ભરુચઃ બે સમુદાયો વચ્ચે ધર્મ અને નાત-જાતના આધારે ભાગલા પડાવીને રાજકીય સ્વાર્થ સાધવાની તાકમાં રહેતા નેતાઓ માટે ભરૂચનો માળી પરિવાર કોમી સૌહાર્દ અને એકતાનું પ્રેરક ઉદાહરણ બનીને ઉભર્યો છે. આ પરિવારના સભ્યો છે બે અલગ અલગ ધર્મના, પણ વસે છે એક છત નીચે. તેમના ધર્મ જુદા છે, પણ એકતા અતૂટ છે. તેમની સંસ્કૃતિ જુદી જુદી છે, પણ તેઓ સમરસતાની મિસાલ છે. તેમની પરંપરા અલગ છે, પણ જીવનશૈલી એક છે.
દક્ષિણ ગુજરાતના આ નગરમાં હિન્દુ અને મુસ્લિમ પરિવાર એક જ છત નીચે વસે છે, અને તે પણ આજકાલથી નહીં, છેલ્લા પચાસ વર્ષથી.
અલગ-અલગ ધર્મના બે મિત્રો વચ્ચે વિકસેલો પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સમયના વહેવા સાથે એટલો અતૂટ બન્યો છે કે તેમની પેઢીઓ પણ એક તાંતણે જોડાઇ ગઇ છે. સગા ભાઇ કરતાં પણ વધુ પ્રેમભાવ આ પરિવારોના સંતાનોમાં જોવા મળે છે.
મોહમ્મદભાઇ માળી અને રમણભાઇ માળીના આ પરિવાર સમગ્ર દેશ માટે હિન્દુ અને મુસ્લિમ એકતાની મિસાલ છે. આ ઘરમાં બનેલા મંદિરમાં રમણભાઇનો પરિવાર પૂજા-અર્ચના કરે છે તો મોહમ્મદભાઇનો પરિવાર નમાજ પણ અદા કરે છે.
બન્ને પરિવારના સભ્યો એક જ રસોડે બનેલી રસોઇ જમે છે. અને વાત માત્ર સાથે ઉઠવા-બેસવા કે ખાવાપીવા પૂરતી જ સીમિત નથી. બન્ને પરિવારના સભ્યો એકબીજાના ધર્મો વિશે પણ ઊંડી જાણકારી ધરાવે છે. રમણભાઇના સંતાનાને કુરાનની આયાત કંઠસ્થ છે તો મોહમ્મદભાઇના સંતાનોને ગીતા-રામાયણનું સંપૂર્ણ જ્ઞાન છે. બન્ને પરિવારો એકબીજાના પર્વો-તહેવારો ઉમંગ-ઉલ્લાસ સાથે એકસંપ થઇને ઉજવે છે.
ફુલનો વ્યવસાય, મિત્રતાની સુગંધ
ફૂલોના વ્યવસાય સાથે જોડાયેલા આ સંબંધની મહેક ક્યારેય લેશમાત્ર ઓછી થઇ નથી. સુખ-દુખને સાથે મળીને વહેંચી લેવા માટે બન્ને પરિવારોએ અલગ અલગ મકાન લઇને તેમાં વસવાટ કરવાના બદલે પચાસ વર્ષ પૂર્વે જ એક છત નીચે મિત્રતાનો મહેલ ચણી લીધો.
લગભગ ૧૭ વર્ષ પૂર્વ મોહમ્મદભાઇએ બીમારીના લીધે અંતિમ શ્વાસ લીધા તો દસ વર્ષ પૂર્વે રમણભાઇ એક માર્ગ દુર્ઘટનાનો ભોગ બન્યા અને આ ફાની દુનિયા છોડી ગયા. પરંતુ બન્ને પરિવારના સભ્યો તેમના પિતાએ ચીંધેલા મિત્રતાના માર્ગે આગળ વધતા રહ્યા અને આજે પણ એક જ છત નીચે વસી રહ્યા છે.
રમખાણો વખતે પણ અતૂટ પ્રેમ
આઝાદી બાદ દેશમાં કંઇકેટલાય કોમી રમખાણો થયા છે. ઝનૂની લોકોના ઉશ્કેરાટે હજારો નિર્દોષોનું રક્ત વહાવ્યું છે. લાખોના બેઘર કર્યા છે, પરંતુ આ બે પરિવારોની એકતાને આંચ આવી નથી. ૧૯૯૨ અને ૨૦૦૨ના રમખાણો વખતે આખું ગુજરાત ભડકે બળ્યું હતું, ચોમેર કોમવાદની આગ અગનજ્વાળા લપકારા મારતી હતી. બે ધર્મના લોકો એકમેકને શંકાની નજરે નિહાળતા થિ ગયા હતા, પરંતુ આ માળી પરિવારના સભ્યોની એકતા અખંડિત રહી છે. બન્ને પરિવારના સભ્યોએ જીવનની દરેક મુશ્કેલીનો સાથે મળીને સામનો કર્યો છે, અને દરેક ઉત્સવની સાથે મળીને ઉજાણી કરી છે. માળી પરિવારના સભ્યો વિવિધતામાં એકતાની ઓળખ ધરાવતા ભારતનો અસલી ચહેરો બની રહ્યો છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
આટલો મોટો છે આ પરિવાર
મોહમ્મદભાઇના પરિવારમાં તેમના પત્ની મુમતાઝબહેન અને અને ચાર દીકરીઓ છે જ્યારે રમણભાઇના પરિવારમાં તેમના પત્ની એક પુત્ર અને ત્રણ દીકરીઓ છે. બન્ને પરિવારના ૧૨ સભ્યો વર્ષોથી એક સાથે વસે છે. બન્નેની દીકરીઓ લગ્ન થઇ ગયા બાદ પોતપોતાના સાસરામાં સુખરૂપ સાંસારિક જીવન વીતાવી રહ્યા છે. મોહમ્મદભાઇની ચારેય દીકરીઓના લગ્ન રમણભાઇના દીકરાએ કરાવ્યા છે. ચારેય બહેનો હાલ કેનેડમાં વસવાટ કરે છે અને ત્યાંથી જ દર વર્ષે ભાઇને રાખડી મોકલે છે.

