લંડનઃ ૪૬ વર્ષીય પૂર્વ પત્ની કિરણ દાઉદિયાની તેના જ સ્કાર્ફથી ગળે ટૂંપો દઈને હત્યા કરવા બદલ પૂર્વ પતિ ૫૧ વર્ષીય અશ્વિન દાઉદિયાને લેસ્ટર ક્રાઉન કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.
જજ ટીમોથી સ્પેન્સર ક્યુસીએ જજ ટીમોથી સ્પેન્સર ક્યુસીએ ૫૧ વર્ષીય અશ્વિનને અોછામાં અોછી ૧૮ વર્ષ જેલની સજા ફટકારતા કહ્યું હતું કે ‘તારા સ્વાર્થી ગૌરવને કારણે તારો ક્રોધ ભડકી ઉઠ્યો હતો. જજે અશ્વિનને કહ્યું હતું કે ‘મારા જજમેન્ટ મુજબ તમે ઘમંડી, બદમાશ અને તેણી પર અંકુશ જાળવવા માંગતા હતા. ટૂંકમાં કહું તો, હું તદ્દન સંતુષ્ટ છું કે તમારા પરિવારનો વિનાશ કરવા માટે તેં જે જે કર્યું તે ખુદે નક્કી કર્યા મુજબનું હતું.’
અશ્વિન પૂર્વ પત્ની કિરણ સાથે જે ઘરમાં રહેતો હતો ત્યાંથી હાંકી કાઢવામાં આવનાર હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. તેના અને કિરણના લગ્ન ૧૯૯૮માં થયા હતા અને ૨૦૧૪માં તેમના છૂટાછેડા થયા હતા. આ પછી પણ તેઓ સાથે રહેતા હતા. જોકે, તેમનું મકાન કિરણની બહેનને વેચાઈ ગયું હતું અને અશ્વિનને ૧૬ જાન્યુઆરીએ તે ઘર છોડી દેવું પડે તેમ હતું. કિરણના મિત્રોએ જણાવ્યું હતું કે તે બે પુત્રની માતા હતી.
કોર્ટને જણાવાયું હતું કે નેક્સ્ટ કોલ સેન્ટરમાં ફરજ બજાવતી કિરણ ૧૬ જાન્યુઆરીએ તેની જોબ પરથી ઘરે પાછી ન ફરતા પરિવારે સત્તાવાળાઓને જાણ કરી હતી. આ અંગે અશ્વિનને પૂછપરછ કરતા તેણે કિરણને જોઈ ન હોવાનું કહ્યું હતું.
પોલીસે તપાસ કરતા એક બિઝનેસ પ્રિમાઈસીસની છત પરથી બે પ્લાસ્ટિક બેગમાંથી કિરણનો ફોન મળ્યો હતો. ૧૭ જાન્યુઆરીએ એક પડોશીએ પોલીસને ફોન કરીને જણાવ્યું હતું કે ઘર પાછળના ભાગમાં સૂટકેસ પડી છે. તપાસમાં પોલીસને લેસ્ટરના એવિંગ્ટનની ગલીમાં પડેલી તે સૂટકેસમાંથી કિરણનો મૃતદેહ મળ્યો હતો. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં અશ્વિન સૂટકેસ ખેંચીને લઈ જતો દેખાયો હતો. તેના આધારે ધરપકડ કરી ઈસ્ટ મીડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન્સ યુનિટે અશ્વિનની પૂછપરછ હાથ ધરીને તેના પર કિરણની હત્યાનો આરોપ મૂક્યો હતો.
મૃતક કિરણના પરિવારે ચૂકાદા બાદ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કિરણ ઉદાર. પ્રેમાળ અને માયાળુ માતા તેમજ વિચારશીલ પુત્રી, બહેન અને આન્ટી હતાં. તે પરિવારની કરોડરજ્જુ સમાન હતી.

