મધ્યમ વર્ગના ૧૦૦,૦૦૦ પરિવારોને ચાઈલ્ડ બેનિફિટ્સ મુદ્દે ટેક્સની નોટિસ

Monday 22nd October 2018 08:07 EDT
 
 

લંડનઃ નવા ચાઈલ્ડ બેનિફિટ્સ નિયમો બાબતે વહીવટી ભૂલોનું પરિણામ ૧૦૦,૦૦૦ મધ્યમવર્ગીય પરિવારોને સહન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિવારોને રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ તરફથી અનપેક્ષિત નોટિસો મોકલાઈ રહી છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૫૦,૦૦૦ પાઉન્ડથી વધુ કમાણી સાથે ચાઈલ્ડ બેનિફિટ્સ ક્લેઈમ કરનારા ૬૦,૦૦૦ લોકોને ટેક્સ ડિમાન્ડ મોકલી હોવાનું કરવિભાગે જણાવ્યું છે.
નવાં જટિલ ચાઈલ્ડ બેનિફિટ્સ નિયમોનો ભોગ બનેલા મધ્યમવર્ગીય પરિવારોને ટેક્સ વિભાગ ધમકી અને દબાણ કરી રહ્યો હોવાના આક્ષેપો થયા છે. હાઈ ઈન્કમ ચાઈલ્ડ બેનિફિટ ચાર્જ (HICBC) અંગે ૬૦,૦૦૦ લોકોનો સંપર્ક કરાયાં ઉપરાંત, વધુ ૪૧,૦૦૦ લોકોને અગાઉના વર્ષોમાં મેળવેલા ચાઈલ્ડ બેનિફિટ પરત કરવા અંગે પણ પત્રો લખવામાં આવ્યાં છે. આ બાબત ગયા વર્ષનો ચાઈલ્ડ બેનિફિટ ચાર્જ ચુકવ્યો નથી તેના કરતાં અલગ જ છે અને તેની વ્યક્તિગત ચર્ચા HMRC સાથે કરવાની રહે છે.
કેટલાક પરિવારોને વર્ષો સુધી ખોટી રીતે ચાઈલ્ડ બેનિફિટ ક્લેઈમ કરવા દેવાયો હતો અને હવે તેઓ હજારો પાઉન્ડના દેવાંદાર બની ગયા છે.
અસરગ્રસ્તોએ ટેક્સ રિટર્ન ફાઈલ કરી આગામી વર્ષના જાન્યુઆરીના અંત સુધીમાં દેવું ચુકવી દેવાનું થશે. આ મુદ્દો ૨૦૧૩માં ચાઈલ્ડ બેનિફિટ પર લાગેલાં નિયંત્રણોથી ઉભો થયો છે. નવા નિયમો હેઠળ, જે પરિવારમાં એક પેરન્ટ ૬૦,૦૦૦ પાઉન્ડથી વધુ કમાણી કરતા હોય તેઓ બાળઉછેરનો ખર્ચ આવરી લેવા સાપ્તાહિક પેમેન્ટ મેળવવાને પાત્ર નથી. ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ પાઉન્ડની વચ્ચે કમાતા પેરન્ટને આંશિક બેનિફિટ મળવાને પાત્ર છે. હવે પરિવારોએ તેઓ કેટલા બેનિફિટ મેળવી શકે તેની ગણતરી કરવી પડશે અને જો તેઓ બેનિફિટ મેળવવાને લાયક નહિ હોય તો તો તેમણે મેળવેલી રકમ પરત કરવાની થશે.
નિયમો એટલા ગૂંચવાડા ભરેલા છે કે લોકો તે સમજી શકતા નથી અને લોકોને બરાબર માહિતગાર કરાયાં નથી તે HMRC પણ સ્વીકારે છે. નવી પોલિસીથી બરાબર માહિતગાર ન હોય તેવા પરિવારો પાસેથી લેટ પેમેન્ટ ચાર્જ જતો કરવામાં આવશે પરંતુ, તેમણે ચાઈલ્ડ બેનિફિટ રકમ પરત કરવી જ પડશે.


comments powered by Disqus