બજેટ ૨૦૧૮ઃ મેરા ગાંવ, મેરા દેશ­

Wednesday 07th February 2018 05:29 EST
 
 

નવી દિલ્હીઃ નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં આધુનિક ભારતનું સપનું સાકાર કરતું વિકાસલક્ષી બજેટ રજૂ કરીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. બજેટમાં ખેડૂતો, ગરીબો, ગ્રામીણ ગરીબો, શિક્ષણ, આરોગ્ય, સામાજિક સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવાં અર્થંતંત્રનાં મહત્ત્વનાં ચાલકબળ સમાન ક્ષેત્રોના વિકાસનો ઇરાદો કેન્દ્રસ્થાને જોવા મળે છે. નાણાંપ્રધાનનું કહેવું છે કે લોકોનું જીવનધોરણ સુધરે તે માટે બજેટમાં ઈઝ ઓર લિવિંગ પર ખાસ ભાર મૂકાયો છે.
આયુષ્યમાન ભારત
જેટલીના બજેટમાં સૌથી મહત્ત્વની છે હેલ્થકેર સ્કીમ. ‘આયુષ્યમાન ભારત’ નામની સૂચિત નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અંતર્ગત દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને વાર્ષિક રૂ. ૫ લાખ રૂપિયાનો આરોગ્ય વીમો અપાશે. ૫૦ કરોડ લોકોને આવરી લેનારી આ સ્કીમ દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ મનાય છે.
‘ટોપ’ પ્રાયોરિટી
૨૦૧૮-૧૯ના બજેટમાં કિસાનો માટે વિશેષ રાહત છે. ખેડૂતોને તેમના પાકના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢ વધુ લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ની જાહેરાત કરાઇ છે. બજેટના પ્રસ્તાવ અનુસાર, ટામેટાં, ડુંગળી અને બટાટા જેવી બારેમાસ ઉપયોગમાં લેવાતી ખાદ્યચીજો માટે ‘ઓપરેશન ગ્રીન’ લોન્ચ કરાશે. આ માટે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. સરકારે ૪૨ મેગા ફૂડ પાર્ક બનાવવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે એકાંતરા વર્ષે આ ત્રણમાંથી એક ઉપજની અછત સર્જાય છે અથવા તો એટલી બધી ઉપજ થાય છે કે ખેડૂતોને પાક ફેંકી દેવો પડે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આ સંદર્ભે કહ્યું હતું કે ટામેટા, ડુંગળી, બટાટા અમારી ‘ટોપ’ (Tomato, Onion, Potato) પ્રાયોરિટી છે.
સરકારે વચન પાળ્યું
મોદી સરકારે કોર્પોરેટ જગતને નોટબંધી અને ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી)ના કારણે થયેલી અસરની એક પ્રકારે ભરપાઇ કરતાં ટેક્સમાં રાહત કરી આપી છે. આમ તો ચાર વર્ષ પહેલાં જેટલીએ આ સરકારના પ્રથમ બજેટમાં જ કહ્યું હતું કે ૨૦૧૮ સુધીમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવશે. એ વચન પાળીને જેટલીએ ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપની માટે કોર્પોરેટ ટેક્સ ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી નાંખ્યો છે. આથી કંપનીઓને ઘણી મોટી રાહત થશે અને સાથે સાથે જ રોજગારનું સર્જન પણ થશે.
સિનિયર સિટીઝનને રાહત
સિનિયર સિટીઝનને ડિપોઝિટના વ્યાજ પરની ટેક્સ માફી વર્ષે રૂ. ૧૦,૦૦૦થી વધારી રૂ. ૫૦,૦૦૦ કરાઈ છે. ગંભીર માંદગી માટે ટેક્સ ડિડકશનના લાભ રૂ. ૧ લાખ સુધી કરાયા છે. આમ સિનિયર સિટીઝનને ઇન્કમટેક્સમાં વિશેષ રાહત અપાઈ છે. વ્યાજની આવક રૂ. ૧૦,૦૦૦થી વધીને રૂ. ૪૦,૦૦૦ થાય ત્યાં સુધી તેમને ટીડીએસ કપાશે નહીં. એફડીમાં પણ વ્યાજની આવકને આ માફી મળશે. મેડિકલ બિલમાં રૂ. ૪૦,૦૦૦ સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન અપાયું છે. એલઆઈસીમાં રોકાણમર્યાદા વધારીને રૂ. ૧૫ લાખ કરાઈ છે.
પણ નોકરિયાતોને નિરાશા
નોકરિયાતોને આશા હતી કે સરકાર અંતિમ સંપૂર્ણ બજેટમાં આવકવેરાનો બોજ ઓછો કરશે અને આવકવેરા મુક્તિ મર્યાદામાં પણ વધારો થશે. જોકે તેમની આશા ઠગારી નીવડી છે. પરોક્ષ રીતે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સમાં ૪૦ હજાર રૂપિયાની રાહત અપાઇ છે. જેટલીનો દાવો છે કે અઢી કરોડ જેટલા પગારદાર વર્ગ અને પેન્શનર્સને તેનો લાભ થશે. જોકે બીજી તરફ, એજ્યુકેશન સેસ ત્રણ ટકાથી વધારીને ચાર કરી દેવાયો છે. આમ નોકરિયાતો વર્ગ માટે તો એક હાથે કરરાહત આપીને બીજા હાથે પાછી લઇ લેવામાં આવી હોય તેવો તાલ સર્જાયો છે.
ફરી લોંગ ટર્મ ગેઇન ટેક્સ
જેટલીએ ૧૪ વર્ષના લાંબા અરસા બાદ લોંગ ટર્મ કેપિટલ ગેઇન (એલટીસીજી) ટેક્સ ફરી લાગુ કર્યો છે. એક વર્ષ કરતાં વધુ સમય માટે રખાયેલા શેર્સ પર એક લાખ રૂપિયાથી વધારે કેપિટલ ગેઇન થાય તો ૧૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ૧૨ મહિનાથી વધુ સમય માટે રખાયેલા શેર્સ પર કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી. શેરબજારને ધારણા હતી કે સરકાર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ કરી શકે છે, પરંતુ તેને બે કે ત્રણ વર્ષ પછી વેચાતા શેર્સમાં થતા નફા પર લાગુ કરાશે. જોકે સરકારે એક વર્ષ પછી વેચાતા શેર્સના નફા પર જ આ જોગવાઇ લાગુ કરતાં મુંબઇ શેરબજારમાં કડાકો બોલી ગયો છે.
પહેલી ફેબ્રુઆરી - ગુરુવારે બજેટ રજૂ થયાના બીજા દિવસથી બીએસઇ સેન્સેક્સમાં શરૂ થયેલો ઘટાડો છઠ્ઠી ફેબ્રુઆરી - મંગળવારે તીવ્ર બન્યો હતો. દિવસના પ્રારંભે જ સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટ તૂટ્યો હતો. દિવસ દરમિયાન વધઘટે અથડાયા બાદ સેન્સેકસ ૫૫૦ પોઇન્ટ કરતાં વધુ ઘટી ૩૪,૧૯૬ (અને નિફ્ટી - ૧૬૮ પોઇન્ટ ઘટીને ૧૦,૪૯૮) ઉપર બંધ રહ્યો હતો.
ગૃહ મંત્રાલય સુસજ્જ થશે
દેશમાં કાયદો-વ્યવસ્થા જાળવતા ગૃહ મંત્રાલય માટે બજેટમાં રૂ. ૯૨,૬૯૭.૮૬ કરોડ ફાળવાયા છે. આ રકમ ગયા વર્ષ કરતા ૧૦.૫ ટકા વધુ છે. હાલ પાકિસ્તાન સાથે જોડાયેલા સરહદી ક્ષેત્રોમાં તંગદિલી વધી છે ત્યારે સરહદી વિકાસ માટે ૧,૭૫૦ કરોડ ફાળવાયા છે. ગૃહ મંત્રાલયને ફાળવાયેલા નાણાંમાંથી રૂ. ૨૦,૨૬૮ કરોડ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) માટે છે. સીઆરપીએફનું કામ કાશ્મીરમાં વધી ગયું હોવાથી આ ફંડ અપાયું છે. બજેટમાં અર્ધલશ્કરી સશસ્ત્ર દળો જેમ કે બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, સીઆઇએસએફ, એસએસબી, આસામ રાઇફલ્સ, એનએસજી વગેરે માટે ૬૨,૭૪૧.૩૧ કરોડ અપાયા છે. ગૃહ મંત્રાલય હેઠળ આવતી ગુપ્તચર સંસ્થા આઇબી માટે ૧૮૭૬.૪૪ કરોડ અપાયા છે. પોલીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૪૨૮૬ કરોડ તો મહિલા સુરક્ષા માટે ૧૦૦ કરોડ અપાયા છે.
સંરક્ષણ બજેટમાં વધારો
હાલ ભારતીય સરહદે પાકિસ્તાન - ચીન બન્ને માથું ઉચકી રહ્યા છે ત્યારે નાણાંપ્રધાને બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે રૂ. ૨.૯૫ લાખ કરોડ ફાળવ્યા છે. ગયા વખતના સંરક્ષણ બજેટ કરતાં આ રકમ ૭.૮૧ ટકા વધુ છે. જે બજેટ ફાળવાયું છે તેમાં સંરક્ષણની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એર ફોર્સમાં વિવિધ હથિયારો, એરક્રાફ્ટ, વોરશિપ અને અન્ય સૈન્ય હથિયારો ખરીદવા માટે આશરે ૯૯,૯૪૭ કરોડ રૂપિયાની જોગવાઇ છે.
આ સાથે નાણાંપ્રધાને જાહેર કર્યું છે કે સરકાર બે સંરક્ષણ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સ્થાપશે. જ્યાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન પર ધ્યાન અપાશે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં સુરક્ષા અને સરહદે પાકિસ્તાન સામેની કાર્યવાહી બદલ સૈન્યના જેટલીએ વખાણ કર્યા હતા. જેટલીએ જણાવ્યું હતું કે આ વર્ષે એક એવી પોલીસી ઘડવામાં આવશે કે જે સંરક્ષણ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી ઉત્પાદનમાં મહત્વ આપે. આ પોલીસી વધુ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી હશે.
બજેટ ૨૦૧૮-૧૯ઃ આંકડાઓમાં
• રૂ. ૨૧.૫૭ લાખ કરોડ કુલ ખર્ચ • રૂ. ૧૫.૧૬ લાખ કરોડ, કુલ આવક • રૂ. ૧૨.૨૭ લાખ કરોડ કરવેરાની આવક • રૂ. ૨.૮૮ લાખ કરોડ કરવેરા સિવાયની આવક • રૂ. ૪.૩૮ લાખ કરોડ મહેસૂલી ખાધ • રૂ. ૫.૯૫ લાખ કરોડ રાજકોષીય ખાધ • રૂ. ૧.૪૮ લાખ કરોડ રેલવે માટે


comments powered by Disqus