લંડનઃ ઓક્સફર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં ૧૪૦૦ નવા શબ્દો ઉમેરાયા હતા જેમાં ઈડિયોક્રસી (Idiocracy) નથિંગબર્ગર (Nothingburger) અને ફેમ (Fame) શબ્દો નોંધપાત્ર બન્યા છે. ડિક્શનરીમાં અમેરિકી ગ્લોસરી પ્રેસિડેન્ટ કેથરિન માર્ટિને જણાવ્યું હતું કે ડેમોક્રસી અને એરિસ્ટોક્રસી જેવા શબ્દો પ્રાચીન ગ્રીસમાં શરૂ થયા હતા. પરંતુ ૧૯મી સદીમાં પણ શબ્દો પાછળ ocracy લગાડીને નવા શબ્દો બન્યા હતા. જેમાંના કેટલાક વિચિત્ર પણ છે.
નવા શબ્દો પૈકી ઈડિયોક્રેસીનો અર્થ થાય છે મૂર્ખ લોકોની બનેલી સરકાર. તેમાં હાલના રાજકારણની ઝલક જોવા મળે છે. નકામા માણસો માટે નથિંગબર્ગર શબ્દ ઉમેરાયો છે. નથિંગબર્ગર શબ્દ ઉપયોગિતા વિનાના લોકો અને ચીજો માટે વપરાય છે. બ્રિટનના લોકો ફેમિલી શબ્દ માટે ટૂંકું રૂપ ફેમ બોલે છે. સોશિયલ મીડિયામાં પણ ફેમિલી કે મિત્ર-માટે ફેમ વ્યાપક બન્યો છે.

