ્યાત ‘અય મેરે વતન કે લોગો...’ ગાતાં બાપુ સહિત બધાની આંખમાં આંસુ આવી ગયાં હતાં. રામકથાના બીજા દિવસે મોરારિબાપુએ સેનાની ઉદ્દાત ઇમાનદારીની વાત કરી હતી. તેમણે સાધુ અને સૈનિકના ત્રણ લક્ષણો ગણાવ્યા હતા. તેની સાથે કેટલાકે બાપુ પૈસા લેતા હોવાની ટીકાઓ કરી હતી. જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે ધર્મ કરવા માટે પૈસાની જરૂર છે જ.
શહીદના પરિવાર માટે રૂ. પાંચ કરોડનો ચેક
શહીદોના પરિવારોના લાભાર્થે સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહે ૩જીએ રામકથામાં રૂ. પાંચ કરોડનો ચેક અર્પણ કર્યો હતો. ત્રીજા દિવસે મોરારિબાપુએ કહ્યું હતું કે ગાંધીજીની એક ચિઠ્ઠી માત્રથી પદ જવા દીધું હતું. (અહીં પદ એટલે વડા પ્રધાનનું પદ એવું બિટવિન ધ લાઇન્સ કહેવાનું હતું) એ સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય શહીદી ગણાય.

