ગત નવેમ્બરની તા. ૧૬, શનિવારે સાંજે હેરોના જાસપર સેન્ટરના અદ્યતન હોલમાં ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા માયા દીપક અને એમના સંગીત ગ્રુપનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ૨૫૦થી વધારે ફિલ્મ સંગીતપ્રેમીઓએ જૂના-નવા બોલિવુડ ફિલ્મ ગીતોનું મનોરંજન માણ્યું હતું. માયા દીપકે લતા મંગેશકર, આશા ભોંસલે, અલકા યાજ્ઞિકથી માંડી શ્રેયા ઘોષાલ, સુનિધિ ચૌહાણના કંઠે ગવાયેલ ફિલ્મી ગીતો સાથે ગુજરાતી લોકપ્રિય ગીતો રજૂ કર્યાં હતાં. એમની સાથે લંડનસ્થિત લોકપ્રિય ગાયક રોકીએ પણ કિશોરકુમાર, કુમાર સાનુ, મહમ્મદ રફી અને મુકેશના સ્વરે જોરદાર ગીતો રજૂ કરી સૌને ખુશ કરી દીધા હતા. જાસપર સેન્ટરના મેનેજર રીયો ફર્નાન્ડીસ, પ્રોગ્રામ આયોજક કુંદનબેન શાહે સુંદર શાકાહારી ભોજન સાથે સૌને મોડીરાત સુધી ફિલ્મ ગીતોનું મનોરંજન કરાવ્યું એ બદલ સૌએ આભાર વ્યક્ત કર્યો હતો. લોકલાગણીને માન આપી આવતા વર્ષે ફરી માયા દીપકનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. પ્રીતિ મારૂએ કલાકારોનું અભિવાદન કરી સૌને પરિચય કરાવ્યો હતો.

