બાંગ્લાદેશને ચીનની સહાય, ભારત માટે ચિંતાજનક

Wednesday 08th August 2018 10:43 EDT
 

તાજેતરમાં અહેવાલ આવ્યા છે કે નગદ નાણાંથી તગડા ચીને બાંગ્લાદેશમાં બંદરો, પુલો, માર્ગો અને ફેક્ટરીઓનાં નિર્માણ કાજે ૩૪.૩ બિલિયન ડોલરની જંગી રકમનું મૂડીરોકાણ શરૂ કર્યું છે.
પદ્મા નદી (ભારતની ગંગા નદી તે જ બાંગ્લાદેશમાં પદ્મા નદી) પર તાજેતરમાં છ કિલોમીટર લાંબા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને બાંગ્લાદેશના એન્જિનિયરિંગ ઇતિહાસમાં વિક્રમજનક સિદ્ધિ તરીકે ઓળખાવવામાં આવે છે. આ પુલના નિર્માણ માટે ચીને ૩.૭ બિલિયન ડોલરની સહાય આપી હતી.
ભારતની આસપાસના આઠ દેશો - બર્મા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદિવ, ભૂતાન, સિક્કિમ, નેપાળ અને પાકિસ્તાન આવેલા છે. આમાંથી ભારતે સૌથી વધુ સાચવવાનું બાંગ્લાદેશમાં છે.
૧૯૭૧માં ભારતીય સૈન્ય અને ઇંદિરા ગાંધીના હિંમતભર્યા પગલાંએ બાંગ્લાદેશનો જન્મ થયો. માત્રને માત્ર માતૃભાષાને પ્રાધાન્ય આપી સ્વધર્મી મુસ્લિમ પાકિસ્તાનથી અલગ અસ્તિત્વ ઉભું કરવાનો બાંગ્લાદેશીઓનો દૃઢ નિર્ધાર જ ઘણું બધું કહી જાય છે.
બાંગ્લાદેશીઓ અને પશ્ચિમ બંગાળની કુલ વસ્તીનો આંકડો લગભગ ૩૦ કરોડે પહોંચ્યાનો અંદાજ છે. આ બન્ને બંગાળી પ્રદેશોમાં ભાષા, રવિન્દ્રસંગીત અને સંસ્કાર વારસો મહત્ત્વના ગણાય છે.
બાંગ્લાદેશની વર્તમાન સરકારના ભારત સાથેના સંબંધો બહુ જ સારા છે. આ સંજોગોમાં ભારત પણ બાંગ્લાદેશને આર્થિક સહાય આપવા તૈયાર હોય છે. જોકે ભારત આપી આપીને કેટલી આર્થિક સહાય આપી શકે? બે-ચાર બિલિયન ડોલર. આ સહાય ચીનની ૩૪ બિલિયન ડોલરની તોતિંગ સહાય સામે તો કાનખજૂરાના પગ જેટલી ગણી શકાય. વળી વાત અહીં પૂરી થઇ જાય છે તેવું પણ નથી.
ચીન ભારત આસપારના અન્ય દેશો શ્રીલંકા, નેપાળ, માલદિવ વગેરે દેશોને પણ અઢળક આર્થિક સહાય કરીને તેને પોતાના વશમાં કરી રહ્યું. ચીન તેની આર્થિક તાકાતનો ઉપયોગ કરીને ભારતની આસપાસના પ્રદેશોમાં પોતાની વગ વધારવા પ્રયત્નશીલ છે.
રાજદ્વારી નિષ્ણાતો ચીનની આ ચાલને અત્યંત ચિંતાજનક નજરે ગણાવી રહ્યા છે. ચીનની આ ચતુરાઇભરી ચાલ આગામી દિવસોમાં ભારતના પડોશી દેશો સાથેના રાજદ્વારી સંબંધોમાં નવા સમીકરણો રચે તો નવાઇ નહીં.


comments powered by Disqus