ટીનેજર્સને સિગારેટ પેપર્સ આપવાનો ઇન્કાર કરતા વિજય પટેલની હત્યા

Wednesday 10th January 2018 05:09 EST
 
 

લંડનઃ તરુણ વયના ત્રણ કિશોરોએ સિગારેટ પેપર્સ આપવાના ઈનકાર કરનાર મિલ હિલ વિસ્તારની કન્વીનીયન્સ શોપમાં કામ કરતા ૪૯ વર્ષના વિજય પટેલ પર ગંભીર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા વિજય પટેલનું હોસ્પિટલમાં મૃત્યુ થયુ હતું. પોલીસે તપાસ અને શંકાના આધારે સોમવાર આઠ જાન્યુઆરીએ ૧૬ વર્ષના તરુણની ધરપકડ કરી છે. તેને નોર્થ લંડન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રખાયો હતો. નોર્થ વેસ્ટ લંડનના કિંગ્સબરીમાં રહેતા વિજય પટેલના પરિવારે અન્ય લોકોનું જીવન બચાવી શકાય તે માટે તેમના અંગોના દાનની જાહેરાત કરી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર શનિવાર, ૬ જાન્યુઆરીએ કન્વીનીયન્સ શોપના કર્મચારી વિજય પટેલ શોપના અન્ય કર્મચારી સાથે કામ કરી રહ્યા હતા ત્યારે ત્રણ તરુણોએ શોપમાં આવી સિગારેટ પેપર્સ સહિત કેટલીક વસ્તુઓ ખરીદવા માગણી કરી હતી. તરુણોની ઉંમર વિશે શંકા જતા તેમની પાસે આઇડી માંગવામાં આવ્યું હતું. એક તરુણે પોતાનું બેન્ક કાર્ડ બતાવ્યું હતું. પરંતુ તે આઇડી ન હોવાથી તેમને સિગારેટ પેપર્સ આપવાનો ઇન્કાર કરાયો હતો. ગુસ્સામાં આવી આ તરુણોએ દુકાનને નુકસાન કરવાની ધમકી પણ આપી હતી. ૧૮ વર્ષથી ઓછી વયના લોકોને રિઝાલા પેપર્સ વેચવાનું ગેરકાયદે છે.
તરુણો દુકાન બહાર ગયા પછી કોઈ નુકસાન કરાયું છે કે કેમ તેની તપાસ કરવા વિજય પટેલ અને સાથી બહાર ગયા ત્યારે એક ટીનેજરે વિજય પટેલને છાતીમાં મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં જીવલેણ ઈજા થઈ હતી. વિજયભાઇ ઢળી પડતા રાહદારીઅોએ તેમને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. લંડન એમ્બ્યુલન્સ સર્વિસ દ્વારા વિજય પટેલને પ્રાથમિક સારવાર આપી સેન્ટ્રલ લંડન હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મરણ થયું હતું.
તોફાની કિશોરોએ દુકાનના સાથી કર્મચારીને પણ મુક્કો મારી સાધારણ ઇજા પહોંચાડી હતી અને મિલ હિલ બ્રોડવે સ્ટેશન તરફ નાસી છૂટ્યા હતા.
આ ઘટના સમયે તેમના પત્ની વિભા પટેલ ગુજરાતના વડોદરા નજીક ગામે સગાંસંબંધીને મળવાં ગયાં હતાં. તેમનો ૧૭ વર્ષનો પુત્ર ધ્રુવ ભારતમાં છે અને મોટો પુત્ર નીલ ઓસ્ટ્રેલિયામાં કોમ્પ્યુટર એન્જિનીઅરીંગમાં માસ્ટર્સ ડીગ્રીનો અભ્યાસ કરે છે. વિજય પટેલ આણંદના વતની હોવાની માહિતી મળી છે.
વિજય પટેલના પરિવારે જણાવ્યું હતું કે પત્ની વિભા અને બે સંતાનોના સારા જીવન માટે તેઓ ૨૦૦૬માં ભારતથી યુકે આવ્યા હતા. તેમના ભાઈ પ્રકાશે જણાવ્યું હતું કે, ‘આ શું થઈ ગયું તે માની શકાય તેવું નથી. તેઓ હંમેશા મદદ કરવા તત્પર રહેતા હતા.તેઓ વિશ્વમાં મહાન માનવી હતા. તેઓ દુકાનનું રક્ષણ કરવા જતા મોતને ભેટ્યા હતા. પોતાના સંતાનોના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા તેઓ સખત મહેનત કરતા હતા. તેઓ નાણા બચાવી બાળકોના શિક્ષણ અને અમારા પેરન્ટ્સ માટે ભારત મોકલી આપતા હતા.’
રોહેમ્પ્ટન યુનિવસસિટી માં બયોમેડિકલ સાયન્સનો અભ્યાસ કરતી તેમની ૧૯ વર્ષીય ભત્રીજી શ્રુતિબહેન પટેલે જણાવ્યું હતું કે, ‘દરેક સાથે કેવો વ્યવહાર કરવો તે બાબતે તેઓ અમારા માટે પ્રેરણારુપ હતા.’
વિજયભાઈ શનિવારે રાત્રે ૧૧.૪૫ની આસપાસ કામ કરતા હતા તે ગ્રોસર્સ અને મોબાઈલ ફોન સ્ટોરની બહાર પટકાયા હતા. હુમલા પછી રાહદારીઓ તેમની મદદે આવ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવાય તે અગાઉ રીકવરી પોઝિશનમાં રાખ્યા હતા. તેઓ બે વર્ષથી રોટા એક્સપ્રેસ સ્ટોરમાં કામ કરતા હતા પરંતુ, અગાઉ ઘણી દુકાનોમાં કામ કર્યું હતું.
મેટ્રોપોલીટન પોલીસના હોમિસાઈડ વિભાગના ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર ઈઆન લોટ્ટે જણાવ્યું હતું કે, ‘આ તબક્કે અમે શકમંદો જે ખરીદવા ઈચ્છતા હતા તેના ઈનકારથી ઉશ્કેરણી વિનાની ઘટના હોવાનું માનીએ છીએ. એક વ્યક્તિએ કાયદાનું રક્ષણ કરવા જતા પોતાની જિંદગી ગુમાવી છે.’ શકમંદોની ઓળખ ત્રણ અશ્વેત પુરુષ તરીકે અપાઈ છે. એક વ્યક્તિએ લાલ સ્વેટશર્ટ, બ્લેક જીન્સ અને વ્હાઈટ ટ્રેઇનર્સ, જ્યારે બીજાએ ઘેરા ભૂખરા કે બ્લેક ટ્રેકસ્યૂટ અને બ્લેક ટ્રેઇનર્સ અને ત્રીજા તરુણે ઘેરા રંગનું હૂડી સ્વેટશર્ટ અને બ્લેક જીન્સનો પોશાક પહેર્યો હતો. આ લોકોની ભાળ કે માહિતી મળે તો સંપર્ક સાધવા પોલીસે જણાવ્યું છે.


comments powered by Disqus