નવી દિલ્હીઃ પૂર્વોત્તરના રાજ્યોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ તેના વનવાસી કલ્યાણ આશ્રમ સહિતના કાર્યક્રમો દ્વારા સ્થાનિક આદિવાસીઓમાં પ્રભાવ વધારવાનું કામ શરૂ કરી દીધું હતું. વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા આરોગ્ય અને શિક્ષણની સેવાઓ ચલાવાય છે.
સંઘના આ પ્રયાસોના પરિણામ આસામ અને મણિપુરની ચૂંટણીઓમાં સ્પષ્ટ દેખાયા હતા. આસામ અને મણિપુરમાં ભાજપની સરકારો સત્તામાં આવી હતી. આ પછી તરત ખ્રિસ્તી બહુમતી ધરાવતા મેઘાલય અને નાગાલેન્ડમાં સંઘ અને તેના સંગઠનો દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. આ બંને રાજ્યોમાં ભાજપની વગમાં સારો એવો વધારો થયો હતો. સંઘ અને ભાજપના કાર્યકરોએ પાયાના સ્તરે કામગીરી આરંભી હતી. તો વડા પ્રધાન મોદી અને તેમના પ્રધાનોએ વિસ્તારોની વારંવાર મુલાકાત લઈ જનકલ્યાણની નીતિઓની જાહેરાત કરી હતી.
• મેઘાલયઃ મેઘાલયમાં સંઘે ગારો, જૈનનિયા અને ખાસી આદિવાસી સમુદાયોમાં પગદંડો મજબૂત બનાવીને ચર્ચનો પ્રભાવ ઓછો કરવાાનો પ્રયાસ કર્યો. સંઘે આદિવાસી સમુદાયોમાંથી એવી ગેરસમજ દૂર કરી કે એ તેમની પરંપરાઓ નાબૂદ કરવા માગે છે.
• ત્રિપુરાઃ અહીં ભાજપને તેના કટ્ટર હરીફ એવા ડાબેરીઓ સામે બાથ ભીડવાની હતી. ભાજપ માટે મેદાન મોકળું કરવાનું કામ સંઘના કાર્યકરોએ કર્યું. અહીં અવારનવાર સંઘના કાર્યકરો અને ડાબેરી વચ્ચે સંઘર્ષ થતો રહેતો હતો. સંઘે અહીં ડાબેરી શાસનમાં રહેલી ખામીઓ જનતા સમક્ષ ખુલ્લી પાડી હતી. સંઘના કાર્યોથી પ્રેરાઈને ઘણા લોકો સંઘમાં જોડાયાં. ત્રિપુરામાં હવે સંઘની શાખાઓની સંખ્યા ૨૫૦ને વટાવી ગઈ છે.
• નાગાલેન્ડઃ નાગાલેન્ડમાં પણ સંઘે આદિવાસી સમુદાયો વચ્ચે સેવાકાર્યો થકી લોકોમાં પ્રવર્તતી સંઘ અને ભાજપ વિશેની ગેરસમજો દૂર કરી હતી. આદિવાસી રિવાજોને યથાવત્ રાખીને સંઘે તેનો પ્રચાર જારી રાખ્યો હતો. પરિણામે નાગાલેન્ડમાં પણ ભાજપને સાથ મળ્યો.
•••
ભાજપની ભવ્ય સફળતાના ૪ શિલ્પી
• હેમંત વિશ્વ શર્માઃ દસકા કરતાં વધુ સમયથી કોંગ્રેસમાં રહેલા શર્મા ૨૦૧૫માં ભાજપમાં જોડાયા. મુખ્ય પ્રધાન ગોગાઈ સાથે મતભેદ બાદ ૨૦૧૫માં આસામની ચૂંટણીમાં ભાજપનો ચૂંટણીવ્યૂહ ઘડવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. પછી શર્માને નાગાલેન્ડ, મેઘાલય, ત્રિપુરામાં ભાજપને વિજય અપાવવાની જવાબદારી સોંપાઈ હતી. શર્મા અન્ય પૂર્વ કોંગ્રેસીને ભાજપમાં લાવ્યા. તેમજ કોંગ્રેસ તથા ડાબેરીવિરોધી પક્ષો સાથે સફળ યુતિ રચી.
• રામ માધવઃ ભાજપના મહાસચિવ માધવ પૂર્વોત્તરમાં પ્રમુખ અમિત શાહના લેફ્ટનન્ટ બનીને ગયા હતા. તેમણે નેતાઓની એવી ટીમ તૈયાર કરી જેમણે આ ૩ રાજ્યોમાં કાર્પેટ-બોમ્બિંગ કર્યું. જમ્મુ-કાશ્મીરથી પૂર્વોત્તરના રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે સમજૂતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
• વિપ્લવકુમારઃ વિપ્લવકુમાર દેવ ત્રિપુરા ભાજપના પ્રમુખ તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી. સંઘના પૂર્વ પ્રચારક દેવ આજે ત્રિપુરામાં ભાજપનો ચહેરો છે. દેવે ત્રિપુરામાં ભાજપના ડોર ટુ ડોર પ્રચારની આગેવાની લીધી હતી.
• સુનીલ દેવધરઃ પૂર્વોત્તર ભારતમાં સંઘનો પ્રભાવ વધારવામાં દેવધરનો મહત્ત્વનો ફાળો છે. મેઘાલયમાં સંઘના પ્રસાર માટે લાંબા સમયથી કાર્યરત હતા. ત્રિપુરામાં ભાજપના ડોર ટુ ડોર પ્રચાર પાછળ તેમનું દિમાગ હતું. વિપ્લવકુમારને રાજકારણમાં લાવવાનું શ્રેય દેવધરને અપાય છે.
