નવી દિલ્હીઃ મુંબઇના ગોઝારા આતંકી હુમલાના ૧૦ વર્ષ પછી પણ પાકિસ્તાન સુધર્યું નથી કે આજ સુધી તેણે ષડયંત્રકારો સામે કોઇ પગલાં ભર્યાં નથી તેવો આરોપ ભારતે મૂક્યો છે. ૧૬૬ નિર્દોષનો જીવ લેનાર હુમલાની સોમવારે દસમી વરસીએ દેશમાં પ્રાર્થનાસભા યોજાઇ હતી. બીજી તરફ, અમેરિકાએ હુમલાનું કાવતરું ઘડનારાની માહિતી આપનાર માટે ૫૦ લાખ ડોલરનું જંગી ઇનામ જાહેર કર્યું છે.
મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૧૬૬ ભારતીયોનાં મોત થયાં હતાં અને હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને સંડોવણી બહાર આવી હતી. ભારતે આરોપ મૂક્યો છે કે આતંકના આકાઓને કાયદાના કઠેડામાં લાવવા માટે પાકિસ્તાને ગંભીરતા દાખવી નથી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું, ‘આ હુમલાનું ષડયંત્ર રચનારા લોકો હજુ પણ પાકિસ્તાનની શેરીઓમાં કોઈ ડર વિના ઘૂમી રહ્યા છે.’
નરસંહારને દસ વર્ષ થયા છે, પરંતુ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી એક અદાલતમાં, આ હુમલાના ષડયંત્રકારો અને તેને અંજામ આપવાના આરોપોનો સામનો કરી રહેલા લશ્કર-એ-તોઈબાના સાત સભ્યોની વિરુદ્ધ સુનાવણી હજુ પણ ચાલે છે. આ હુમલાને અંજામ આપવામાં ભૂમિકા ભજવનાર લશ્કર-એ-તોઈબાના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીને તો છોડી મૂકાયો છે. કેમ કે, પાકિસ્તાન સરકારે તેને મળેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની કોઈ યોજના હોવાનો સંકેત આપ્યો નથી. સુનાવણીમાં આવતા નાટકીય વળાંકો, ન્યાયાધીશોને વારંવાર બદલવા અને એક વકીલની હત્યાને કારણે લાગે છે કે અન્ય છ શંકાસ્પદોને પણ છોડી મૂકાશે.
પાકિસ્તાનમાં લશ્કર-એ-તોઈબાના સાત શંકાસ્પદો લખવી, અબ્દુલ વાજિદ, મઝહર ઈકબાલ, હમાદ અમીન સાદિક, શાહિદ જમાલ રિયાઝ, જમીલ અહમદ અને યુનુસ અંજુમ વિરુદ્ધ આ આતંકી હુમલાનું ષડયંત્ર રચવા અને તેને અંજામ આપવાનો આરોપ છે. તેની વિરુદ્ધ ૨૦૦૯થી સુનાવણી જારી છે, જેનું કોઈ પરિણામ આવતું નથી.
પાક.ના પૂર્વ વડા પ્રધાનની કબૂલાત
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાને પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ હુમલાને અંજામ આપનારા આતંકીઓ પાકિસ્તાન તરફથી મોકલાયા હતા. ઉલ્લેખનીય છે કે આ હુમલા વેળા પાકિસ્તાનનું વડા પ્રધાન પદ સંભાળતા નવાઝ શરીફે ખુદ આતંકી હુમલામાં પાક.ની સંડોવણી કબૂલી છે.
મંત્રાલયે કહ્યું હતું કે અમે અનેકવાર આ ભયંકર હુમલાને અંજામ આપનારા લોકોને અદાલતમાં ઊભા રાખવાની માગ કરી ચૂક્યા છીએ જ્યારે પાકિસ્તાનના ચીફ પ્રોસિક્યુટર ચૌધરી અઝહરે કહ્યું હતું કે આ કેસનો નિકાલ એક સપ્તાહમાં આવી જાય જો ભારત ૨૪ સાક્ષીઓને નિવેદન નોંધાવવા માટે પાકિસ્તાનમાં મોકલે.
શહીદોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ પોલીસ સહિત સામાન્ય નાગરિકોએ ૨૬/૧૧ના આતંકી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ આપી છે.
દસ વર્ષ અગાઉ મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સુરક્ષા રક્ષકોને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ગવર્નર સી. વિદ્યાસાગર રાવ અને પ્રધાનમંડળના પ્રધાનોએ મરીન લાઈન્સ સ્થિત સ્મારકની મુલાકાત લઈને શ્રદ્ધાંજલિ આપી. મુંબઈ પર હુમલા વેળા અતુલ્ય શૌર્ય દાખવીને પોતાના પ્રાણની આહુતિ આપનાર પોલીસ કોન્સ્ટેબલ તુકારામ ઓંબળેના સ્મારકની મુલાકાત લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભાઈ જગતાપે પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વીટર પર ૨૬/૧૧ના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા મુંબઈમાં ૧૦ વર્ષ અગાઉ થયેલા આતંકી હુમલામાં અસર પામેલા પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે ભારત આતંકવાદને દેશનિકાલ આપવા માટે વચનબદ્ધ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર પર ૨૬/૧૧ના શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે આતંકવાદીઓ સામે વીરતાપૂર્વક લડનાર અને દેશ માટે આહૂતિ આપનાર બહાદુર પોલીસો અને સુરક્ષા કર્મીઓનો દેશ સદાય ઋણી રહેશે. તેમના પરિવારો પ્રત્યે પણ વડા પ્રધાને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

