બ્રિટિશ-પાકિસ્તાની રુખસાના ફીઆઝ ન્યૂહામ બરોની મેયરપદે ચૂંટાઈ

Thursday 10th May 2018 06:54 EDT
 
 

લંડનઃ બ્રિટિશ-પાકિસ્તાની મહિલા રુખસાના ફીઆઝે લંડનના ન્યૂહામ બરોનાં સીધા ચૂંટાયેલાં પ્રથમ મેયર બનીને ઈતિહાસ સર્જ્યો છે. રુખસાના ઈસ્ટ લંડનમાં કસ્ટમ હાઉસનાં કાઉન્સિલર છે. તેણે ત્રીજી મેની ચૂંટણીના કુલ ૩૫.૮૪ ટકા મતના ૭૩.૪ ટકા મત હાંસલ કર્યાં હતાં. રુખસાના ફીઆઝ ૧૬ વર્ષથી મેયરપદ સંભાળતા સર રોબિન વેલ્સનું સ્થાન લેશે અને ન્યૂહામના આશરે ૨૫૦ મિલિયનના વાર્ષિક બજેટની જવાબદારી સંભાળશે.
નવનિયુક્ત મેયરે જણાવ્યું હતું કે તેમના વિજયે ભારે પરિશ્રમ અને નૈતિકતાના મહત્ત્વને ઉજાગર કર્યું છે. તેમનો વિજય લાંબા રાજકીય સંઘર્ષનું પરિણામ છે. રુખસાનાએ કહ્યું હતું કે, ‘આ વિજય આનંદજનક છે. તે મને ન્યૂહામ વિશે બે વાત જણાવે છે. એક તો, લેબર પાર્ટીમાં તેમનો પૂર્ણ વિશ્વાસ અને આશા તેમજ જેરેમી કોર્બીનના નેતૃત્ત્વ હેઠળ કેટલાક વર્ષથી અમે પ્રગતિ સાધી રહ્યા છીએ તે હકીકત. આઠ વર્ષના ટોરી કાળ પછી પણ કાઉન્સિલનું નેતૃત્વ કરવાની લેબરની ક્ષમતામાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે.’
નવા મેયરે ઉમેર્યું હતું, ‘હું અન્ય વંશીય લઘુમતીઓની આશા અને મહેચ્છાઓનું પ્રતિબિંબ છું. આ ભૂમિકા નિભાવવાની મારામાં પ્રતિભા અને ક્ષમતા છે તે સાબિત કરવા મેં મારાં પ્રતિસ્પર્ધીઓ કરતાં બમણી મહેનત કરી છે. હું સીધી રીતે ચૂંટાયેલી પ્રથમ વંશીય લઘુમતી મેયર હોવાની સાથોસાથ સમગ્ર દેશમાં સીધી રીતે ચૂંટાયેલી પ્રથમ અશ્વેત લઘુમતી મહિલા મેયર હોવાની બાબત પણ નોંધનીય છે. આનાથી યુવા વર્ગને સમજાશે કે જો તમે સખત મહેનત કરશો અને ચતુરાઈ સાથે નિયમબદ્ધ કાર્ય કરશો તો ઉચ્ચ સ્થાને પહોંચી શકશો.’


comments powered by Disqus