વલસાડઃ ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ ૨૩ ઓગસ્ટે લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કરાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ મહિલાઓ સાથે સંવાદ કરતાં પૂછયું હતું કે મકાન મેળવવામાં દલાલને પૈસા તો નથી આપવા પડ્યાને?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના જુજવા ગામેથી ડિજિટલ માધ્યમથી ગુજરાતના એક પછી એક વિવિધ જિલ્લાઓની ગ્રામીણ મહિલાઓ સાથે વિડિયો-કોન્ફરન્સથી હળવાશના મૂડમાં લાઈવ વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા અને મકાનો વિશે માહિતી મેળવી હતી.
નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોરબંદર, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા, પંચમહાલ, ગાંધીનગર, ગીરસોમનાથ, સાબરકાંઠા, ભરૂચ, બોટાદ સહિત વિવિધ જિલ્લાઓની ગ્રામીણ મહિલાઓને મકાન વિશે પૂછયું હતું કે ‘તમારા ખાતામાં પૈસા જમા થયા છે? લાંચ-રુશ્વત તો નથી આપીને? દીકરીઓને ભણાવો છો કે નહીં? ગામમાં બસ આવે છે? સમયસર બસ આવે છે? ગામમાં વસ્તી કેટલી છે? સ્વચ્છતા માટે શું કરો છો? મકાન બહાર પેઇન્ટિંગ કોણે કર્યું?’
ગ્રામીણ મહિલાઓએ આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
અમદાવાદ જિલ્લાના ભાણવડ ગામના શકુબહેનને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે ભાષણ સારું કરો છો, ચૂંટણી લડો છો કે શું? વડા પ્રધાનના આ શબ્દો સાંભળીને શકુબહેન શરમાઈ ગયા હતા.
અરવલ્લી જિલ્લાનાં સુધાબહેનને વડા પ્રધાન મોદીએ પૂછયું હતું કે ‘શૌચાલયમાં ઘણા બકરી બાંધતાં હોય છે, ઘાસચારો ભરી દે છે. એવું તો નથી કરતાંને?’
આ સમયે સુધાબહેને કહ્યું હતું કે ‘ના સાહેબ, અમે ઉપયોગ કરીએ છીએ.’
પાવી જેતપુરનાં બહેન સાથે વાત કરતાં નરેન્દ્ર મોદીએ જૂની યાદો વાગોળતાં કહ્યું કે ‘હું તો ઘણો સમય પાવીજેતપુરમાં રહ્યો છું. ઘોડેસવારી પાવીજેતપુરના લોકોએ જ શીખવાડી છે. હવે કોઈને ત્યાં ઘોડા છે કે નહીં?’
જૂનાગઢના કતકપરા ગામના વાદી સમાજની મહિલા સાથે વાત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘વાદી સમાજે વચન આપ્યું હતું કે તમે અમને મકાન આપશો તો દીકરીઓને ભણાવીશું. મકાન સારું બન્યું છે?’
મહિલાઓએ વડા પ્રધાનને ખાતરી આપી હતી કે તેઓ દીકરીઓને ભણાવશે. મહિલાઓએ એમ પણ કહ્યું હતું કે મકાન બની જતાં અમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે, આ છે અમારું ઘર એવું હવે અમે કહી શકીએ છીએ.
...તો દેશ બીમાર પડ્યો ન હોત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ૫૦૦ કરોડ રૂપિયાનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને જાહેર સભામાં કહ્યું હતું કે શૌચાલય અને સ્વચ્છતાનાં કામ ૭૦ વર્ષ પહેલાં થયાં હોત તો દેશ બીમાર પડ્યો ન હોત.
જૂનાગઢમાં ૨૭૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલ સહિતનાં વિવિધ વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરીને જાહેર સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જે દિવસે સ્વચ્છતાની હું વાત કરતો હતો, મારી મજાક ઉડાવતા હતા. આ વડા પ્રધાનનું કામ છે? સંડાસ બનાવો ને કચરો વાળો ને કચરો ઉપાડો આવું બધું કરવાનું? પણ આ પાયાનાં કામ ૭૦ વર્ષ પહેલાં થયાં હોત તો મારો દેશ બીમાર પડ્યો ન હોત.’
વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ આગળ ધપાવવા તાકીદ
વડા પ્રધાને ગુજરાતના એક દિવસના પવનવેગી પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તો હાજરી આપી જ હતી, સાથોસાથ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ચીફ સેક્રેટરી જે. એન. સિંઘ સાથે ચર્ચા કરીને વિવિધ પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. તેમણે ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્ત્વના ગણાતા પ્રોજેક્ટોની કામગીરીમાં ઝડપ લાવવાની સૂચના આપી છે.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દ્વારા રૂ. ૪૦૦૦ કરોડના કથિત મગફળી કૌભાંડને લઈને પ્રતીક ઉપવાસ આંદોલન ચાલે છે. પાટીદાર આંદોલનને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોઈ હાર્દિક પટેલ પણ ફરીથી ઉપવાસ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. આ ઉપરાંત છેલ્લા છ-સાત મહિનાથી ગુજરાતમાં ખૂન- લૂંટ અને બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓની સંખ્યામાં વધારો નોંધાય છે. આ તમામ બાબતો સંદર્ભે વડા પ્રધાને ગુજરાતના નેતાઓ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો લીધી છે.
વડા પ્રધાને એવું માર્ગદર્શન આપ્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી કોઈ નવા વિવાદો ઉભા થવા દેશો નહિ એટલું જ નહિ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટેના આવશ્યક તમામ પગલા લો. કોઈ પણ પ્રકારના આંદોલનને લાંબુ ચાલવા દેવું જોઈએ નહીં.
આ ઉપરાંત વડા પ્રધાને એવી સલાહ આપી હોવાનું મનાય છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી હવે નજીક છે. આથી મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના જે કોઈ મહત્ત્વના પ્રોજેક્ટો છે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. તેમજ નાગરિકોને વધુ સમસ્યાઓ નડે નહીં તેની કાળજી રાખવી.
માતા હીરાબાને મળીને આશીર્વાદ મેળવ્યા
ગુજરાતનો એક દિવસનો પ્રવાસ સંપન્ન કરીને દિલ્હી માટે પરત રવાના થતા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હીરાબાને મળીને તેમનાં આશિર્વાદ લીધા હતા. નરેન્દ્ર મોદીએ માતાને મળવા જવાનું એકાએક જ નક્કી કર્યું હતું. રાત્રે ૯.૩૦ વાગે સિક્યુરિટી કારના કાફલા વગર જ માત્ર બે ગાડી સાથે રાયસણ સ્થિત નાના ભાઇ પંકજ મોદીના વૃંદાવન બંગલો ખાતે પહોંચી ગયા હતા.
આ અગાઉ વડા પ્રધાન મોદી ગુજરાત આવ્યા ત્યારે ખૂબ જ ભરચક કાર્યક્રમો હોવાથી તેઓ માતાને મળવા જઇ શક્યા નહોતા. જોકે ૨૩ ઓગસ્ટે પણ આખો દિવસની દોડધામ છતાં તેઓએ માતાને મળવાનું નક્કી કર્યું હતું. રાજભવન ખાતે યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન
સીધા જ રાયસણ જવા નીકળી ગયા હતા. આ મુલાકાત ‘ખાનગી’ હોવાથી તેઓ પોતાના વિશાળ કાફલાને સાથે લઇ ગયા નહોતા.
એસ્કોર્ટીંગ સહિતનો કોન્વોય વૃંદાવન બંગલાથી લગભગ અઢીથી ત્રણ કિલોમીટર દૂર કોબા સર્કલનાં હાઇવે પર ઊભો રહ્યો હતો. વડા પ્રધાન ૨૦ મિનિટ સુધી નાના ભાઇના ઘરે રોકાયા હતા. તેમણે માતાને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ પરિવારનાં બાળકો સાથે પણ ગમ્મત કરી હતી. માતાને મળ્યા બાદ વડા પ્રધાન અમદાવાદ એરપોર્ટ જવા નીકળી ગયા હતા.
ગુજરાત આવતાં જ પાણી, પાકની ચિંતા કરી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વિલંબિત અને અનિયમિત થતાં પીવાના પાણી તેમજ ખેતીવાડી પર સંકટના વાદળો ઘેરાયા છે. આ સ્થિતિથી વાકેફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે - ૨૩ ઓગસ્ટે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકતાં જ વર્તમાન વરસાદ, જળાશયોમાં પાણીની સ્થિતિ, ખેતીવાડી તેમજ ગયા મહિને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિવૃષ્ટીની સ્થિતિ સંદર્ભે ચીફ સેક્રેટરી ડો. જે. એન. સિંઘ સાથે ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ થયા હતા..
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી બે વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ કાર્યક્રમ કુદરતી આપત્તિના કારણોસર મોકૂફ રહ્યો હતો. આ સમગ્ર પરિસ્થિતિથી વડા પ્રધાન વાકેફ હોવાથી ગુરુવારે સુરત એરપોર્ટ ખાતે આવ્યા એવું તુરત જ રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘને બાજુમાં લઇ જઇ તેમની સાથે પાંચ મિનિટ સુધી ચર્ચા કરી હતી..
ડો. જે. એન. સિંઘે વડા પ્રધાનને હાલ ૮૭ ટકા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે અને આ વાવેતરને છેલ્લા એક સપ્તાહમાં પડેલા વરસાદથી જીવતદાન મળ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નર્મદા ડેમમાં સ્રાવ વિસ્તારોમાં વરસાદ થતાં લગભગ ૧૦ મીટર જેટલું નવું પાણી આવતાં એક વર્ષ સુધી પાણીની તંગી નિવારી શકાઇ છે એમ પણ તેમણે વડા પ્રધાનને જણાવ્યું હતું. વડાપ્રધાને ગયા મહિને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટી પછી કેવી સ્થિતિ છે તેના અંગે જાણકારી મેળવી હતી. વડા પ્રધાને પોતાના અતિ મહત્ત્વકાંક્ષી પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ કેટલે પહોંચ્યું એના અંગે પણ જાણકારી મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

