સુત્રાપાડા (સૌરાષ્ટ્ર)ઃ ગિર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા તાલુકાનાં લાટી ગામનાં રાણાભાઇ આજાભાઇ સોલંકી અને મલીબેનને સંતાનમાં એકમાત્ર પુત્રી ભારતી છે. તેઓને ફક્ત આઠ વીઘા જમીન છે. આથી પેટે પાટા બાંધીને દીકરીને ભણાવી. દીકરીએ પણ ભણતર ઉજાળ્યું છે. અભ્યાસમાં તો જ્વલંત સફળતા મેળવી હવે યોગ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતો દેખાવ કર્યો છે. ભારતીએ મલેશિયામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
જૂનાગઢની એન. બી. કાંબલીયા કેમ્પસમાં ધોરણ ૧૨ અને કોલેજનો અભ્યાસ કરનાર ભારતી સોલંકી હાલ અમદાવાદની યોગ યુનિવર્સિટીમાં એમએ કરે છે. છેક તાલુકાથી માંડી જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમણે અત્યાર સુધીમાં અનેક ઇનામો જીત્યાં છે. તેની પાસે એકલા આંતરરાષ્ટ્રીય કક્ષાનાં જ ૧૪ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ છે.
મલેશિયાનાં કુઆલા લમ્પુરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશીપમાં ૧૬ દેશોનાં સ્પર્ધકોમાં પ્રથમ ક્રમાંક સાથે જીત મેળવીને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું ટાઇટલ પણ જીત્યું છે. અગાઉ તેણે ચીનનાં શાંઘાઇ શહેરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં પણ ૮ દેશો વચ્ચે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તો ઓસ્ટ્રેલિયામાં યોગની સ્પર્ધામાં મિસ વર્લ્ડનું ટાઇટલ પણ જીત્યું હતું. લાટીના યુવાનો અને આહીર સમાજ દ્વારા તાજેતરમાં જ ભારતીનું ભવ્ય સન્માન કરાયું હતું.

