ગુવાહાટી (આસામ)ઃ જાણીતા ગાંધીવાદી સમાજસેવક અને ‘નાગાલેન્ડના ગાંધી’ તરીકે પ્રખ્યાત થયેલા નટવર ઠક્કરનું ટૂંકી માંદગી બાદ સાતમી ઓક્ટોબરના રોજ શહેરની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૮૬ વર્ષના હતા. પદ્મશ્રી ખિતાબથી સન્માનિત અને નટવરભાઈ તરીકે જાણીતા નટવર ઠક્કરના પરિવારમાં એમના પત્ની લેન્ટીના આઓ-ઠક્કર, એક પુત્ર અને બે પુત્રી છે. લેન્ટીના આઓ-ઠક્કર પોતે પણ સમાજસેવિકા તરીકે જાણીતાં છે અને પદ્મશ્રીથી સન્માનિત છે.
ઠક્કરની તબિયત લથડતાં એમને ૧૯ સપ્ટેંબરે ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નટવરભાઈએ દેહત્યાગ કર્યો ત્યારે તમામ પરિવારજનો હાજર હતાં. પ્રારંભે એમની તબિયત સુધરી હતી, પણ અચાનક એમનું બ્લડપ્રેશર ડ્રોપ થવા લાગ્યું હતું અને પછી એમની કિડનીઓ પણ બગડી ગઈ હતી, એમ એમના પુત્ર ડો. આતોશીએ જણાવ્યું છે. નટવર ઠક્કરના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે નાગાલેન્ડના ચુચીમલાંગ શહેરમાં એમના કાર્યાલયે રાખવામાં આવ્યો હતો.
ઠક્કરનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો, પણ ૧૯૫૫માં ૨૩ વર્ષની વયે તેઓ નાગાલેન્ડમાં આવ્યા ત્યારથી એમણે આ રાજ્યને એમનું વતન બનાવ્યું હતું. એમણે નાગાલેન્ડના મોકોચુંગ જિલ્લાના ચુચીમલાંગ ગામમાં નાગાલેન્ડ ગાંધી આશ્રમની સ્થાપના કરી હતી. ૬૨ વર્ષ જૂના આ આશ્રમની મુલાકાતે દેશવિદેશથી અનેક પર્યટકો આવે છે. નટવરભાઈને કાકાસાહેબ કાલેલકર, જયપ્રકાશ નારાયણ, જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, મોરરાજી દેસાઈ, મનમોહન સિંહ જેવા મહાનુભાવો સાથે ગાઢ પરિચય હતો. નટવરભાઈના નિધન અંગે નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેઈફુ રીઓએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

