વોટફર્ડનું હરે કૃષ્ણ મંદિર અબાલવૃદ્ધના મનમાં ભગવાન કૃષ્ણ માટે અનન્ય ભક્તિભાવની ઉત્કટ લાગણી પેદા કરે છે. નાના બાળકોથી માંડીને સૌ કોઈ કૃષ્ણની ભક્તિમાં તન્મય બની જાય છે. તેમના દર્શનની લગની માત્ર મોટેરાઓને જ હોય તેવું નથી. માસુમ બાળકો પણ કૃષ્ણદર્શનની મનોકામના રાખે છે અને શારીરિક કષ્ટ વેઠીને તે પૂરી પણ કરે છે.
તાજેતરમાં જન્માષ્ટમી પર્વે વેમ્બલીમાં રહેતા રાકેશભાઈ અને મયૂરીબેન પટેલના ૯ વર્ષના પુત્ર આર્યને ૧૧ માઈલ ચાલીને વોટફર્ડના મંદિરે પહોંચી કૃષ્ણના દર્શન કર્યા હતા. તેને હરે કૃષ્ણ ટેમ્પલ પહોંચતા પાંચ કલાક લાગ્યા હતા. પરંતુ, કૃષ્ણ ભગવાનના દર્શનની તાલાવેલીને કારણે તેણે સમગ્ર યાત્રા દરમિયાન ક્યાંય પણ વિશ્રામ કર્યો નહોતો. હવે તેને ભારતમાં ગોકુળની તીર્થયાત્રા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે તેને તો અહીં લંડનમાં જ કૃષ્ણ મળી ગયા છે.
પરંતુ માસુમ આર્યનને વોટફર્ડ મંદિર સુધીની પદયાત્રા માટે પ્રેરણા મળી કઇ રીતે? માતા મયુરીબહેન ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવે છે કે મેં અમારા ઘરેથી વોટફર્ડ મંદિરે પગપાળા દર્શને જવાનો સંકલ્પ કર્યો હતો. ૧૧-૧૨ માઇલની આ પદયાત્રા માટે જન્માષ્ટમીનો દિવસ પસંદ કર્યો હતો. મધ્ય ગુજરાતમાં બોરસદના સિસ્વા ગામે રહેતા બાવન વર્ષના મારા ભાઇ મહેશભાઇ રેવાભાઇ પટેલ હાલ લંડનની મુલાકાતે આવ્યા છે. મહેશભાઇને પગમાં કાયમી તકલીફ હોવા છતાં તેમણે આ પદયાત્રામાં જોડાવા તત્પરતા દાખવી હતી. આ જોઇને મારો દીકરો આર્યને જીદ કરી કે તેને પણ પગપાળા જ મંદિરે આવવું છે. તેને બહુ સમજાવ્યું કે અંતર ઘણું લાંબુ છે, આટલું ચાલવાનું તારા માટે મુશ્કેલ છે, પરંતુ તે જીદ છોડવા તૈયાર ન જ થયો. આખરે અમે સહુએ ત્રીજી સપ્ટેમ્બરે વહેલી સવારે પાંચ વાગ્યે પદયાત્રા શરૂ કરી અને ૮.૪૫ વાગ્યે મંદિરે પહોંચીને દર્શન કર્યા હતા.’
મયુરીબહેન કહે છે કે રસ્તામાં ક્યાંય પણ વિશ્રામ કર્યા વગર એકધારું ચાલનાર આર્યનના જુસ્સાથી મંદિરના અગ્રણી રમેશભાઇ પણ પ્રભાવિત થઇ ગયા હતા અને તેને આશીર્વાદની સાથોસાથ પ્રસાદ તથા ભગવાન શ્રીકૃષ્ણનો આકર્ષક ફોટો ભેટ આપીને બિરદાવ્યો હતો.
ક્લાસ ૫માં અભ્યાસ કરતો આર્યન ભગવાન પ્રત્યે અખૂટ આસ્થા ધરાવે છે. આટલી નાની વયે પણ નીસડન મંદિરે નિયમિત દર્શને જતા આર્યનને હનુમાન ચાલીસા કંઠસ્થ છે. આર્યનનો આ ધર્માનુરાગ દર્શાવે છે કે જો પરિવારમાં આપણી ધર્મપરંપરા પ્રત્યે લગાવ હોય તો માસુમ બાળકો પણ આપોઆપ જ ધર્મ-અધ્યાત્મ પ્રત્યે આકર્ષાતા હોય છે.

