રામમંદિર માટે જમીનનો ટુકડો નહીં, પૂરેપૂરી જમીન જોઈએ: ધર્મસભા

Wednesday 28th November 2018 05:54 EST
 
 

અયોધ્યાઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે યોજાયેલી ધર્મસભામાં બુલંદ અવાજે માગ કરાઇ હતી કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે જમીનનો ટુકડો નહીં, પૂરેપૂરી જમીન જોઇએ. ધર્મસભામાં હાજરી આપવા દેશભરમાંથી સંતો-મહંતો, સાધુ-સંતો તેમજ સંઘ અને વિહિપના નેતાઓ અને કાર્યકરો સહિત ૨ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. પાંચ કલાક કરતાં વધુ સમય ચાલેલી ધર્મસભામાં સૌએ એક સૂરે અયોધ્યામાં રામમંદિર નિર્માણની માગ કરી હતી.
વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)એ ધર્મસભામાં આક્રમક અભિગમ દર્શાવતા સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે સરકાર કે કોર્ટ અમને જમીનનો ટુકડો આપે તે સ્વીકાર્ય નથી. વિવાદિત જમીન પર કોઇ પણ સંજોગોમાં મુસ્લિમોને નમાજ પઢવા દઈશું નહીં. ઉપાધ્યક્ષ ચંપત રાયે કહ્યું હતું કે, જ્યારે અર્જુન સમજતો ન હતો ત્યારે કૃષ્ણ ભગવાને મોઢું ખોલ્યું હતું, આ કામ આજે અમે કરી રહ્યા છીએ. અયોધ્યામાં ફક્ત રામમંદિર જ જોઈએ. મસ્જિદને કોઈ સ્થાન નથી. અમને પૂરેપૂરી જમીન જોઈએ. સુન્ની વકફ બોર્ડ જમીન પરની માલિકીનો દાવો છોડે તેવી માગણી પણ વિહિપે કરી હતી.
ધર્મસભામાં રામજન્મભૂમિ ન્યાસના મહંત નૃત્યદાસજીને મંચ પર સૌથી આગળ બેસાડાયા હતા. તેમની સાથે જગદ્ગુરુ રામાનંદાચાર્ય, રામભદ્રાચાર્ય, સ્વામી હંસદેવાચાર્ય, રામેશ્વરદાસ વૈષ્ણવ વગેરે મંચસ્થ હતા. આ ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા અને અન્ય સ્થળોએથી આવેલા સંતો-મહંતોને પણ મંચ સ્થાન અપાયું હતું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે ૧૫ હજારથી વધુ શિવસૈનિકો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિવસૈનિકો બે ખાસ ટ્રેનમાં મહારાષ્ટ્રથી અયોધ્યા પહોંચ્યા હતા. ધર્મ-સભામાં કિન્નરોએ હાજરી આપી હતી તો મુસ્લિમ યુવકોએ રામભક્તો પર ફૂલ વરસાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
હિંદુઓની કસોટી ન કરો
વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે, છેલ્લાં સાડા ચાર વર્ષમાં ભાજપ સરકારે રામમંદિર બનાવ્યું ન હોવાથી અમને આંદોલન કરવાની ફરજ પડી છે. જો કોંગ્રેસના રાહુલ ગાંધી જાહેરમાં અમને કહેશે કે તેઓ રામમંદિરનું નિર્માણ કરશે તો અમે તેમને સમર્થન આપીશું. અમે ભાજપની કોઈ મદદ નથી કરી રહ્યા કે તેવું વાતાવરણ પણ નથી ઉભું કરતા. હિંદુઓની ધીરજની કસોટી ન કરો. આજે ૪૮ જિલ્લામાંથી જ રામભક્તો આવ્યા છે ભવિષ્યમાં વધુ લોકો ઊમટી પડશે. સરકાર સંસદમાં શિયાળુ સત્રમાં રામમંદિર માટે વટહુકમ બહાર પાડે અને જલદીમાં જલદી મંદિરનું બાંધકામ શરૂ કરે.
રામમંદિર નિર્માણનો ઠરાવ
ધર્મસભામાં એક સૂરે રામમંદિર નિર્માણનો ઠરાવ પસાર કરાયો હતો. જોકે આ મુદ્દે કોઇ ડેડલાઇન અપાઇ નથી. આ જ રીતે ભારત સરકારને પણ વટહુકમ બહાર પાડવા કોઇ મુદત અપાઇ નથી. હવે સરકારનાં પગલાં ઉપર સૌની નજર છે. જગદ્ગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યે ધર્મસભામાં મોદી સરકારના એક પ્રધાન સાથેની વાતચીતનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે, ૧૧ ડિસેમ્બરથી ૧૨ જાન્યુઆરી વચ્ચે રામમંદિર મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવાશે.
સંતો-મહંતોને વટહુકમની આશા
ધર્મસભામાં હાજર સંતો-મહંતોએ એવી આશા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા મંદિર બાંધવા માટે વટહુકમ જાહેર કરાશે. વટહુકમ થશે તો સરકાર માટે ૨૦૧૯ની ચૂંટણી જીતવાનું આસાન બનશે તેમ સંતો-મહંતોનું માનવું છે, પણ સરકારે વાત ના સાંભળી તો માઠાં પરિણામ ભોગવવા પડશે.
ધર્મસભાનો નિર્ણય સ્વીકાર્યઃ સંઘ
ધર્મસભામાં રામમંદિર બનાવવાની પ્રબળ માગણી કરાઇ હતી અને મંદિર ઝડપથી બનાવવાની સરકારને અપીલ કરતો ઠરાવ પસાર કરાયો હતો. મંચ પરથી સંઘ પરિવારના અખિલ ભારતીય સહ સરકાર્યવાહક કૃષ્ણગોપાલે જાહેરાત કરી હતી કે, ધર્મસભા જે નિર્ણય લેશે તેને સંઘ દ્વારા સ્વીકારાશે.
નિર્ણાયક સમય: ભાગવત
રામમંદિર નિર્માણની બુલંદ માગ ઉઠી છે ત્યારે બીજી તરફ, નાગપુરમાં સંઘ વડા મોહન ભાગવતે સૂચક નિવેદન કર્યું છે કે રામ મંદિર મુદ્દે હવે ધીરજ રાખવાને બદલે આંદોલન કરવાનો સમય આવી ગયો છે. તેમનું આ નિવેદન સરકાર પર તો દબાણ સર્જનારુ છે જ, પણ તેમણે ન્યાયતંત્ર સામે પણ ટકોર કરી છે. તેમણે ચૂકાદામાં વિલંબ માટે કોર્ટને ટાર્ગેટ બનાવતા કહ્યું હતું કે ન્યાયમાં વિલંબ એ અન્યાય બરાબર છે.
મુસ્લિમોમાં ભયનો માહોલ
એક તરફ શહેરમાં ધર્મસભા યોજાઇ હતી તો બીજી તરફ અયોધ્યામાં સંઘ અને વિહિપના હજારો કાર્યકરો ઊમટી પડતાં મુસ્લિમોમાં તણાવનું મોજું ફરી વળ્યું હતું. અનિચ્છનીય ઘટના બનવાની આશંકા સાથે શહેરમાંથી હજારો મુસ્લિમ પરિવારો સંતાનો સાથે નજીકનાં સગાંવહાલાનાં ઘરે સ્થળાંતર કરી ગયા હતા. મુસ્લિમોને કોમી ભડકો થવાની ભીતિ હોવાથી મુસ્લિમ મહોલ્લા સૂમસામ બન્યા હતા.

અમે ધીમે-ધીમે કેટલી મસ્જિદો કુરબાન કરશું?: મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે ધર્મસભાનાં નામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા શક્તિપ્રદર્શન થયું છે તો શિવસેનાએ તેનાં આક્રમક તેવર દર્શાવ્યા છે. આ સમયે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી) દ્વારા આ મામલે અનેક સવાલો ઉઠાવાયા છે. બોર્ડે આ કેસને સુપ્રીમ કોર્ટ માટે ખુલ્લો પડકાર ગણાવતા કહ્યું હતું કે આ વિવાદ માત્ર એક મસ્જિદ સોંપી દેવાનો નથી, પણ સિદ્ધાંતનો મુદ્દો છે. મુસ્લિમો આ દેશમાં ધીમે ધીમે કેટલી મસ્જિદો કુરબાન કરશે? બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ આ મુદ્દો મુસ્લિમોવિરોધ બનતો રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કોર્ટ માટે પણ આ ખુલ્લો પડકાર છે એમ કહીને તેમણે કહ્યું હતું કે ધર્મસભાએ તેના પર મહોર લગાવી છે.
મૌલાના રહેમાનીએ કહ્યું કે જો આજે અમે બાબરી મસ્જિદ માટે કોઈ સમાધાન કરીએ તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. પછી લોકો બીજી, ત્રીજી, ચોથી મસ્જિદ માગશે. મોટા ભાગના મુસ્લિમ પક્ષકારો મસ્જિદની જમીન આપવા સમજૂતી કરે તો પણ એની કઈ ગેરંટી કે પક્ષકારો બીજી મસ્જિદ માટે હોબાળો નહીં મચાવે. જે આંદોલનનાં મૂળને પકડીને હિંદુઓને પ્રભાવિત કરાઈ રહ્યાં છે તેમાં રાજકારણીઓને સફળતા મળી રહી છે. જોકે મોટા ભાગનાં લોકો આને રાજનીતિ ગણી રહ્યાં છે તે જુદી વાત છે. ૧૬ ડિસેમ્બરે લખનઉમાં યોજાયેલી બોર્ડની વર્કિંગ કમિટીની બેઠકના એજન્ડામાં અયોધ્યા મુદ્દો સામેલ નથી, પણ તે અંગે ચર્ચા જરૂર કરાશે.


comments powered by Disqus