અમદાવાદ નગરનો યોજનાબદ્ધ વિકાસ

Wednesday 28th November 2018 06:11 EST
 
 

વિકાસના આ યુગમાં ગામડાં ભાંગીને શહેરો બનતાં જાય છે અને શહેરો આડેધડ વિસ્તરે છે. સમગ્ર દેશમાં આ સમસ્યા છે પરંતુ, કેટલાંક શહેરોની વાત નોખી છે. ગુજરાત રાજ્યના અમદાવાદની જ વાત કરીએ તો ૬૦ લાખની વસ્તી ધરાવતું શહેર વસ્તી અને કદમાં વાર્ષિક આશરે બે ટકાના ધોરણે વિસ્તરતું જાય છે. જોકે, ભારતના અન્ય શહેરોથી વિપરીત અમદાવાદનો વિકાસ યોજનાબદ્ધ રીતે અને ભાવિ મોડેલ તરીકે થતો જાય છે. અહીં પહેલા માર્ગો અને તેની નીચે ગટરલાઈન્સ તૈયાર થઈ છે. માર્ગોની આસપાસ રહેઠાણના મકાનો, ઓફિસો અને બાગબગીચાને સ્થાન મળતું રહ્યું છે. અમદાવાદ ઘણી રીતે આધુનિક ભારતીય નગરના બદલે સ્પેનમાં ૧૯મી સદીના બાર્સેલોના નગર અથવા ન્યૂ યોર્ક સિટીને મળતું આવે છે.
આર્કિટેક્ટ અને પ્લાનર તેમજ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ બિમલ પટેલના કહેવા અનુસાર મોટા ભાગના ભારતીય શહેરો અણઘડપણે વિકસ્યા છે તેમાં કોઈ નવાઈ નથી. ૧૯મી સદીમાં તથા ૨૦મી સદીના આરંભે યુરોપિયન અને અમેરિકન નગરો ઝડપી વિકાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમની આસપાસ વિશાળ ખેતરો હતાં, જેમની આસપાસ મોટા ઉપનગરો આકાર લેતાં રહ્યાં હતાં. આનાથી વિપરીત, ભારતીય ખેતરો કદમાં ઘણાં જ નાના હોય છે. ભારતીય શહેરની બહાર બિલ્ડર જમીન ખરીદે ત્યારે તેની પાસે થોડાંક મકાન બાંધી શકાય તેટલી જ જગ્યા હોય છે, આથી મોટા રોડ્સ કે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દરકાર રાખ્યા વિના જ બાંધકામ થતું રહે છે. આના પરિણામે, લગભગ સ્લમ એરિયા જેવી જ હાલત સર્જાય છે, જ્યાં અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થાનો અભાવ નજરે ચડે છે.
જોકે, અમદાવાદની રીત કે પદ્ધતિ અલગ છે. સેન્ટ્રલ સિટી અને અમદાવાદ બહારના વિસ્તારો માટે તેની બે મ્યુનિસિપલ ઓથોરિટી કામ કરે છે. શહેરની બહારના વિસ્તારોમાં વિકાસ માટે જમીનના વિશાળ ટુકડાઓ પસંદ કરાય છે, જેનો લગભગ ૪૦ ટકા હિસ્સો માર્ગો, શાળાઓ, બગીચાઓ, સોશિયલ હાઉસિંગ વગેરેને ફાળવાય છે. આ પછી, પૂર્વ બ્રિટિશ શાસકોએ દાખલ કરેલા એક સદી જૂના ટાઉન પ્લાનિંગ કાયદાના ઉપયોગ થકી નવી રોડ ગ્રીડ્સને સુસંગત રહે તે રીતે તમામ જમીનોનું પુનઃ આયોજન કરાય છે. એક સમયે વાંકાચૂકા દેખાતાં ખેતરોની લાઈનો સુરેખ બની જાય છે. સત્તાવાળાઓ સંપાદન કરાયેલી જમીનો માટે ખેડૂતોને યોગ્ય વળતર આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારા- વધારા માટેનો ચાર્જ તેમની પાસેથી વસૂલે છે. આ પછી, જમીનનો ભાવ એટલો ઉચકાય છે કે બધા ફાયદામાં જ રહે છે.
જોકે, આ પ્રક્રિયાનો ગેરલાભ લેનારા પણ ઓછાં નથી. આ વિસ્તારનો વિકાસ થવાનો છે તેમ જાણતા જ ભૂમાફિયા હરકતમાં આવી જાય છે. ખેડૂતોને ભોળવી, સરકાર કશું નહિ આપે તેમ કહી ગભરાવી કે ધાકધમકી આપીને બને તેટલી જમીન કબજે કરી લેવા પ્રયાસ કરે છે. આમ છતાં, વિરોધ અને અવરોધો વચ્ચે પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ આગળ વધતી રહે છે. નગર આયોજન યોજનાઓ જડ નહિ પરંતુ, ફ્લેક્સિબલ હોય છે. અમદાવાદે ૭૬ કિલોમીટરના રિંગ રોડ માટે જમીન સંપાદન કરવા ૪૭ યોજના તૈયાર કરી હતી અને માત્ર ચાર વર્ષમાં રોડનું નિર્માણ સંપન્ન કર્યું હતું. આના પરિણામે, સમૃદ્ધ નગર રચાયું હતું, જે ફાટફાટ થતાં કદની આર્થિક વિષમતાઓનો ભોગ બને તે પહેલા વધુ વિશાળ રુપ ધારણ કરી શકશે. સામાન્યપણે વિકસિત દેશોના શહેરોની બહારનો વિસ્તાર મધ્ય વિસ્તારો કરતાં વધુ ખરાબ-ગંદો રહે છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટીના ‘એટલાસ ઓફ અર્બન એક્સપાન્શન’ પ્રોજેક્ટના અંદાજ અનુસાર વર્ષ ૨૦૦૦ પછી અમદાવાદમાં બંધાયેલા માર્ગોની સરેરાશ પહોળાઈ ૮.૫ મીટર છે, જેની સરખામણીએ અગાઉ બંધાયેલા માર્ગોની પહોળાઈ ૭.૨ મીટર છે. નવવિકસિત ઉપનગરોમાં જમીનોનો મુખ્ય હિસ્સો રોડ્સ લઈ લે છે કારણકે પહોળા માર્ગો પર બસીસ અને કારનું વધુ પ્રમાણમાં વહન થઈ શકે છે. ભવિષ્યમાં અમદાવાદ ભારે ટ્રાફિક જામની સમસ્યામાંથી બચી શકશે, જે મુંબઈ અને દિલ્હી જેવાં શહેરોમાં અશક્ય ગણાય છે.
ગુજરાતમાં અન્યત્ર પણ આ સિસ્ટમ અમલી છે. વર્ષ ૨૦૦૦માં વિનાશક ધરતીકંપનો શિકાર બનેલું ભૂજ શહેર ટાઉન પ્લાનિંગ સ્કીમ્સના પરિણામે વધુ વિકસિત અને રળિયામણું બન્યું છે. ગુજરાતીઓ વ્યવહારુ અને ઉદ્યમી પ્રજા છે. કદાચ તેથી જ, ગુજરાતના ખેડૂતો તેમની ઓછી થતી ભૂમિનો સારો અને લાભકારી ઉપયોગ કરવા તત્પર રહે છે. સેપ્ટ યુનિવર્સિટીના બિમલ પટેલ આની સાથે સંમત થતા નથી. તેઓ કહે છે કે, ખરેખર તો આ યોજનાઓનો લાભ તેમને મળેલો દેખાતો હોવાથી જ તેઓ સંમત થાય છે. નગર આયોજનના કાયદાઓએ ગુજરાતીઓને તર્કસંગત રહેતા શીખવ્યું છે.


comments powered by Disqus