નવી દિલ્હીઃ ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિજય સાથે જ ભાજપનો વ્યાપ દેશના ૨૦ રાજ્ય સુધી પહોંચી ગયો છે. એમાંથી મોટા ભાગનાં રાજ્યમાં પક્ષે પોતાનાં જોરે સત્તા મેળવી છે તો કેટલાંક રાજ્યમાં તે અન્ય પક્ષોના સહયોગથી સત્તા સંભાળી રહ્યો છે. ૨૦૧૧ના વસતીગણતરીના આંકડા ધ્યાનમાં લઈએ તો હવે ૨૦ રાજ્યની ૮૨.૦૪ કરોડ વસતી પર ભાજપ કે તેના સાથી પક્ષોની સરકાર શાસન કરે છે, એટલે કે ૬૫.૬૩ ટકા વસતી પર ભાજપનું રાજ છે. કોંગ્રેસ માત્ર ચાર રાજ્યમાં ૯.૧૦ કરોડની વસતી પર એટલે કે ૭.૨૮ ટકા પર શાસન કરે છે. હવે પક્ષે કર્ણાટકમાં ચૂંટણીનો સામનો કરવાનો છે. પંજાબ બાદ કર્ણાટક દેશનું બીજું સૌથી મોટું કોંગ્રેસશાસિત રાજ્ય છે.
ભાજપની આગેકૂચ
૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફક્ત ૧.૫ ટકા મત મળ્યા હતા પરંતુ ૨૦૧૮માં ભાજપ ગઠબંધને અંદાજિત ૪૯.૬ ટકા મત હાંસલ કર્યા છે. ભાજપને ૪૨ ટકા મત મળી રહ્યાં છે. ભાજપની સહયોગી પાર્ટી પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરાને ૮.૫ ટકા મત મળવાની સંભાવના છે. આમ બંને પક્ષને અડધોઅડધ મતદારોનું સમર્થન મળ્યું છે.
કોંગ્રેસની પીછેહઠ
ભાજપના વોટશેરમાં વધારા પાછળનું કારણ કોંગ્રેસમાં થયેલું વિઘટન પણ જવાબદાર છે. કોંગ્રેસને ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ૩૬ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૮માં ઘટીને ફક્ત બે ટકા થઈ ગયાં છે. સ્પષ્ટ છે કે કોંગ્રેસના વિખેરાયેલા મત અંકે કરવામાં ભાજપ સફળ રહ્યો છે. ભાજપે ઘણા કદાવર કોંગ્રેસી નેતાઓને પોતાનામાં સામેલ કર્યા હતા જેણે કોંગ્રેસનું મનોબળ તોડી પાડવાનું કામ કર્યું હતું.
સીપીએમનો આરોપ
સીપીએમના પોલિટ બ્યૂરોએ આરોપ મૂક્યો હતો કે ચૂંટણી જીતવા માટે ભાજપે અઢળક નાણાં વેર્યા હતા અને અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કર્યો હતો. સીપીએમ સમાજના તમામ વર્ગ માટે કામ કરવાનું ચાલુ રાખશે. સીપીએમના નેતા સીતારામ યેચુરીએ જણાવ્યું હતું કે, ત્રિપુરાની જનતાએ ભાજપના શાસનનો જનમત આપ્યો છે. અમે ભાજપના વિભાજનવાદી એજન્ડાનો ન કેવળ ત્રિપુરામાં, પરંતુ સમગ્ર ભારતમાં વિરોધ કરતાં રહીશું.

