અમદાવાદઃ રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ પ્રાપ્ત ગુજરાતી લેખક સ્વ ઝવેરચંદ મેઘાણીની કવિતા ‘ચારણ કન્યા’ સૌને યાદ હશે. ચારણ કન્યા જેવી જ ઘટના તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભમાં આવેલા નાગઝિરા જંગલ વિસ્તારમાં બની હતી. જંગલ કાંઠે ગામમાં રહેતી રૂપાલીની બકરીઓ ઉપર વાઘે હુમલો કર્યો હતો. રૂપાલી એ વખતે વાઘ પર તૂટી પડી હતી અને ઘાયલ થવા છતાં વાઘને મારીને ભગાડ્યો હતો. આ ઘટના ઈતિહાસના પુનરાવર્તન જેવી છે. કેમ કે બરાબર ૯૦ વર્ષ પહેલાં ૧૯૨૮માં ગીરમાં એક સિંહને ૧૪ વર્ષની ચારણકન્યાએ ભગાડ્યો હતો. એ વખતે ત્યાં હાજર રહેલા લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ઘટના પરથી પ્રેરણા લઈ ‘ચારણ કન્યા’ નામની લાંબી અને શૌર્યથી ભરપૂર કવિતા લખી હતી. એ કવિતા આજે ગુજરાતી સાહિત્યનું ઘરેણું બની ચૂકી છે.
૨૩ વર્ષની રૂપાલીને ઘાયલ થતાં તુરંત નાગપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાંથી બહાર આવ્યા પછી હવે મીડિયા સાથે વાતચીત કરતાં તેને જણાવ્યું કે, ‘અમારા ઘરની બહાર કંઈક ચહલપહલ થઈ રહી હતી. મેં જોવા માટે દરવાજો ખોલ્યો ત્યાં વાઘે બકરી પર હુમલો કર્યો હતો. મેં લાકડી લીધી ને વાઘ પર હુમલો કરી દીધો.’
મેઘાણી રચિત ‘ચારણ કન્યા’માં હીરબાઈ નામની ચારણની દીકરી પોતાની માનીતી વાછરડીને બચાવવા સિંહ પર તૂટી પડી હતી.
રૂપાલી મેશ્રામનો પરિવાર મજૂરી કરે છે. જંગલના છેડે આવેલા ગામમાં રહે છે. અહીં વાઘની અવરજવર હોય. પરિવાર માટે બકરી અમૂલ્ય છે. કેમ કે બકરીના દૂધથી પણ આવક થાય છે. એ બકરીને જો વાઘ ખાઈ જાય તો નુકસાન વેઠવું પડે. માટે રૂપાલીએ પોતાનું શું થશે તેની ચિંતા વગર વાઘ સાથે લડવા લાઠી ઊગામી હતી.
તે સમયે મા-દીકરીને વાઘને લાકડીથી દૂર કરવામાં સફળતા મળી પરંતુ બંને પણ ઘાયલ થઈ હતી. જીજાબાઈએ ગમે તેમ કરીને રૂપાલીને ઘરમાં લીધી. એ વખતે રૂપાલીને લાગ્યું કે હવે એ જીવી નહીં શકે. માટે આખી ઘટના કેમેરામાં કેદ કરવા તેણે ફોનમાં ઘાયલ હાલતમાં સેલ્ફી લઈ લીધી હતી. હવે રૂપાલીની સારવાર પૂરી થઈ છે અને ઘરે જવાની રજા અપાઈ છે.

