ભરૂચઃ ભરૂચ શહેર તથા જિલ્લામાંથી અનેક પરિવારો બ્રિટનમાં સ્થાયી થયાં છે અને તેઓ ત્યાં વિવિધ ક્ષેત્રોમાં ડંકો વગાડી રહયાં છે. ભરૂચ જિલ્લાના વતની, પરંતુ વર્ષોથી બ્રિટનમાં સ્થાયી થયેલી બે યુવતી અને બે યુવાનોએ પૂર્વ લંડનની ન્યૂહામ બરો કાઉન્સિલની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી દરિયાપારના દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે તો અરગામાના રહેવાસી લેન્કેશાયર ચોર્લી કાઉન્ટીમાં ચૂંટણી જીત્યાં છે.
ભરૂચ તાલુકાના વડવા ગામના વતની અને લંડનમાં સ્થાયી થયેલા સઈદભાઈ આદમની પુત્રી મરિયમે સૌથી નાની ઉંમરમાં સૌથી વધુ મત મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી ભરૂચને ગૌરવ અપાવ્યું છે. વડવાના વતની સઇદ આદમ ૧૪ વર્ષની ઉંમરમાં જ લંડન ગયા હતા અને ત્યાં જ સ્થાયી થયા છે. સઇદભાઈની પુત્રી મરિયમે નાની ઉંમરમાં જ ન્યૂહામ કાઉન્સિલની ચૂંટણીમાં ૬૦ કાઉન્સિલોમાં સૌથી વધુ મત સાથે વિજય મેળવ્યો છે.
મરિયમે વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ તેમણે લેબર પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો અને તેમના ૧૮મા જન્મદિવસે તેની લેબર પાર્ટી ન્યૂ હામના સેક્રેટરી તરીકે નિયુક્તિ થઈ હતી. યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત વિશ્વના યુથ લીડર્સની કોન્ફરન્સ માટે પણ મરિયમ પસંદ થયા હતાં.
મરિયમ ઉપરાંત ભરૂચ તાલુકાના મહુધલા અને લંડનમાં સ્થાયી થયેલ સલીમ પટેલ, ઉમરાજના માઝ પટેલ તથા મૂળ કરમાડ ગામના ફિરોઝા નેકીવાલાએ પણ ન્યૂહામ કાઉન્સિલમાં વિજેતા થઈને ભરૂચનું ગૌરવ અપાવ્યું છે.
વાગરા તાલુકાના અરગામાં ગામના માજી સરપંચનાં પૌત્રી હસીનાખાન અબ્દુલ ખાનસાબ જેઓ યુકેમાં ઈન્ડિયાનું ગૌરવ જાળવીને ચોથી વાર લેન્કેશાયર ચૌર્લી કાઉન્ટીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયાં છે. હાલમાં તેઓ લેબર પાર્ટીમાં સક્રિય છે અને ટૂંક સમયમાં મેયર પદ મેળવશે તેવા અહેવાલ છે.

