નવી દિલ્હી: ભારતની મુલાકાતે આવેલા વિયેતનામના પ્રમુખ ત્રાન દાઇ કવાંગે ત્રીજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી ત્યારે મહત્ત્વના ત્રણ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારત વિયેતનામ સાથે ડિફેન્સ ઉત્પાદન અને ટેક્નોલોજીની ભાગીદારી કરવાની સંભાવના શોધી રહ્યું છે. આ ક્ષેત્રમાં બંને દેશ આગળ વધવા મક્કમ છે. ભારતના આસિયાન દેશો સાથેના સંબંધ અને એક્ટ ઇસ્ટ પોલિસીના ફ્રેમ વર્કમાં વિયેતનામ અત્યંત મહત્ત્વનું છે. હવે બંને દેશ ઇન્ડો પેસિફિક રીજનમાં એકસાથે કામ કરશે, પરંતુ બંને દેશ આંતરરાષ્ટ્રીય સાર્વભૌમત્વનું સંપૂર્ણ સન્માન કરશે. ભારત સરકારે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે, વિયેતનામ સાથે ભારત રિન્યુએબલ એનર્જી, કૃષિ, ટેક્સ્ટાઇલ અને તેલ-ગેસ સહિતના ક્ષેત્રોમાં મજબૂત સંબંધ ઇચ્છી રહ્યું છે.
