લંડનમાં કેમેસ્ટ્રીનો અભ્યાસ કરતા મિલન પટેલનું કરૂણ અવસાન

Thursday 07th December 2017 01:27 EST
 
 

વેમ્બલીમાં રહેતા સ્વામિનારાયણી સત્સંગી અને નીસડન BAPS શાયોના રેસ્ટોરન્ટના મેનેજર શ્રી શેલેષભાઇ પટેલના ૧૯ વર્ષના યુવાન દીકરા ચિ. મિલનનું અકાળે અવસાન થયું છે. ઇમ્પીરીયલ કોલેજમાં કેમેસ્ટ્રીનો અભ્યાસ કરતા મિલનનો મૃતદેહ ગયા બુધવારે (૨૯ નવેમ્બરે) સાંજે એના ઘરેથી મળી આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રતિભાશાળી અને ભણવામાં એકદમ હોશિયાર મિલનની અણધારી ચિરવિદાયથી એના પિતાશ્રી શૈલેષભાઇ, માતા મીનાબહેન અને દાદીમા શ્રીમતી રસિકાબહેન (જેઓ કીચન ડિપાર્ટમેન્ટમાં સેવા આપે છે) સહિત સમગ્ર પરિવાર ભારે આઘાત અનુભવી રહ્યો છે. મંગળવારે, ૫ ડિસેમ્બરે સાંજે નીસડન સ્વામિનારાયણ મંદિર સ્કૂલના યોગી હોલમાં અક્ષરનિવાસી મિલનને અંજલિ આપતી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલનની અંતિમક્રિયા ૭ ડિસેમ્બર, ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે ગોલ્ડર્સગ્રીન ખાતે રાખવામાં આવી છે. શૈલેષભાઇ મૂળ વાસણા (ખેડા-માતર)ના વતની છે અને મીનાબહેન એ મિત્રાલનાં દીકરી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને ચિરશાંતિ આપે અને કુટુંબીજનોને એનો વસમો આઘાત સહન કરવાની શક્તિ આપે એવી "ગુજરાત સમાચાર" પરિવારની પ્રાર્થના.


comments powered by Disqus