શિકાર કેસમાં સલમાનને ૫ વર્ષની કેદ

ચુકાદો ૨૦ વર્ષે આવ્યો, પણ જામીન બે જ દિવસમાં મંજૂર

Wednesday 11th April 2018 07:13 EDT
 
 

જોધપુરઃ કાળા હરણનો શિકાર કરવાના ૨૦ વર્ષ જૂના કેસમાં દોષિત ઠરેલા બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને સ્થાનિક કોર્ટે પાંચ વર્ષની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે આ કેસના અન્ય આરોપીઓ અને ફિલ્મઉદ્યોગના જાણીતા કલાકારો સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. સલમાનને કોર્ટમાંથી સીધો જ જોધપુર સેન્ટ્રલ જેલ લઇ જવાયો હતો. બે દિવસ જેલમાં વીતાવ્યા બાદ સલમાન સોમવારે જામીન પર છૂટીને મુંબઇ તો પરત પહોંચી ગયો છે, પરંતુ આ સજાએ હિન્દી ફિલ્મઉદ્યોગમાં હલચલ મચાવી દીધી છે.
કેસની અંતિમ સુનાવણી દરમિયાન સલમાન ખાને તેની સામેના તમામ આરોપોને કોર્ટમાં નકાર્યા હતા, પણ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે આકરી ટીકા સાથે કેદ અને દંડની સજા ફરમાવી દીધી હતી. ૧૯૯૮માં સલમાન ખાન સાથી કલાકારો સાથે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું શૂટિંગ કરવા માટે રાજસ્થાન ગયો હતો તે સમયની આ ઘટના છે.
સલમાનને શિકાર કેસમાં સજા થાય તે માટે છેવટ સુધી ઝઝૂમનાર બિશ્નોઇ સમાજે ચુકાદા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જોકે બે જ દિવસમાં સલમાન જામીન પર છૂટી જતાં સમાજે નારાજગી વ્યક્ત કરતાં એવી લાગણી વ્યક્ત કરી હતી તે સલમાનની જામીન અરજી મંજૂર કરતા ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે.

જજની આકરી ટિપ્પણી

સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા તમામ આરોપ નકાર્યા હતા. તેના વકીલે પણ દલીલો પૂરી કર્યા પછી અન્ય આરોપીઓની જેમ સલમાનને પણ નિર્દોષ છોડવાની માગણી કરી હતી. જોકે ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ કડક શબ્દોમાં ટીપ્પણી કરતાં કહ્યું હતું કે સલમાન ખાનનો રેકોર્ડ જોતા જ જણાય છે કે તે વારંવાર ગુનો કરવાની આદત ધરાવે છે (હી ઈઝ હેબીચ્યુલ ઓફેન્ડર). તેને તો સખ્ત સજા થવી જ જોઇએ. કોર્ટે સજા ફરમાવ્યા બાદ સલમાનના વકીલે કહ્યું હતું કે, અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું. સલમાનના વકીલે દલીલો પૂરી કર્યા બાદ સરકારી વકીલે છ વર્ષની સજાની માગણી કરી હતી. જોકે કોર્ટે તેને પાંચ વર્ષની સજા ફરમાવી હતી.

બહેનો સલમાનની પડખે

કોર્ટે ચુકાદો સંભળાવ્યો ત્યારે સલમાનની આંખોમાં આંસુ તગતગી ગયા હતા. જ્યારે બાજુમાં ઉભેલી બહેનો અર્પિતા અને અલવીરા રડી પડી હતી. આ કેસમાં આરોપી હતા તે કલાકારો નિર્દોષ જાહેર થયા પછી પણ છેક સુધી સલમાનની સાથે જ રહ્યા હતા.
સલમાન ચુકાદાની એક રાત પહેલાં જ જોધપુર પહોંચી ગયો હતો. જોધપુરની હોટેલમાં આખી રાત તે જાગતો રહ્યો હતો.

સમગ્ર ઘટનાક્રમ ક્યારનો?

વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળિયારના શિકારની આ ઘટના બની હતી. સલમાન ખાન પર આરોપ હતો કે તેણે જે બંદૂકથી કાળિયારનો શિકાર કર્યો તે બંદૂકનું લાઇસન્સ પણ તેમની પાસે નહોતું. જોકે જાન્યુઆરી ૨૦૧૭માં, આર્મ્સ એકટ સાથે જોડાયેલા આ કેસમાં સલમાનને જોધપુર કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે.
આ કેસ સાથે જોડાયેલા બે બીજા કેસમાં સલમાનને રાજસ્થાન હાઇ કોર્ટે જુલાઇ ૨૦૧૬માં પુરાવાના અભાવમાં નિર્દોષ છોડી મૂક્યો હતો. ચુકાદાની વિરુદ્ધ રાજસ્થાન સરકાર સુપ્રીમ કોર્ટ પણ પહોંચી હતી. ત્રીજો કેસ રાજસ્થાનના કાકાણી ગામમાં પહેલી ઓક્ટોબર ૧૯૯૮ની રાત્રે બે કાળિયારના શિકારનો છે.

બન્ને જજની બંધબારણે મુલાકાતથી રહસ્ય

સલમાન ખાનની જામીનઅરજીની સુનાવણી કરતાં પહેલાં સેશન્સ કોર્ટના જજ રવીન્દ્ર કુમાર જોશીએ સલમાન કેસમાં ચુકાદો આપનાર ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (સીએજેએમ) કોર્ટના જજ દેવ કુમાર ખત્રી સાથે કરેલી મુલાકાત ચર્ચામાં રહી હતી. આથી સવાલ ઊભો થયો હતા તે બંને જજ વચ્ચે ખરેખર શું વાતચીત થઈ? સેશન્સ જજ સીએજેએમ પાસેથી શું જાણવા માગતા હતા? શનિવારે સવારે જજ ખત્રી જજ જોશીની કેબિનમાં પહોંચ્યા હતા. તેમની સાથે તેમના આસિસ્ટન્ટ પણ હાજર હતા. બંને જજ વચ્ચે ૧૬થી ૧૭ મિનિટ મુલાકાત ચાલી હતી.

અને જજની બદલીનો આદેશ આવી ગયો

સલમાનના જામીનની સુનાવણી સેશન્સ જજ રવીન્દ્ર કુમાર જોશીની કોર્ટમાં થવાની હતી. જોકે આના આગલા જ દિવસે રાજસ્થાનમાં ૮૭ જજની બદલી કરાઈ હતી, તેમાં જોશીનો પણ સમાવેશ થતો હતો. જોકે બદલીને કારણે સલમાનની અરજીની સુનાવણી પર કોઈ અસર પડી નહોતી, બદલીની પ્રક્રિયામાં ૭ દિવસ લાગી જાય છે, ત્યાં સુધી બદલી થનાર જજે કાર્યભાર સંભાળવાનો હોય છે. બદલીને કારણે સવાલ ઊભો થયો હતો કે જજ જોશી સલમાન કેસની સુનાવણી આગળ વધારશે કે કેમ, કારણ કે તેઓ ઇચ્છે તો ઇનકાર કરી શકે છે. જજે આ મામલામાં સ્વવિવેકથી નિર્ણય લેવાનો હોય છે. જજ જોશીએ પણ પોતાના વિવેકનો ઉપયોગ કરીને સલમાનની અરજીની સુનાવણી જારી રાખી હતી.

ચાહકોમાં ખુશીની લહેર

સલમાન ખાનને જામીન મળ્યાના સમાચાર મળતાં જ તેના ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. મુંબઇના વાંદરા સ્થિત સલમાન ખાનના નિવાસસ્થાન ગેલેકસી એપાર્ટમેન્ટની બહાર સલમાન ફેન્સના ટોળા સલમાનની ઝલક માટે ઉમટી પડયા હતા. ઘણાં શહેરોમાં સલમાનના ફેન્સ સડકો પર ‘બજરંગી ભાઈજાન’ની નારેબાજી કરતાં ઝૂમતા નજરે પડયા હતા. સલમાન ખાન ‘વી લવ યુ’નાં બેનરો સાથે મુંબઈસ્થિત નિવાસસ્થાન સામે સેંકડોની સંખ્યામાં સલમાનના ફેન્સ ઊમટી પડયાં હતા. બીજી તરફ બોલિવૂડ પણ સલમાનને જામીન મળતાં ખુશખુશાલ બની ગયું હતું. સલમાનને લઈ ફિલ્મો બનાવી રહેલા નિર્માતાઓ અને સહ-કલાકારોએ સલમાનના જામીનને આવકાર્યા હતા.
જેલનાં સૂત્રો અનુસાર સલમાને જેલના કર્મચારીઓ સાથે ફોટા પડાવ્યા હતા અને જેલના કર્મચારીઓ પણ પોતાના પરિવારજનોને સલમાનની સાથે મુલાકાત માટે જેલની અંદર લઈ ગયા હતા. સલમાન ખાને જેલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસમાં બેસીને જેલકર્મચારીઓના પરિવારજનોને ઓટોગ્રાફ આપ્યા હતા.


comments powered by Disqus