કોંગ્રેસનું કદ આટલું નાનું ક્યારેય ન હતુંઃ મોદી

Wednesday 07th March 2018 05:06 EST
 
 

નવી દિલ્હીઃ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયના પરિણામો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાનીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદીએ ત્યાં ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ભાજપ સતત આગળ વધી રહ્યું છે, પરંતુ એક પક્ષ એવો છે જેના નેતાઓ હોદ્દામાં આગળ વધી રહ્યા છે, પણ પક્ષનું કદ નાનું કરી રહ્યા છે. કોંગ્રેસનું કદ આટલું નાનું અગાઉ ક્યારેય ન હતું. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વિના આ ટોણો માર્યો હતો.
‘ભારત માતા કી જય...’ સાથે ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે, આપણને પૂર્વોત્તરમાં સફળતા મળી છે, પણ હવે આપણે સતર્ક રહેવું પડશે. ભાજપમાં કોંગ્રેસ કલ્ચર ઘૂસવું ના જોઇએ. કોઇ પણ ઇમારતના નિર્માણ માટે વાસ્તુશાસ્ત્રીઓ ઇશાન દિશા - ઉત્તર-પૂર્વના ખૂણાની મજબૂતાઇ પર ખાસ ભાર મૂકે છે. હવે ઇશાન ભારતનો ખૂણો પણ મજબૂત થઇ ગયો છે. દેશનો વિકાસ હવે તેજ ગતિથી થશે.
કેન્દ્ર અને ભાજપ સરકારની પૂર્વોત્તર રાજ્યોની નીતિ પર પ્રકાશ પાડતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભાજપે સત્તામાં આવતા જ પૂર્વોત્તર રાજ્યો પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. આઝાદી પછી જેટલા પ્રધાનો પૂર્વોત્તર રાજ્યોમાં ગયા તેનાથી પણ વધુ નેતાઓ અમે ફક્ત ચાર વર્ષમાં ત્યાં મોકલ્યા છે. અમારા શાસનમાં ઘણી વખત દર ૧૫ દિવસે એક નેતા કે પ્રધાન પૂર્વોત્તર રાજ્યમાં જતા હતા. હજુ ચાર વર્ષ પહેલાં પૂર્વોત્તર રાજ્યો માટે દિલ્હી બહુ દૂર હતું, પરંતુ હવે નથી. અમે દિલ્હીને તેમના દ્વાર પર લાવી દીધું છે. મોદીએ ચૂંટણીઓમાં હાર-જીત વિશે કહ્યું હતું કે, જીતની જેમ હાર સ્વીકારવી એ પણ લોકતંત્રની પરંપરા છે. જે લોકો લોકતંત્રની દુહાઇઓ આપી રહ્યા છે તેઓ પરાજયને દિલથી સ્વીકારી શકતા નથી. ફક્ત રાજકીય વિચારધારાના કારણે ભાજપના અનેક કાર્યકર્તાઓની હત્યા કરી દેવાઇ છે. જોકે, લોકતંત્રની તાકાત છે કે ગરીબમાં ગરીબ મતદારે મત આપીને હિંસાની વિચારધારા વિરુદ્ધ ભાજપને મત આપ્યા છે.

ઈશાન ખૂણાનો ઉલ્લેખ કેમ?

પૂર્વોત્તર રાજ્યો ઇશાન દિશામાં હોવાથી ઇશાન રાજ્યો તરીકે પણ ઓળખાય છે. આ મુદ્દે વાત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, વાસ્તુશાસ્ત્રમાં ઇમારતની રચના કરવા ઇશાન ખૂણાનું ખાસ ધ્યાન રખાય છે. જોકે, આ વિશે હું વધુ કોઇ જ્ઞાન પણ નથી ધરાવતો અને એમાં વિશ્વાસ પણ નથી કરતો, પરંતુ વાસ્તુશાસ્ત્રીઓ તેનું ખાસ ધ્યાન રાખે છે. ટૂંકમાં પૂર્વોત્તરમાં બધુ બરાબર છે તો આખી ઇમારતનો પાયો મજબૂત રહેશે. ખુશીની વાત છે કે, આજે ઇશાન ખૂણો ભાજપના નેતૃત્વમાં આગળ વધ્યો છે. આ ખૂણાને વાસ્તુશાસ્ત્રીઓ પવિત્ર અને શક્તિશાળી માને છે.

અઝાન અને શહીદો માટે ભાષણ અટકાવ્યું

પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પછી નવી દિલ્હીના ભાજપ કાર્યાલયમાં અનોખી ઘટના બની હતી. મોદીએ ભાષણ શરૂ કરતાં જ નજીકની મસ્જિદમાંથી અઝાન સંભળાઈ હતી. તેમણે તરત જ કહ્યું કે, અત્યારે અઝાનનો સમય છે, બે મિનિટ થોભી જઇએ. બે મિનિટની શાંતિ પછી વડા પ્રધાન મોદીએ ફરી એક વાર ભાષણ શરૂ કર્યું હતું. આ પહેલાં રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પણ ભાષણ વખતે અઝાન સંભળાતા તેઓ રોકાઇ ગયા હતા. ત્યાર પછી વડા પ્રધાન મોદીએ પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપના કાર્યકરોની હત્યા વિશે માહિતી આપી હતી. ત્યારે પણ તેમણે કાર્યકર્તાઓની શહાદતના માનમાં થોડો સમય મૌન પાળ્યું હતું.


comments powered by Disqus