રૂ. ૨૬૦ કરોડનો કૌભાંડી વિનય શાહ નેપાળમાંથી ઝડપાયો

Wednesday 28th November 2018 06:38 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના એક લાખ રોકાણકારોને રૂ. ૨૬૦ કરોડમાં નવડાવી ફરાર થઇ જનાર ઠગ વિનય શાહ નેપાળના પોખરામાં એક સ્ત્રી મિત્ર ૨૯ વર્ષીય ચંદા થાપાના ફ્લેટમાંથી ૨૨મી નવેમ્બરે પકડાયો હતો. નેપાળ પોલીસે ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ રાખવાના કેસમાં તેને પકડ્યો છે. રાજ્યમાં ઠગાઇના આ કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હોવાથી નેપાળ પોલીસને વિનયે કરેલી ઠગાઇ વિશે જાણકારી મળી હતી, જેને પગલે તરત જ ગુજરાત પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. આથી સીઆઇડી ક્રાઇમે વિનયની કસ્ટડી મેળવવા ૨૩મી નવેમ્બરે એક ટીમ નેપાળ રવાના કરી હતી. જોકે નેપાળ સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિની જોગવાઇઓ જોતા સીઆઇડી ક્રાઇમને નજીકના ભવિષ્યમાં વિનયની કસ્ટડી મળે એવી શક્યતા બહુ ઓછી છે.
સમાચાર માધ્યમોમાં ચમકેલા પોખરાના ડીએસપી નવીન કારકીના નિવેદન મુજબ વિનય શાહની ધરપકડ શહેરની કુમારી હોટલમાં પાડવામાં આવેલી રેડ દરમિયાન થઇ હતી અને તે ૮મી નવેમ્બરથી પોખરામાં રહેતો હતો. હાલમાં તે કાઠમંડુમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આમ ફ્લેટમાંથી પકડાયો હોવાના સીઆઇડી ક્રાઇમના નિવેદન અને સ્થાનિક ડીએસપીએ આપેલી માહિતીમાં વિસંગતતા છે, પરંતુ ૧૨મી નવેમ્બરે વિનય અને તેની પત્ની સહિત કુલ ચાર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાઇ તેના ચાર દિવસ પહેલા જ વિનય એકલો ફરાર થઇ નેપાળ પહોંચી ગયો હતો એ હકીકતને સમર્થન મળે છે. સીઆઇડી ક્રાઇમે વિનયની એકાઉન્ટન્ટ પૂજા શાહની પૂછપરછ કરી ત્યારે તેણે આપેલી માહિતી મુજબ પણ વિનય છેલ્લે દિવાળીના આગલા દિવસે એટલે કે ૬ઠ્ઠી નવેમ્બરે થલતેજ સ્થિત તેની ઓફિસમાં જોવા મળ્યો હતો. પોખરામાં વિનયની ધરપકડ થઇ ત્યારે તેની પાસેથી ૩૧ લાખના મૂલ્યની ફોરેન કરન્સી, એક લેપટોપ, ચાર મોબાઇલ અને છ એટીએમ કાર્ડ પણ મળી આવ્યા હતા. દરમિયાન, નેપાળમાં વિનયની ધરપકડ થઇ તેની જાણકારી ૨૩
તારીખે મળી ગઇ હોવા છતાં સીઆઇડી ક્રાઇમે આની જાહેરાત ચાર દિવસ મોડી એટલે કે ૨૬ નવેમ્બરે કેમ કરી એ બાબત પણ સીઆઇડી ક્રાઇમના ઇરાદા સામે શંકા ઊભી કરી છે.


comments powered by Disqus