બ્રિટિશ આર્મીમાં પટેલ ભાયડો

- કોકિલા પટેલ Friday 11th May 2018 07:35 EDT
 
 

આપણા ગુજરાતી પરિવારોના યુવાન-યુવતીઓ ડોકટર, એન્જિનિયર, આર્કિટેક્ટ, ફાર્મસીસ કે લોયર બનવાની મહત્વાકાંક્ષાઓ સાથે આભને આંબતી ઉજ્જવળ કારકિર્દી અને સમૃધ્ધિભર્યું જીવન વિતાવી શકે એવા મનોરથ સેવતા હોય છે. આપણા ગુજરાતીઓમાં ભાગ્યે જ કોઇ એવું વિચારતા હશે કે હું દેશનો સૈનિક બની રાષ્ટ્રની સેવા કરીશ પણ લેસ્ટરનો એક બાહોશ યુવાન એનું ભણતર-ડિગ્રીને નેવે મૂકી રાષ્ટ્રની સેવા કાજે બ્રિટીશ આર્મીમાં જોડાઇ જતાં દેશ અને કૂળનું નામ ઉજ્જવળ કર્યું છે. આ ગુજરાતી યુવાન એટલે લેસ્ટરમાં જન્મેલો ૨૩ વર્ષનો અર્જુન પટેલ. લેસ્ટરમાં સ્કૂલ અને સ્વાન્સી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર અર્જુને ૪૨ સપ્તાહ તાલીમ લીધા બાદ ગયા વર્ષે ૧૭ નવેમ્બરમાં આર્મી ટ્રેનિંગનો કોર્ષ પૂરો કર્યો. ત્યારબાદ એ રોયલ એન્ગીલીયન રેજીમેન્ટની ઇનફેન્ટ્રી ડિવીઝન કીંગ્સ પ્લેટૂનમાં જોડાયો છે.
કેન્યાના નૈરોબીથી ૧૯૬૭માં અત્રે આવી લેસ્ટર સ્થાયી થયેલા અર્જુન પટેલના માતા-પિતા અનિલભાઇ તથા જયશ્રીબહેન મૂળ પીપળાવ (આશાપુરી)ના વતની છે. અનિલભાઇ કહે છે કે, અર્જુનને એની મેથ્સની ડિગ્રી લઇને બીજું કંઇક વિચારવા ખૂબ સમજાવ્યો પણ એ આર્મીમાં જવા મક્કમ હતો. હાલ એ મેમ્બર ઓફ હર મેજેસ્ટી આર્મ્ડ ફોર્સના ફ્રન્ટ લાઇન સોલ્જર તરીકે સાયપ્રસમાં ફરજ પર છે. અનિલભાઇએ મંગળવારે ફોન પર વાતચીત કરતાં જણાવ્યું કે, “અર્જુન એની રેજીમેન્ટમાં એકલો ઇન્ડિયન છે એટલે થોડી ચિંતા રહે પરંતુ મારા દીકરાએ એના દાદાજી ચુનીભાઇ બેચરભાઇ પટેલના પગલે ચાલવાનું પસંદ કર્યું એનો મને ગર્વ છે. ૧૯૪૧ના બીજા વિશ્વયુધ્ધમાં ૧૯ વર્ષની વયે બ્રિટીશ આર્મી તરીકે કેન્યાથી ભરતી થયેલા. અમે પિતાજી સાથે યુ.કે. આવ્યા ત્યારે હું નવ વર્ષની હતો પણ મને યાદ છે કે એ વખતે એમની સાથે એમના આર્મીના યુનિફોર્મની શૂટકેસ ભરેલી લઇને આવેલા.”


comments powered by Disqus