ગાંધીનગરઃ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS)નો હેતુ સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનો છે. ખાનગીકરણ અને વૈશ્વિકરણના યુગમાં સમાજના શિક્ષિત તથા દિક્ષિત યુવાનો સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે સમાજ દ્વારા આ પહેલ થયાનું જણાવતા સરદાર-ધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયાએ કહ્યું હતું કે દેશમાં કોઈ પણ સમાજ દ્વારા સમાજના પ્રથમ હરોળના ૧૦ હજાર ઉદ્યોગપતિઓનું સંગઠન રચવાનો આ નવો વિચાર છે.
મહાત્મા મંદિરમાં યોજાયેલી ત્રણ દિવસીય સમિટનું રવિવારે હજ્જારો પાટીદારોની હાજરીમાં ભવ્ય સમાપન થયું હતું. વર્ષ ૨૦૨૦માં આ વખત કરતા પણ વધુ મોટા પાયે સમિટ યોજવાની જાહેરાત કરાઇ હતી. સમસ્ત પાટીદારોની એકતાના પ્રતિક સમાન સરદારધામ દ્વારા યોજાયેલી સમિટના આયોજક ગગજીભાઇ સુતરિયા અને તેમની ટીમને સમાજે ‘જય સરદાર’ના નારા વચ્ચે ભવ્ય સફળતા બદલ સ્ટેન્ડિંગ ઓવેશન આપી બિરદાવી હતી.
આ સમિટ સાથે પાટીદાર સમાજના આર્થિક ઇતિહાસનો પ્રારંભ થયો છે. આમ કહીને ગગજીભાઇએ ઉમેર્યું હતું કે યુવા શક્તિના સ્વપ્ના સાકાર કરવા અને પાટીદાર યુવાનના ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજ દ્વારા સ્વયંભૂ અભિયાન હાથ ધરાયું છે. સરદારના વારસદારને હાથ લાંબો ના કરવો પડે, ન્યાય મળે અને પગભર થઇ શકે તે માટે આ સમિટ ઉપયોગી બનશે. પાટીદાર સમાજની તાસીર યહુદીઓને મળતી આવે છે અને એક દિવસ તેમની સમકક્ષ ઉભા રહીશું તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
૧૦ લાખ રોજગારીનો સંકલ્પ
ભવ્ય સમાપન સમારોહને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ ઐતિહાસિક અભિયાન દ્વારા સમાજના દરેક લોકોને સમાજની પ્રગતિ દ્વારા રાષ્ટ્રની પ્રગતિના કાર્ય સાથે સાંકળવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
પાટીદાર સમાજના યુવાનોને પૂરતા પ્રમાણમાં તક મળે તે માટે મિશન-૨૦૨૬ હેઠળ ૧૦ લાખથી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ બનાવવાનો સંકલ્પ કરાયો છે. તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઇને આઇએએસ અધિકારી સુધી ૧૦ હજાર પાટીદાર યુવાનોને વહીવટી તંત્રમાં મોકલવાના ઉદ્દેશ્યને સાકાર કરવા માટે દેશ-વિદેશના ૧૦ હજાર જેટલાં પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓને રોજગાર માટે દત્તક લેશે. અત્યાર સુધીમાં ૨૯ ઉદ્યોગપતિઓએ ૧૫૨૬ યુવાનોને દત્તક લઈ તેમને તાલીમ આપવાનું શરૂ કર્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ૧૦ લાખ યુવાનોને રોજગારી પૂરી પાડવાના સમાજના આ અભિયાનને પરિણામે રાજ્ય અને કેન્દ્ર સરકારની રોજગારી સર્જનની સમસ્યા પણ હળવી બનશે. દેશના કોઈ પણ સમાજ દ્વારા આ પ્રકારની આ પ્રથમ પહેલ હોવાનું જણાવતા સુતરીયાએ ઉમેર્યું હતું કે સરદારધામ એ કોઈ સંસ્થા નથી પરંતુ વિચારધારા છે.
સરકારનું કામ સરદારધામે કર્યું
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જે કામ સરકારે કરવાનું છે તે કામ સરદાર ધામે કર્યું છે. પાટીદાર યુવાનોને શિક્ષિત અને દીક્ષિત બનાવીને રોજગારી આપવા સાથે ધંધા-ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઇ જવાના સરદાર ધામના સંકલ્પથી અન્ય સમાજને પ્રેરણા મળશે. ગુજરાતના વિકાસના પાયામાં પાટીદાર સમાજ સમાયેલો હોવાનું કહેતા તેમણે કહ્યું કે, સરકારની આ કામમાં જે મદદની જરૂર હશે તે મળી રહેશે. મને વિશ્વાસ છે કે પાટીદાર સમિટનું સમાજ કલ્યાણ-ઉત્થાનનું વ્રત સો ટકા સફળ થશે,.
સમિટ એક, ઉદ્દેશ ત્રણ
સમસ્ત પાટીદાર સમાજની એકતાના પ્રતિક એવા સરદાર ધામ દ્વારા યોજાયેલી પ્રથમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૧૮નો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ૧૦ હજારથી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો હતો. મહાત્મા મંદિર ખાતે પાટીદાર સમાજની વિશિષ્ટ પ્રકારની સમિટ શરૂ થઈ છે. ૫૦૦થી વધુ સ્ટોલ સાથે પ્રદર્શન પણ યોજાયું હતું. ત્રણ મુખ્ય હેતુથી શરૂ થયેલી પાટીદાર સમિટમાં સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું, સમાજમાં નવા ઉદ્યોગપતિઓને પ્લેટફોર્મ પૂરું પાડવું તેમજ યુવાનોને શિક્ષિત કરી તાલીમ આપીને રોજગારી અપાવવાનો ઉદ્દેશ છે. દર બીજા વર્ષે યોજાનારી આ સમિટના મિશન ૨૦૨૬ અંતર્ગત કુલ ૧૦ લાખથી વધુ પાટીદાર યુવાનો માટે ઉદ્યોગ અને રોજગારીની તકોનું સર્જન કરાશે. ભવિષ્યમાં અન્ય સમાજને પણ સમિટમાં સ્થાન અપાશે. સમિટ દરમિયાન બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ, બ્રાન્ડ બિલ્ડીંગ, કેવી રીતે વ્યવસાય કરવો તેનું ઉદ્યોગપતિઓ દ્વારા માર્ગદર્શન, મહિલાઓ માટેના ખાસ સેમિનાર સહિત અનેક બાબતો સમાવાઇ છે. પંચામૃત શક્તિ અન્વયે ૧૦ જેટલા એમઓયુ પણ કરાયા હતા અને પાટીદાર સમાજના મોભીઓ દ્વારા કરોડો રૂપિયાના દાનની સરવાણી સમાજના વિવિધ કામ માટે વહેતી કરાઈ હતી.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટઃ ઉડતી નજરે...
• વિશ્વના ૩૨થી વધુ દેશમાંથી પાટીદાર ડેલિગેટ્સ આવ્યા. ગાંધીનગર અને નજીકના યુવાઓએ ટ્રાફિક મેનેજમેન્ટ-પાર્કિંગની વ્યવસ્થા સંભાળી.
• ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૦માં ડાયમંડ, રિઅલ એસ્ટેટ, ઇજનેરી, કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રીકલ્ચર સેકટર કેન્દ્રસ્થાને.
• ત્રણ દિવસની સમિટમાં ૩ લાખથી વધુ લોકોએ મુલાકાત લઇને સમિટને પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.
• સમિટ દરમિયાન આયોજિત જોબફેરમાં ૧૦૦ કંપનીઓએ ભાગ લીધો, ૨૫૦૦ જગ્યાઓ માટે ૧૦ હજાર અરજીઓ મળી.
• પાટીદાર સમાજને યહુદી જેવી અવ્વલ જાતિ સમકક્ષ બનાવવાની આયોજકોની નેમ. સુરતના ૫૦૦ ઉદ્યોગપતિઓ મિશન-૨૦૨૬માં જોડાયા.
• ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે સીંગલ વિન્ડો સિસ્ટમ, ઇ પેમેન્ટ, એસએમઇ માટેની યોજનાઓ વિગેરે વિશે માર્ગદર્શન અપાયું.
• વિખ્યાત લેખક ચેતન ભગતે સમાપન સમારોહને સંબોધતા કહ્યું હતું કે, મહાત્મા મંદિરમાં સમાજ એક થઇને છલકાયો છે તે સાચું, પરંતુ તે બે ભાગમાં વહેંચાઇ ના જાય તેનું ધ્યાન રાખજો. બધા એક રહેજો નહીં તો એક ભાગ કોંગ્રેસ ખેંચશે અને બીજો ભાજપ ખેંચશે. સમાજમાં રાજકારણ ન હોવું જોઇએ તે વિશે પણ તાકીદ કરી હતી.

