લોકસભા જંગનો સેમિ-ફાઇનલઃ પાંચ રાજ્યોમાં ચૂંટણી જાહેર

Wednesday 10th October 2018 08:36 EDT
 
 

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે પાંચ રાજ્યો - મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં જ દેશનો રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે. આ રાજ્યોમાં ૧૨ નવેમ્બરથી ૭ ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં જ પાંચેય રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતા અમલી બની છે. પાંચેય રાજ્યોમાં ૧૧ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) ઓ. પી. રાવતે શનિવારે પાટનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સૌથી પહેલાં છત્તીસગઢમાં ૧૨ અને ૨૦ નવેમ્બરના રોજ બે ચરણમાં ૯૦ બેઠકો માટે મતદાન યોજાશે. પહેલા ચરણમાં ૧૨ નવેમ્બરે ૧૮ બેઠક પર અને બીજા ચરણમાં ૨૦ નવેમ્બરના રોજ ૭૨ બેઠક પર મતદાન યોજાશે. ત્યાર બાદ ૨૮ નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશની ૨૩૦ અને મિઝોરમની ૪૦ બેઠકો માટે મતદાન હાથ ધરાશે. છેલ્લે ૭ ડિસેમ્બરે રાજસ્થાનની ૨૦૦ અને તેલંગણની ૧૧૯ બેઠકો માટે મતદાન થશે. આમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગણમાં એક જ્યારે છત્તીસગઢમાં બે ચરણમાં મતદાન થશે.
મિઝોરમમાં વિધાનસભાની મુદત ૧૫ ડિસેમ્બરના રોજ, છત્તીસગઢમાં પાંચ જાન્યુઆરી ૨૦૧૯, મધ્ય પ્રદેશમાં ૭ જાન્યુઆરી ૨૦૧૯, અને રાજસ્થાનમાં ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પૂરી થઈ રહી છે. આમ આ સમય પહેલાં વિધાનસભાની રચના જરૂરી છે. તેલંગણમાં તાજેતરમાં જ મુખ્ય પ્રધાન કે. સી. રાવે વિધાનસભાનાં વિસર્જનની જાહેરાત કરી હતી. અત્યારે રાજ્યમાં કેરટેકર સરકાર શાસન ચલાવી રહી છે.
આ ઉપરાંત ચૂંટણી પંચે શનિવારે કર્ણાટકની બેલ્લારી, શિવમોગા અને માન્ડયા એમ ત્રણ લોકસભાની બેઠકો અને બે વિધાનસભા બેઠકો પર ૩ નવેમ્બરે પેટા-ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
મોદી માટે સમય બદલ્યોઃ કોંગ્રેસ
ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત માટે યોજાનારી પત્રકાર પરિષદનો સમય છેલ્લી ઘડીએ બદલતાં કોંગ્રેસે ગંભીર આરોપ મૂક્યો છે. પક્ષ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદનો સમય બદલવાનો સીધો સંબંધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અજમેર ખાતે બપોરે એક વાગે યોજાનારી સભા સાથે છે. મોદીની રેલીને ન્યૂઝ ચેનલોમાં પૂરતું કવરેજ મળે અને ચૂંટણીલક્ષી જાહેરાત કરી શકે, તે માટે પંચે તારીખોનું એલાન મોડું કર્યું હતું. આ સમયમાં રાજસ્થાનમાં ખેડૂતોને મફત વીજળીની જાહેરાત થઇ ગઇ હતી. નોંધનીય છે કે પંચે પહેલાં ૧૨.૩૦ કલાકે પત્રકારોને બોલાવ્યા હતા, પણ પછી સમય બદલીને બપોરના ત્રણ વાગ્યાનો કર્યો હતો.
તેમને રાજકારણ જ દેખાય છે: પંચ
ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે કોંગ્રેસના આરોપ અંગે જણાવ્યું હતું કે રાજકારણીઓને દરેક વાતમાં રાજકારણ દેખાય છે. તેલંગણમાં મતદાર યાદીઓ પ્રસિદ્ધ કરવાની ટાઇમલાઇન અને હાઇ કોર્ટમાં પડતર અરજીના કારણે આ જાહેરાતમાં વિલંબ થયો હતો.


comments powered by Disqus