સમિટમાં સન્માનિત પાટીદાર રત્નો

Wednesday 10th January 2018 05:33 EST
 
 

ગ્લોબલ પાટીદાર સમિટમાં ૧૫ પાટીદારોનું સન્માન કરાયું હતું.
• ચિંતન જે. પટેલ: ચિંતન પટેલ અજંતા-ઓરેવા ગ્રુપના ડિરેકટર છે. ગ્રુપમાં વૈવિધ્યકરણ ૧૯૯૦ના વર્ષથી સતત ચાલુ છે. વ્યાપારને સર્વોચ્ચ ઉંચાઈએ પહોંચાડવાના સ્વપ્ન સાથે આધુનિક શિક્ષણને ઉદ્યોગના નવીનીકરણ સાથે જોડીને તેમણે વ્યાપારની નવી પરિભાષા કેળવી છે.
• દિનેશભાઈ પટેલ: દિનેશભાઈ પટેલ સમર્થ ડાયમંડમાં ડિરેકટર તરીકે કાર્યરત છે. દિનેશભાઇએ ૧૯૮૭માં હીરાના ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. એક નાનકડા કારખાના અને દસેક જેટલા કર્મચારીને કામે રાખીને સમર્થ ડાયમંડનો પાયો નાખ્યો જે આજે ૩૩૦૦ કરતા પણ વધુ કર્મચારીઓનું એક વિરાટ વટવૃક્ષ છે. દિનેશભાઇ પટેલની કામ કરવાની શૈલીથી સમર્થ ડાયમંડ સતત સફળતાના નવા પડાવો પાર કરી રહ્યું છે.
• ગણપતભાઈ પટેલ: યુએસમાં સ્થાયી થયેલ ગણપતભાઈ પટેલ સફળ ઉદ્યોગપતિ છે. યુએસથી ઈલેકટ્રોનિક્સ એન્જીનિયરીંગ ડિગ્રી ધરાવતા ગણપતભાઈએ આત્મવિશ્વાસ, લગન અને પરિશ્રમ થકી પોતાના ધંધાનું સામ્રાજ્ય વિશ્વભરમાં ફેલાવ્યું છે. ગુજરાતમાં હાઈટેક શિક્ષણને પ્રોત્સાહન આપવા વૈશ્વિક સ્તરની ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરી છે.
• ગોવિંદભાઈ ધોળકિયા: ગોવિંદભાઈ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક અને દેશના ટોચના ઉદ્યોગકારોમાંના એક છે. અથાક પરિશ્રમ અને અદમ્ય સાહસ થકી ગોવિંદભાઇએ રામકૃષ્ણ એક્સપોર્ટને હીરા ઉદ્યોગમાં ટોચનું સ્થાન અપાવ્યું છે. ગોવિંદભાઇને વિશ્વ વિખ્યાત આઇઆઇએમ-અમદાવાદ દ્વારા સતત બે વર્ષથી ગેસ્ટ લેકચર આપવા આમંત્રિત કરાય છે. તેમની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટને આઇઆઇએમમાં કેસ સ્ટડી તરીકે વિદ્યાર્થીઓને ભણાવાય છે.
• જયંતિભાઈ પટેલ: મેઘમણી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર જયંતિભાઈ એગ્રોકેમિકલ્સ, ડાયઝ, પીગમેન્ટસ અને સ્પેશ્યાલ્ટી કેમિકલ્સ ક્ષેત્રે ૩૯ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવે છે. જયંતિભાઈ એમ.એસ. યુનિવર્સિટીના કેમિકલ એન્જીનીયરીંગના સ્નાતક છે. કંપનીના તમામ નીતિ વિષયક અને વ્યાવસાયિક વ્યૂહરચના અંગેના નિર્ણયોની જવાબદારી તેમના શિરે છે.
• કાન્તિલાલ આઈ. પટેલ: એરિસ ગ્રુપના સ્થાપક કાન્તિલાલ પટેલે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ ૧૯૮૦માં એરિસ ડાઈકેમ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. તેઓની દીર્ઘ દૃષ્ટિ અને ક્રાંતિકારી નિર્ણયો થકી આજે એરિસ ડાઈકેમ રંગોની દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓની મહેનત અને આગવી સૂઝના કારણે એરિસ ડાઈડેમ ઈન્ડસ્ટ્રીઝ સફળતાની ટોચે છે. કાંતિલાલ પટેલ સફળ ઉદ્યોગકાર હોવાની સાથે સમાજસેવામાં પણ એટલા જ આગળ છે.
• કનુભાઈ પટેલ: ભારતની મોખરાની એન્જિનિયરીંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાંની એક મોન્ટેકાર્લો લિમિટેડના સ્થાપક કનુભાઈ પટેલના એન્જિનિયરીંગ કૌશલ્ય અને નવીન પ્રોજેક્ટ મેનેજમેન્ટ અભિગમથી કંપનીએ નોંધપાત્ર વિકાસ કર્યો છે. તેમની કંપનીએ વિશ્વસ્તરની અત્યાધુનિક કન્સ્ટ્રકશન ટેકનોલોજી દ્વારા મોટા પાયે સિવિલ કન્સ્ટ્રકશન અને એનર્જી નેટવર્કનું નિર્માણ કરવામાં નિપૂણતા મેળવી છે. આ ઉપરાંત તે પાણી અને સિંચાઇ, પરિવહન, માઇનીંગ તેમજ પાવર ક્ષેત્રે પણ સેવાઓ આપે છે.
• ડો. કિરણભાઈ પટેલ: ડો. કિરણભાઈ પટેલ નામાંકિત કાર્ડીયોલોજીસ્ટ હોવા ઉપરાંત એક સફળ વ્યાવસાયિક છે. હાલમાં તેઓ પરિવાર સાથે અમેરિકાના દક્ષિણી રાજ્ય ફ્લોરિડા-ટેમ્પામાં સ્થાયી થયેલા છે. આજે ડો. કિરણભાઈ પોતાના વ્યવસાયના કારણે જ નહીં બલ્કે પોતાની અનેક સામાજિક પ્રવૃતિઓને કારણે બહુ નામના ધરાવે છે. કિરણભાઇ અને તેમના પત્ની પલ્લવીબેન પટેલે હાલમાં નોવા-સાઉથ-ઈસ્ટર્ન યુનિવર્સિટીને ૨૦૦ મિલયન ડોલરનું માતબર દાન કર્યું છે. તદઉપરાંત તેઓ ભારતમાં અને યુએસએમાં ઘણા સામાજિક કાર્યોમાં આવારનવાર તન, મન, ધનથી સેવા આપતા રહ્યા છે.
• કિશોરભાઈ વિરમગામા: કિશોરભાઈએ સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ પોતાના જ્ઞાનને પડકારોની એરણે ચકાસવા કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. ૧૯૯૧માં મિત્રો સાથે મળીને આયર્ન ટ્રાઈએંગલ લિમિટેડ (આઇટીએલ)ની સ્થાપના કરી. કન્સ્ટ્રકશન વ્યવસાયમાં બહોળા અનુભવને કારણે આજે આયર્ન ટ્રાઈએંગલ લિમિટેડ ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમની કંપની મુખ્યત્વે રસ્તાઓના નિર્માણ, વિવિધ ઈમારતોના નિર્માણ, રેલ્વે, સોલર વગેરે જેવા ક્ષેત્રોમાં વિશિષ્ટ ધ્યાન કેન્દ્રિત કરે છે.
• લાલજીભાઈ પટેલ: ધર્મનંદન ડાયમંડ્સ પ્રા. લિમિટેડના સ્થાપક લાલજીભાઈએ ઘણા વર્ષો પહેલાં તેમના મિત્ર તેમજ તેમના જેવા જ સ્વપ્નો સેવતાં તુલસીભાઈ પટેલની સાથે મળીને હીરા ઉદ્યોગમાં ઝંપલાવ્યું. આજે તેમણે સ્થાપેલી ધર્મનંદન ડાયંડ્સમાં ૭૦૦૦થી વધારે કર્મચારીઓ કામ કરે છે. તેમની કંપનીએ હીરાના વૈશ્વિક માર્કેટ જેવા કે મુંબઈ, હોંગકોંગ, બેલ્જીયમ, ચાઈના, યુએઈ અને યુએસએમાં મજબૂત માર્કેટીંગ નેટવર્ક સ્થાપેલું છે અને ફેશન ઈન્ડસ્ટ્રીની નવીન જરૂરતોને ધ્યાનમાં રાખી વિવિધ ડિઝાઈનના હીરા પ્રોસેસ કરી રહી છે. તેઓ અનેક સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત છે.
• લવજીભાઈ ડી. ડાલીયા (બાદશાહ): બાદશાહના હુલામણા નામે જાણીતા લવજીભાઈ વ્યાવસાયિક જીવનમાં નીતિમત્તા અને પારદર્શકતાના પર્યાય છે. હીરા ઉદ્યોગથી તેમની કારકીર્દી ચાલુ કરી અને સાથે ઝડપથી વિકસી રહેલા કન્સ્ટ્રકશન ક્ષેત્રે પણ શરૂઆત કરી. શ્રી ઈન્ફ્રા, અંજની ઈન્ફ્રા અને અવધ ગ્રુપના લવજીભાઈની સુઝના કારણે તેમની કંપની નવીન અને પ્રસિદ્ધ ઈમારતોના નિર્માણમાં મોખરે છે. લવજીભાઈ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, બેટી બચાવો, જળસંચય, જનજાગૃતિ જેવી અનેક પ્રવૃત્તિ સાથે જાડાયેલા છે.
• પરિન્દાબેન ડી. પટેલ: પરિન્દાબેન પટેલ ઓટો પાવર કંપનીના સીઈઓ તરીકે કાર્યરત છે. ડીસી ડ્રાઈવનું ઉત્પાદન એ એમની કંપનીનો મુખ્ય વ્યવસાય છે. તેઓ એક કુશળ ટેક્નોક્રેટ્‌સની ટીમના સહયોગથી નવીનીકરણ સાથે આધુનિક ટેકનોલોજીને એકીકૃત કરીને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્‌સનું ઉત્પાદન કરે છે. આત્મશક્તિ, હિંમત અને જુસ્સા દ્વારા પરિન્દાબેને ઓટો પાવર કંપનીને સફળતાપૂર્વક એક નવા મુકામ પર પહોંચાડી છે.
• પ્રતાપભાઈ બી. પટેલ: પ્રતાપભાઈ પટેલે મુંબઈની પ્રખ્યાત વીજેટીઆઇ કોલેજમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો છે. પ્રતાપભાઈએ ૭૦ના દાયકાના અંતમાં હરસિદ્ધ ગ્રુપની સ્થાપના કરી. એક સિવિલ એન્જિનિયર તરીકેની તેમની કુશળતા, રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને બાંધકામ ઉદ્યોગમાં તેઓનો ૫૦થી વધુ વર્ષોનો અનુભવ તેમજ કોર્પોરેટ ક્ષેત્રમાં તેમના લાંબા સમયથી વિકસીત સંબંધો થકી હરસિદ્ધ ગ્રુપના વિકાસને સતત વેગ મળતો રહ્યો છે.
• વલ્લભભાઈ પટેલ: હીરા ઉદ્યોગમાં વિશ્વ કક્ષાએ ટોચની હરોળમાં સ્થાન ધરાવતી કિરણ જેમ્સના સ્થાપક વલ્લભભાઇ પટેલ ૪ દસકાનો અનુભવ ધરાવે છે. રફ ડાયમંડનું સોર્સિંગ, હીરા ઉત્પાદનની વિશેષ ટેકનિક તેમજ લેટેસ્ટ ડેવલપમેન્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વલ્લભભાઇનું વિશેષ જ્ઞાન તેઓને હીરા ઉદ્યોગમાં વ્યકિતવિશેષ બનાવી દે છે. તેઓના અવિરત પ્રયાસો અને પુરુષાર્થ થકી આજે કિરણ જેમ્સ હીરાના સૌથી મોટા નિકાસકાર છે.
• વિઠ્ઠલભાઈ ધડુક: વિઠ્ઠલભાઈ પેનસિલવેનિયા સ્થિત કમ્યુનિટી મેડિકલ સેન્ટરમાં ન્યુરોલોજી વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. તેઓ અમેરિકા સ્થિત અનેક મેડીકલ સંસ્થામાં સેવાઓ આપે છે. મેડિકલ ક્ષેત્રે અસાધારણ સેવાઓ માટે ઘણી સંસ્થાઓ દ્વારા સન્માન મેળવી ચૂક્યા છે. વિઠ્ઠલભાઈએ તેમનું ગ્રેજ્યુએશન જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજમાંથી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં લીધી છે. આજે ડો. ધડુક એક સફળ તબીબ હોવાની સાથે એક ટોચના ઉદ્યોગકાર પણ છે અને અનેક કંપનીઓમાં ચેરમેન અને પ્રેસિડન્ટ તરીકે સેવા આપે છે.


comments powered by Disqus