બ્રેન્ટને ‘લંડન બરો ઓફ કલ્ચર’ તરીકે પ્રમોટ કરતી શ્રી વલ્લભનિધિ મંદિરના ફોટા સાથેની એક જાહેરખબર કિંગ્સબરીના પબ્લિક ટોયલેટ પર મૂકવામાં આવાતા શહેરના હિંદુ સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. શહેરના મેયર સાદિક ખાનના નવા અભિગમના ભાગરૂપે પાટનગરમાં રચનાત્મકતા રજૂ કરવાનો બરોનો પ્રયાસ હતો. તેથી કેમ્પેનના ભાગરૂપે બ્રેન્ટને વોલ્ધામ ફોરેસ્ટની સાથે ‘બરો ઓફ કલ્ચર ૨૦૨૦’ જાહેર કરાઈ હતી.
હિંદુ સંસ્કૃતિમાં ટોયલેટને અપવિત્ર માનવામાં આવે છે અને તેને પૂજાના સ્થળ જેવા શુદ્ધ અને પવિત્ર બાબતો સાથે સાંકળવામાં આવતા નથી.
હિંદુ કાઉન્સિલ ઓફ બ્રેન્ટના કમિટી મેમ્બર પ્રમોદ પટેલે ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું કે પબ્લિક ટોયલેટ પર મંદિરના આ પોસ્ટરથી લોકો રોષે ભરાયા છે. આ ઘૃણાસ્પદ છે. અમારા મંદિરોની જાહેરાત માટે અથવા ભગવાનના ફોટાઓ દર્શાવવા માટે તે યોગ્ય જગ્યા નથી. તેમણે ઉમેર્યું હતું, ‘તેના માટે બિલબોર્ડ્સ છે. લાગણીઓ દુભાવવા બદલ બ્રેન્ટ કાઉન્સિલે સમુદાયની માફી માગવી જોઈએ.’
હેરોના સાંસદોએ પણ બ્રેન્ટના હિંદુ સમુદાયને સમર્થન આપ્યું હતું. હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું કે પબ્લિક ટોયલેટ પર ધાર્મિક સ્થળની જાહેરાત કરવી એ ખૂબ કોઈને ગમે નહીં તેવું છે. કિંગ્સબરીના સુંદર મંદિરને આ જગ્યાએ મૂકવાનું અપમાનજનક છે. મેં બ્રેન્ટ કાઉન્સિલને તાકીદે તેને હટાવવા જણાવ્યું હતું. મંદિરના પોસ્ટરને આ જગ્યાએ મૂકવાનો નિર્ણય લેનારે માફી માગવી જોઈએ.
હેરો વેસ્ટના સાંસદ ગેરાથ થોમસે જણાવ્યું હતું કે આ જાહેરાત જે જગ્યાએ મૂકાઈ છે તે જોઈને તેમને આઘાત લાગ્યો હતો. બ્રિટનના સૌથી મહત્ત્વના સ્થળો પૈકી એક માટે આદરનો અભાવ જોઈને તેમને આંચકો લાગ્યો હતો. તેમણે ઉમેર્યું હતું,‘જે પણ એજન્સીએ જાહેરાતને આ જગ્યાએ મૂકવાની ભૂલ કરી હશે તેણે જે પરિસ્થિતિ સર્જી તેનો ખ્યાલ આવ્યો હશે. તેને તાકીદે હટાવી લેવી જોઈએ.
હેરોના કાઉન્સિલર અમિત જોગિયા અને લોર્ડ ડોલર પોપટ, લંડન એસેમ્બલી મેમ્બર ફોર બ્રેન્ટ એન્ડ હેરો નવીન શાહ AMએ પણ આ બાબતે હિંદુ સમુદાયની લાગણી ઘવાઈ હોવાનું કહીને પોસ્ટરને વહેલી તકે દૂર કરવા જણાવ્યું હતું.

