નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતાં જ રાજકીય સર્વેક્ષણો કરવાનું પણ ચાલુ થઈ ગયું છે. એબીપી-સી વોટરે કરેલા સર્વેક્ષણના તારણ પ્રમાણે, રાજસ્થાનમાં સત્તાધારી પક્ષ પાસેથી સત્તાનું સુકાન છીનવાઇ જવાની પરંપરા આ વખતે પણ ચાલુ રહેશે. રાજસ્થાનમાં હવે કોંગ્રેસની સરકાર બની શકે છે. આ સર્વેક્ષણના તારણ પ્રમાણે કોંગ્રેસને રાજસ્થાનમાં ૨૦૦માંથી ૧૪૨ બેઠક મળી શકે છે. આ જ રીતે, સી ફોરેના સર્વેક્ષણમાં પણ રાજસ્થાનમાં કોંગ્રેસને ૧૨૪થી ૧૩૮ બેઠક મળશે એવી ધારણા રજૂ થઇ છે.
એબીપી-સી વોટરે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ સર્વેક્ષણ કર્યું હતું, જ્યારે સી ફોરેનું સર્વેક્ષણ રાજસ્થાન પૂરતું મર્યાદિત હતું. આ બંને સર્વે પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેસનો વિજય થશે તો સચિન પાયલોટની મુખ્ય પ્રધાન બનવાની પૂરેપૂરી શક્યતા હોવાનું જણાવાયું છે.
એબીપી-સી વોટરના સર્વેક્ષણ પ્રમાણે, કોંગ્રેસ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ સત્તાધારી પક્ષ ભાજપ સાથે ગળાકાપ હરીફાઈ કરશે. આ બંને રાજ્યમાં ભાજપ છેલ્લી ત્રણ ટર્મથી રાજ કરી રહ્યું છે. જોકે, ચૂંટણી પૂર્વે નાનકડી હલચલ પણ મતદારોને કોઈ એક પક્ષની તરફેણમાં કરી શકે છે. આ જ રીતે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ - ભાજપને અનુક્રમે ૪૨.૨ અને ૪૧.૫ ટકા મત મળશે, જ્યારે છત્તીસગઢમાં આ પ્રમાણ ૩૮.૯ અને ૩૮.૨ ટકા રહેશે.
એબીપી-સી વોટરના સર્વેક્ષણ પ્રમાણે, મધ્ય પ્રદેશની ૨૩૦ બેઠકમાંથી કોંગ્રેસને ૧૨૨ અને છત્તીસગઢની ૯૦ બેઠકની વિધાનસભામાં કોંગ્રેસને ૪૭ બેઠક મળશે. આ બંને રાજ્યમાં ભાજપને અનુક્રમે ૧૦૮ અને ૪૦ બેઠક મળશે. જોકે, ભાજપે દાવો કર્યો હતો કે, વિકાસ કાર્યોના આધારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓમાં અમે ‘રેકોર્ડબ્રેક વિક્ટરી’ હાંસલ કરીશું.
પાંચેય રાજ્યોમાં પહેલું મતદાન ૧૨ અને ૨૦ નવેમ્બરે છત્તીગઢમાં યોજાવાનું છે, જેની અસર મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણ જેવા રાજ્યોમાં પણ વર્તાશે. નિષ્ણાતોના મતે, રાજસ્થાનમાં ૩૬ ટકા મતદારે સચિન પાયલોટ જ્યારે ૨૭ ટકા મતદારે વસુંધરા રાજેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ, રાજસ્થાનમાં કરાયેલા બંને સર્વેક્ષણ પ્રમાણે કોંગ્રેસને ૫૦ ટકા અને ભાજપને ૪૩ ટકા મત મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

