વલસાડઃ નવી દિલ્હીથી ફાળવાતા એક રૂપિયાના પૂરેપૂરા ૧૦૦ પૈસા હવે ગરીબો સુધી પહોંચે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનો સારાં-સુંદર બન્યાં છે. હવે નેતાઓના નહીં, ગરીબોના મકાનોનું નિર્માણ થાય છે. હવે કટકી કંપની બંધ હોવાથી આ શક્ય બન્યું છે. રાજ્યના ૨૬ જિલ્લાની ૧ લાખ કરતાં વધુ બહેનોને ઘર મળ્યાં, રક્ષાબંધનની આથી મોટી ભેટ હોય શકે નહીં. ગયા ગુરુવારે રાજ્યના એક દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ્લાના જુજવા ગામે વિશાળ મેદનીને સંબોધતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
આ પ્રસંગે તેમણે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ તૈયાર થયેલા ૧,૧૫,૫૫૧ આવાસોના લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કરાવ્ય હતો. તેમજ ૫૮૬ કરોડ રૂપિયાની અસ્ટોલ જૂથ પાણીપુરવઠા યોજનાનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
વડા પ્રધાને જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ધરમપુર-કપરાડા તાલુકામાં તૈયાર થવા જઈ રહેલી આશરે ૬૦૦ કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજના, રક્ષાબંધન પર્વે અમારી માતા-બહેનોને સમર્પિત છે. પાણીની સમસ્યા સૌથી વધુ માતા-બહેનોને ભોગવવી પડે છે, ત્યારે આજે એક ભાઈના રૂપમાં હું ખૂબ સંતોષ અનુભવી રહ્યો છું. તેમણે કહ્યું કે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ૨૦૦ મીટરની ઊંચાઈએ આવેલા કપરાડાનાં વાવર ગામ કે જ્યાં માત્ર ૨૦૦થી ૩૦૦ની વસતી છે, ત્યાં સુધી પાણી પહોંચાડવાનું સંવેદનશીલ કામ ગુજરાત સરકાર કરી રહી છે.
તેમણે કોંગ્રેસના અગાઉના મુખ્ય પ્રધાનનું નામ લીધા વગર ટીકા કરતાં જણાવ્યું કે, મેં પહેલાંના કોંગ્રેસના આદિવાસી મુખ્ય પ્રધાનના ગામમાં જઈને જોયું તો પાણીની ટાંકી હતી, પરંતુ તેમાં પાણી જ નહતું. આવા ગામનાં લોકોને પાણી આપવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે તેમ વડા પ્રધાને જણાવ્યું હતું.
ભારત સરકાર ગરીબો માટે એક રૂપિયો ફાળવે છે તો તેમાંથી માત્ર ૧૨ પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે તેવા તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના નિવેદનનો પ્રત્યક્ષ સંદર્ભ ટાંક્યા વગર મોદીએ જણાવ્યું કે, આજે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તો ગરીબો સુધી પૂરેપૂરા ૧૦૦ પૈસા પહોંચે છે, તેથી જ આજે લાઇવ વીડિયો કોન્ફરન્સિંગથી લાભાર્થી બહેનોને, મકાન બાંધકામનાં કામમાં કોઈને દલાલી તો આપવી નથી પડી ને? તેવો પ્રશ્ન હિંમતભેર પૂછી શક્યો છું.
વડા પ્રધાને કહ્યું કે, ૨૦૨૨માં, આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થશે ત્યારે હિંદુસ્તાનનો એક પણ પરિવાર ઘર વગરનો ન રહે તે અમારો લક્ષ્યાંક છે. આ પ્રસંગે ૧૧ પ્રધાનો, ૪ સાંસદો તથા ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પદાધિકારી, રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
કિસાનોની બમણી આવક અશક્ય નથી
દેશના કિસાનોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની વાતને અશક્ય ગણાવવામાં આવે છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે ખેડૂતો પથ્થરમાં પાટુ મારી સૌનું પકાવવાનું સામર્થ્ય ધરાવે છે. મધ અને સૂર્ય ઉર્જા એવી સમાંતર ખેતી છે જેથી વધુ આવક મળી શકે તેમ છે. આજે ૯૯ સિંચાઈ યોજના પેન્ડિંગ હતી, ખેડૂતોને પાણી મળે તે માટે આ યોજનાને જીવંત કરાઇ છે, તેવું વડા પ્રધાને કહ્યું હતું.
ફોરેન્સિક યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ એક્સલન્સ
વડા પ્રધાન મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપી હતી. સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફોેરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં રૂ. ૩૦૦ કરોડનાં ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ બનાવાશે. જેમાં ૬૦ ટકા રકમ કેન્દ્ર સરકાર ફાળવશે.
સરકાર બોલે છે તે કરે છે: મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભાજપની સરકાર ઠાલાં વચનો આપતી નથી. અમારી સરકાર જે બોલે છે એ કરે છે અને જે કરી શકીએ તે જ અમે બોલીએ છીએ. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, વર્ષોથી હેન્ડપંપ ખેંચીને થાકેલાં લોકોને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાથી હેન્ડપંપ ખેંચ્યા વગર પીવાનું શુદ્ધ પાણી મળશે.

