વોશિંગ્ટનઃ અમેરિકાએ ૨૦૦૮માં મુંબઈ પર થયેલા હુમલાનું ષડ્યંત્ર રચવા અને મદદ કરવાવાળાની માહિતી આપનારને ૫૦ લાખ ડોલર (૩૫ કરોડ રૂપિયાથી વધુ) રકમનાં ઇનામની જાહેરાત કરી છે. મુંબઈ હુમલાની ૧૦મી વરસીએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ જાહેરાત કરાઇ છે.
અમેરિકાના રિવોર્ડ ફોર જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (આરએફજે) દ્વારા સોમવારે આ ઇનામની જાહેરાત કરતાં જણાવાયું હતું કે હુમલા સંબંધિત માહિતી આપો જેનાથી તેના કાવતરાખોરોની ઓળખ, ધરપકડ થઈ શકે અને સજા મળી શકે.
મોદી-પેન્સની મુલાકાત બાદ જાહેરાત
ભારતનાં આર્થિક પાટનગરમાં આ આતંકી હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયાં હતાં, જેમાં છ અમેરિકન પણ સામેલ હતાં. સિંગાપોરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સની મુલાકાતના ૧૫ દિવસ પછી આ મહત્ત્વપૂર્ણ જાહેરાત થઈ હતી. આ મુલાકાતમાં પેન્સે ખુદ આ મામલો ઉઠાવતાં ચિંતા વ્યક્ત કરી હતી કે ૧૦ વર્ષ પછી પણ મુંબઈ હુમલાના કાવતરાખોરોને સજા નથી મળી.
આરએફજે દ્વારા ત્રીજી વખત જાહેરાત
આરએફજે દ્વારા ત્રીજી વાર ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં ૨૦૧૨માં લશ્કરના સંસ્થાપક હાફિઝ મોહમ્મદ સઇદ, હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી સહિત લશ્કર-એ-તોઇબાના અન્ય નેતાઓની માહિતી આપનારાઓને ઇનામ આપવાની જાહેરાત કરાઇ હતી.
લશ્કર-એ-તોઇબા વિદેશી આતંકવાદી સંગઠન જાહેર
૨૦૦૧માં અમેરિકાએ લશ્કરે તૈયબાને વિદેશી આતંકી સંગઠન જાહેર કર્યું હતું. મે ૨૦૦૫માં યુનાઇટેડ નેશન્સે લશ્કરને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં સામેલ કર્યું હતું. આરએફજેએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુંબઈ હુમલા સાથે સંકળાયેલી માહિતી વેબસાઇટ, ઈમેલ કે ફોન દ્વારા આપી શકાશે. એ સિવાય કોઈ વ્યક્તિ નજીકના અમેરિકી દૂતાવાસમાં જઇને રિજનલ સિક્યોરિટી ઓફિસરને પણ આ માહિતી આપી શકે છે.

