સલમાનના ‘પાડોશી’ આસારામ

Wednesday 11th April 2018 07:23 EDT
 
 

જોધપુરઃ સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલના હાઇ સિક્યુરિટી જેલની બેરેકમાં કેદ કરાયો હતો. જેલના આ અતિ સુરક્ષિત વિસ્તારમાં માત્ર બે બેરેક છે, જેમાંથી એક બેરેકમાં બળાત્કાર કેસના આરોપી આસારામ બંધ છે. બાજુની જ જેલમાં સલમાનને રાખવામાં આવ્યો હતો. જેલમાં સલમાનને વિશેષ સગવડ અપાઇ હોવાના આક્ષેપ થયા હતા. જોકે જેલ વિભાગના ડીઆઇજીએ કહ્યું હતું કે તેને નિયમાનુસાર જ સગવડ અપાઇ છે. સલમાનની જેલમાં સૂવા માટે લાકડાની એક પાટ, ઓઢવા અને પાથરવા ચાર ધાબળા અને એક ટેબલ પંખાનો સમાવેશ થતો હતો. બેરેકમાં ટોઇલેટની સગવડ છે. તેને જમવામાં રાત્રે રોટી, ચણાની દાળનું ભોજન અપાયા હતા. જોકે સલમાનનો ભોજન કરવાનો ઇન્કાર કરી દઇને ભૂખ્યા પેટે જ સૂઇ ગયો હતો. સવારે તેને નાસ્તામાં બ્રેડ અને ચા અપાયા હતા. જોકે આ સમયે પણ નાસ્તો કર્યો નહોતો. માત્ર ચા પીધી હતી. તેની આંખો પરથી જણાતું હતું કે આખી રાત સૂઇ શક્યો નહોતો. સલમાનને બહારથી ટિફિન મંગાવીને ભોજનની સગવડ અપાઇ ન હોવાથી તેના પરિવારજનોએ જેલ કેન્ટીનના કુપન માટે નિયમાનુસાર સલમાનના ખાતામાં ૪૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે સલમાને કોઇ વસ્તુ ખરીદી નહોતી.
સલમાન જેલમાં પહોંચ્યો ત્યારે પહેલાં તેની શારીરિક તપાસ કરવામાં આવી હતી. થોડીક મિનિટોમાં જ પ્રાથમિક તપાસ પૂરી થયા બાદ તેને જેલમાં પહેરવા માટેના કપડાં અપાયા હતા. જોકે તેણે આ કપડાં પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેલમાં પહોંચ્યો ત્યારથી જામીન મળ્યા ત્યાં સુધી જિન્સ અને બ્લેક શર્ટ જ પહેરી રાખ્યા હતા.
આસારામનો કકળાટ
સલમાન ખાન જેલમાં પહોંચ્યો કે તેને મળવા માટે, ઓટોગ્રાફ લેવા માટે અને તેની સાથે સેલ્ફી પડાવવા માટે જેલકર્મચારીઓમાં પડાપડી થવા લાગી હતી. આ જોઈને બળાત્કારના આરોપમાં કેદ આસારામનાં પેટમાં તેલ રેડાયું હતું. તેમણે જેલના કર્મચારીઓને કહ્યું હતું કે, સલમાન ખાન સેલિબ્રિટી છે એટલે એને મળવા પડાપડી કરો છો અને મને મળવા કોઈ આવતા નથી.


comments powered by Disqus