ડાબેરીઓના ગઢમાં ‘કમળ’ ખીલ્યું

Wednesday 07th March 2018 04:53 EST
 
 

ડાબેરીઓ-કોંગ્રેસના સુપડાં સાફ

૬૦ બેઠકો ધરાવતી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીનાં શનિવારે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે ક્લીન સ્વીપ કરતાં ૩૫ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. જ્યારે તેના સહયોગી પક્ષ આઇપીએફટીને ૮ બેઠકો મળતાં યુતીએ બહુમતી માટે જરૂરી ૩૧ કરતાં વધુ એટલે કે ૪૩ બેઠકો હાંસલ કરી છે. આ સાથે ત્રિપુરામાં માણિક સરકારનાં નેતૃત્વમાં ૨૫ વર્ષથી ચાલી રહેલાં ડાબેરી શાસનનો અંત આવ્યો હતો. ત્રિપુરામાં ડાબેરીઓનાં પતનની સાથે હવે સમગ્ર દેશમાં ડાબેરીઓ ફક્ત કેરળ પૂરતા મર્યાદિત રહી ગયા છે. સત્તાધારી સીપીએમને ફક્ત ૧૬ બેઠકો મળી છે. જ્યારે ૨૦૧૩ની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલી કોંગ્રેસનાં સૂપડાં સાફ થઇ ગયાં છે. ત્રિપુરામાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ બેઠક પ્રાપ્ત થઈ નથી.
ત્રિપુરામાં ભાજપનો યુવા ચહેરો ગણાતા વિપ્લવકુમાર દેવ મુખ્ય પ્રધાન પદે નિશ્ચિત મનાય છે. વિપ્લવ કુમાર દેવ ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને બનામલિપુર ખાતેથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. ચૂંટણીમાં રાજ્યના પ્રભારી સુનીલ દેવધર સાથે વિપ્લવકુમાર દેવે સમગ્ર ચૂંટણીનું નેતૃત્વ કર્યું હતું. વિપ્લવકુમાર બીએ સુધીનો અભ્યાસ કરી દિલ્હી ગયા હતા. ૧૫ વર્ષ દિલ્હીમાં જિમ ઇન્સ્ટ્રક્ટર તરીકે સક્રિય હતા.

શાહની ઉત્તર પ્રદેશ ફોર્મ્યુલા

અધ્યક્ષ અમિત શાહે ત્રિપુરામાં સૌથી પહેલા રાજ્યના યુવાન નેતા વિપ્લવકુમાર દેવને પ્રદેશની કમાન સોંપી. તેઓ એક સમયે સાંસદ ગોવિંદાચાર્યના અંગત મદદનીશ હતા.
આ પછી સંગઠન સાથે સંકળાયેલા અને મોદીની વારાણસી સંસદીય બેઠકના પ્રભારી રહેલા સુનિલ દેવધરને ત્રિપુરાના પ્રભારી બનાવ્યા. ત્યાર બાદ અમિત શાહે ઉત્તર પ્રદેશ ચૂંટણીની જેમ ત્રિપુરામાં પણ બૂથ અને પેજ પ્રમુખની વ્યૂહરચનાને અસરકારક રીતે લાગુ કરી.
ડાબેરીઓની નબળાઈનો ઉપયોગ કર્યો
ત્રિપુરાની ચૂંટણીમાં ભાજપનું સુકાન સંભાળનાર સુનીલ દેવધર કહે છે કે ડાબેરી કેડર કોઈ મામૂલી કેડર નથી, પરંતુ તેમની એક નબળાઈ છે કે સત્તામાં આવતા જ વહીવટી તંત્રનું રાજકારણ અને રાજકારણનું અપરાધીકરણ કરવામાં લાગી જાય છે. જેનાથી બૂથ સ્તરની કેડર પક્ષ પર નિર્ભર થઈ જાય છે અને સરકારની યોજનામાં લાભ ઉઠાવવા લાગે છે. આ કારણે બંગાળમાં ડાબેરી કેડર ખતમ થઈ ગઈ. અમે તેમની આ જ નબળાઇને નિશાન બનાવી અને અમારો વિજય નિશ્ચિત કર્યો.

ભાજપને ફળ્યું વિપક્ષમાં વિભાજન

ભાજપના આ વિજયમાં વિરોધ પક્ષમાં વિભાજને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સૌથી મહત્વનું પરિબળ ભાજપ નેતા હેમંત બિશ્વા શર્માની કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબવર્મા સાથે ચૂંટણી દરમિયાન થયેલી મુલાકાત હતી. અહેવાલ અનુસાર ત્રિપુરાના રાજ પરિવાર સંકળાયેલા દેબવર્માની ભાજપ સાથે ડીલ થઈ ગઈ. આ કારણે ભાજપ આદિવાસી પ્રભાવવાળી બધી જ ૨૦ બેઠકો જીતવામાં સફળ રહ્યો છે.

૫ વર્ષમાં ૧૫ ગણા ધારાસભ્યો

પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીમાં સફળતા મેળવ્યા પછી ભાજપ હાઇ કમાન્ડ ખુશખુશાલ છે. વર્ષ ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે પૂર્વોત્તરના ૭ રાજ્યોમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યામાં ૧૫ ગણો વધારો થયો છે. એક સમયે પૂર્વોત્તરના ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, આસામ, મણિપુર, મિઝોરમ અને સિક્કિમ એમ ૭ રાજ્યોમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ફક્ત ૯ હતી.
જોકે, વર્ષ ૨૦૧૮માં આ આંકડો વધીને ૧૪૦ થયો છે. ૨૦૧૬માં જ પૂર્વોત્તરમાં ભાજપના ધારાસભ્યોનો આંકડો ૭૨ સુધી પહોંચી ગયો હતો. ત્રિપુરાની હાલની જીત પછી આ આંકડો ૨૦૧૮માં ૧૪૦એ પહોંચી ગયો છે. ભાજપે કોંગ્રેસ અને અન્ય સ્થાનિક પક્ષોને જબરદસ્ત હંફાવીને આ સફળતા મેળવી છે. પૂર્વોત્તરના સાત રાજ્યમાં ૨૦૧૩થી ૨૦૧૮ વચ્ચે કોંગ્રેસની બેઠકોમાં ૪૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. એક સમયે - ૨૦૧૩માં - કોંગ્રેસ પાસે ૨૪૨ ધારાસભ્ય હતા, પરંતુ આજે એ આંકડો ઘટીને ૧૫૧એ પહોંચી ગયો છે. ભાજપ પાસે પૂર્વોત્તરના સાત રાજ્યમાં નહીંવત નેતાગીરી હતી, જ્યારે આજે આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભાજપના મુખ્ય પ્રધાન છે.
આ રીતે, સિક્કિમ અને નાગાલેન્ડમાં ભાજપની ગઠબંધન સરકારના મુખ્ય પ્રધાનો છે. સામે પક્ષે કોંગ્રેસના મુખ્ય પ્રધાનોની સંખ્યા પાંચથી ઘટીને બે થઇ ગઇ છે.

•••

મેઘાલય

નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના યુવા નેતા કોનરાડ સંગમાએ મંગળવારે પાટનગર શિલોંગમાં મેઘાલયના મુખ્ય પ્રધાન પદ તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ સમારોહમાં અમિત શાહ અને રાજનાથ સિંહ પણ સામેલ થયા. મેઘાલયની યુતિ સરકારમાં ભાજપ, એનપીપી, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (યૂડીપી), હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (એસએસપીડીપી) અને પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (પીડીપી) સામેલ છે. એકલા હાથે ૨૧ બેઠક જીતનારી કોંગ્રેસને અહીં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. ભાજપને માત્ર બે બેઠક જ મળી છે, પરંતુ તે કોંગ્રેસને અહીં સરકાર રચતાં અટકાવી શકી છે. અગાઉ ભાજપના હેમંત બિશ્વા કહ્યું હતું કે, નવી સરકારમાં કોઈ નાયબ મુખ્ય પ્રધાન નહીં હોય. ભાજપના એક ધારાસભ્ય સરકારમાં જોડાશે.

•••

ત્રિપુરા

૬૦ બેઠકો ધરાવતી ત્રિપુરા વિધાનસભામાં ભાજપે ક્લીન સ્વીપ કરતાં ૩૫ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. જ્યારે તેના સહયોગી પક્ષ આઇપીએફટીએ ૮ બેઠકો મેળવી છે. આમ યુતિએ બહુમતી માટે જરૂરી ૩૧ કરતાં વધુ એટલે કે ૪૩ બેઠકો હાંસલ કરી છે. આ સાથે ત્રિપુરામાં માણિક સરકારનાં નેતૃત્વમાં ૨૫ વર્ષથી ચાલતાં ડાબેરી શાસનનો અંત આવ્યો હતો. સત્તાધારી સીપીએમને ફક્ત ૧૬ બેઠકો મળી છે. જ્યારે ૨૦૧૩ની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલી કોંગ્રેસનાં સૂપડાં સાફ થઇ ગયાં છે. તેને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નથી. ત્રિપુરામાં ભાજપનો યુવા ચહેરો વિપ્લવકુમાર દેવ મુખ્ય પ્રધાન પદની દાવેદારીમાં સૌથી આગળ છે. વિપ્લવકુમાર ત્રિપુરા ભાજપના અધ્યક્ષ પણ છે અને બનામલિપુરથી ચૂંટાયા છે.

•••

નાગાલેન્ડ

નાગાલેન્ડના મુખ્ય પ્રધાન ટી.આર. ઝેલિયાંગે મંગળવારે રાજીનામું આપતાં ગવર્નર પી.બી. આચાર્યએ તે સ્વીકારીને તેમને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન કાર્યાલય સંભાળવા અનુરોધ કર્યો હતો. આ સાથે ગવર્નર આચાર્યએ ભારતીય બંધારણના આર્ટિકલ ૧૬૪ની ક્લોઝ (૧) હેઠળ એનડીપીપી નેઇફિયુ રિઓને નાગાલેન્ડના નવા મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. આચાર્યએ નેઇફિયુને ૧૬ માર્ચ સુધીમાં ફ્લોર ઓફ હાઉસમાં તેમનો બહુમત સાબિત કરવા માટે પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે એનડીપીપી અને ભાજપે ચૂંટણીપૂર્વે જ જોડાણ કર્યું હતું. ભાજપ અને એનડીપીપી યુતિને ૬૦માંથી ૨૯ બેઠકો પ્રાપ્ત થઈ છે. ૨૦૧૩માં કોંગ્રેસને ૮ બેઠક મળી હતી, પરંતુ આ વખતે તેનાં સૂપડાં સાફ થઈ ગયાં છે.

•••

ત્રણ રાજ્યોઃ ક્યુ પરિબળ ફળ્યું? ક્યુ પરિબળ નડ્યું?

ત્રિપુરાઃ ૫૦ ટકા ભાજપ ઉમેદવાર છેલ્લા પાંચ વર્ષમાં પક્ષના સભ્ય બન્યા છે
• ત્રિપુરામાં ભાજપના ૫૦ ટકા ઉમેદવારોએ છેલ્લા પાંચ વર્ષમાં પક્ષનું સભ્યપદ મેળવ્યું છે. • ભાજપના બાવન કેન્દ્રીય પ્રધાનો અને ૨૦૦થી વધુ સાંસદો-નેતાઓએ રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી. • મોદીએ રાજ્યમાં ૪ ચૂંટણી રેલીઓ કરી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં ૬ રાત વીતાવી હતી.
• ત્રિપુરામાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જે ૭ જગ્યાઓ પર સભાઓ સંબોધી, ૪ રોડ શો કર્યા હતા. તેમાંથી ૭ પર વિજય મળ્યો. • યોગીએ બે દિવસ પ્રચાર કર્યો તેનું મુખ્ય કારણ નાથ સંપ્રદાયની મોટી વસતી હોવાનું હતું.
નાગાલેન્ડ: કોંગ્રેસના છેલ્લી વખત કરતાં ૨૨ ટકા મત ઘટી ગયા
• ભાજપ ૨૦ બેઠકો પર ચૂંટણી લડ્યો, ૧૧ પર વિજય મેળવ્યો, આ અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન છે. • રાજ્યના ત્રણ વખત મુખ્ય પ્રધાન રહેલા એનડીપીપીના પ્રમુખ નેફ્યૂ રિયો પહેલા જ ઉત્તર અંગામી-ટુથી બિનહરીફ ચૂંટાયા છે. તેમને ભાવિ મુખ્ય પ્રધાન તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. • નાગાલેન્ડમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહીં. કોંગ્રેસ ૧૮ બેઠકો પર ચૂંટણી લડી હતી.
• કોંગ્રેસને રાજ્યમાં માત્ર ૨.૧ ટકા મત મળ્યા. છેલ્લી વખત તેને ૮ બેઠકો અને ૨૪.૮૯ ટકા મત મળ્યા હતા. • કોંગ્રેસના સ્થાનિક નેતા આ હાર માટે રાજ્યના પ્રભારી સી.પી. જોષીને જવાબદાર ઠેરવે છે.
મેઘાલયઃ ભાજપને બીફ અને ચર્ચના મુદ્દો નડી ગયો
• મેઘાલયમાં ભાજપ ૨૦૧૩માં ૧૩ બેઠકો પર ચૂંટણી લડ્યો હતો, અને બધી બેઠકો પર તેની ડિપોઝીટ જપ્ત થઈ હતી. અહીં તેને ૨૦ વર્ષ બાદ ૨ બેઠકો મળી છે. • રાજ્યમાં ૧૦ વર્ષથી કોંગ્રેસની સરકાર છે.
• ૬૦ વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં કોંગ્રેસે ૨૧ બેઠકો જીતી છે, છતાં સ્પષ્ટ બહુમતીમાં ૧૦ બેઠકો ઓછી છે. • રાજ્યમાં અંદાજે ૭૫ ટકા મતદાર ખ્રિસ્તી છે, તેથી કોંગ્રેસે ભાજપને બીફ અને ચર્ચના મુદ્દે સતત ઘેર્યો. ભાજપને તેનાથી ઘણું નુકસાન પણ થયું. • કોંગ્રેસે તેના મોવડીઓ અહેમદ પટેલ, મુકુલ વાસનિકને મેઘાલય મોકલ્યા હતા. જેથી તેઓ નાના પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકે. જોકે તેમની મહેનત ફળી નથી. કોંગ્રેસવિરોધી પક્ષોને એકતાંતણે બાંધવામાં ભાજપ સફળ રહ્યો છે. રાજ્યમાં યુવા નેતા સંગમાના નેતૃત્વમાં સરકાર રચાશે, જેને ભાજપે સમર્થન આપ્યું છે.


comments powered by Disqus