બેંક ઓફ બરોડા, લંડનના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પરષોત્તમભાઈ જે ભાલિયા આગામી ૩૧મી ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. યુકેમાં બેંકની દસ શાખા છે. બેંક ઓફ બરોડામાં ૩૫ વર્ષની લાંબી સેવા આપનારા શ્રી ભાલિયાનો જન્મ તા.૯.૮.૧૯૫૮ના રોજ ગુજરાતના મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે ૧૯૮૧માં જૂનાગઢથી એમ એસસી (એગ્રીકલ્ચર) પૂરું કર્યું હતું. તેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૧૯૮૩માં તેઓ બેંક ઓફ બરોડામાં જોડાયા હતા. શ્રી ભાલિયાએ ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ, અર્ધ શહેરી, શહેરી અને મેટ્રોપોલિટન વિસ્તારોની બેંક ઓફ બરોડામાં એગ્રીકલ્ચર ઓફિસર, બ્રાંચ હેડ તરીકે તેમજ ટ્રેનિંગ સેન્ટર અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં પોતાની ફરજ બજાવી હતી. તેઓ ભગવાન સ્વામીનારાયણ અને પૂ. પ્રમુખ સ્વામીમાં ભારે શ્રદ્ધા ધરાવે છે. ઉચ્ચ અધિકારી પદે રહેવા છતાં તેમણે હંમેશા નીતિ નિયમોનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું. ‘ગુજરાત સમાચાર’ તેમને નિવૃત્તિ બાદ સ્વસ્થ જીવનની શુભકામના પાઠવે છે.

