વડોદરાઃ રાજપીપળાના રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલે ૧૪ માર્ચ ૨૦૦૬ના રોજ પહેલીવાર પોતે સમલૈંગિક હોવાનો એકરાર કર્યો હતો. કોઈ રાજવી સદસ્ય આવી રીતે પોતાની કહાની સાથે બહાર આવે તેવો આ પહેલો કિસ્સો હતો. તેમણે કહ્યું હતું, હું ડાબા હાથે લખું છું તે વિકૃતિ નથી, એવી રીતે હું ગે છું તે ખરાબ નથી. માનવેન્દ્રસિંહની તે વાતને આજે ૧૨ વર્ષ થયાં. ૧૨ વર્ષમાં માનવની જિંદગી પણ ઘણી બદલાઈ ગઈ છે.
સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતાને અપરાધ માનતી ઈન્ડિયન પીનલ કોર્ટની કલમને રદ કરી તેની પાછળ માનવેન્દ્રસિંહની પણ મહેનત છે. ટ્રાન્સજેન્ડર તરીકેના જીવનના આ ૧૨મા વર્ષે તમારી કાયદાકીય જીત થઇ છે. તમને સમાજ સ્વીકારે તેવો ન્યાય થયો છે. આ ૧૨ વર્ષ દરમિયાન તમને વ્યક્તિ કે વસ્તુના સારા કે ખોટા કેવા, કયા અનુભવો થયા? વગેરે પ્રશ્નોના જવાબમાં માનવેન્દ્રસિંહે તેમની ૧૨ વર્ષની જિંદગી કેવી રહી તે જણાવ્યું હતું.
૨૩ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ અજમેરમાં જન્મેલા માનવેન્દ્રસિંહ ગોહિલ રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજીના સંતાન છે. તેમણે મુંબઇની સ્કોટીશ સ્કૂલ અને મીઠીબાઇ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમના માતા મહારાણી રૂક્મણિદેવી જેસલમેરના રાજકુમારી છે. તેમના બહેન મિનાક્ષીકુમારી જમ્મુ-કાશ્મીરના ચેન્નાની રાજવી પરિવારમાં પરણેલાં છે. રાજપીપળાનો તેમનો મહેલ રાજવંત પેલેસ સહેલાણીઓ અને શૂટિંગ માટે લોકપ્રિય છે. ૨૦૧૪માં તેમણે સમલૈંગિકતાનો એકરાર કર્યો તે બાદ તેઓ આ સમુદાયના હિરો બન્યા છે.
૨૦૦૦માં HIV-AIDS માટે જાગૃતિ ફેલાવવા તેમણે લક્ષ્ય ટ્રસ્ટની સ્થાપના કરી, જેના તેઓ ચેરમેન છે. ૨૦૦૭માં તેઓ APCOM (એશિયા પેસિફિક કોલેશન ઓન મેલ સેક્સ્યુઅલ હેલ્થ)ના ગવર્નિંગ બોર્ડમાં જોડાયા. વર્તમાનમાં રાજપીપળા નજીક ૧૫ એકરમાં તેઓ LGBT કોમ્યુનિટી સેન્ટર બનાવી રહ્યા છે. તેઓ રાજપીપળામાંથી સમલૈંગિક સામયિક પણ ચલાવી રહ્યા છે. અહીં તેમણે ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક સાથે કરેલી વાતચીતના અંશો તેમના જ શબ્દોમાં રજૂ કર્યા છેઃ
‘૧૪ માર્ચ ૨૦૦૬ મારા માટે મોટો દિવસ હતો. તે દિવસે ‘દિવ્ય ભાસ્કર’ (અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિકે) મારી સાથે વાત કરી હતી. મેં ખુલીને ગે હોવાનો એકરાર કર્યો હતો. આ મેટર છાપતાં પહેલાં એડિટરે એમ પણ કહ્યું હતું કે માનવેન્દ્રસિંહ પાસે તેમનો એકરાર કાગળ પર લખાવી લેવો જોઈએ. મેં કહ્યું હતું, હું મારી વાત પરથી પાછો નહીં હટું.
હું ખુલીને બહાર આવ્યો અને ઢોંગની દુનિયામાં જીવતો હતો તેમાંથી મુક્ત થયો. મારા નવા જીવનની શરૂઆત થઇ. મારો વિરોધ થવા માંડ્યો. મારા પુતળા સળગાવવામાં આવ્યા. જે પૂર્વજોની શાખ હતી તેમાંથી જ હું હતો ત્યારે તેને ધ્યાનમાં લઇને પણ મારો વિરોધ થયો.
જૂન ૨૦૦૬માં મને મારા માતા-પિતાએ સંપત્તિ અને રાજપરિવારમાંથી બેદખલ કર્યો હતો. આ મારી સાથે ભેદભાવ હતો. મારા કોઇ કસૂર વગર, પરંતુ તેમણે જ બાદમાં, તે જ વર્ષમાં મને સ્વીકાર્યો. તેમણે પાછળથી સ્વીકાર્યું પણ કે, સમાજના દબાણમાં તેમણે મને બેદખલ કરવાનું પગલું ભર્યું હતું. ત્યારબાદ તેમણે મને ૧૫ એસ્ટેટની રોયલ સંપત્તિ દાનમાં આપી. જ્યાં હું LGBT કોમ્યુનિટી સેન્ટર બાંધી રહ્યો છું. જેનો પાયો પણ મારા પિતા દ્વારા જ ખોદવામાં આવ્યો છે. વિરોધ થયો પણ તેને જવાબ આપવા સમજાવટના રસ્તે આગળ વધ્યો.
એડવોકેટ મિનાક્ષી લેખીએ પણ તે સમયે સ્ટેટમેન્ટ આપ્યું કે, કોઇ કાયદો એવો નથી કે, કોઇ પણ વ્યક્તિને આ રીતે સંપત્તિમાંથી બેદખલ કરી શકો. દોસ્તો જે દૂર થવા માંડ્યા હતા તે ધીમે-ધીમે પાછા આવવા માંડ્યા. પરિવારજનો અને અન્યો ધીરે-ધીરે વેઇટ એન્ડ વોચ કરીને પાછા આવવા માંડ્યા. આ સમયે ‘દિવ્ય ભાસ્કર’ એ પહેલું ગુજરાતી અખબાર હતું કે જેણે હકારાત્મક રીતે સપોર્ટ કર્યો હતો. હું તેનો ખરેખર આભારી છું.
૨૦૦૬થી શરૂ થઇ ૧૨ વર્ષ સુધી થયેલા સંઘર્ષમાં મારા હાર્મોનિયમના ગુરુ પં. પુરુષોત્તમ વાલવલકર હંમેશા મારી પડખે રહ્યા, ૯૦ વર્ષની ઉંમર સુધી જીવ્યા ત્યાં સુધી. ક્યારેક બગડતી મારી મનોસ્થિતીને સ્થિર કરવા માટે હાર્મોનિયમવાદને મને સપોર્ટ કર્યો. મારા ગુરુએ મને વ્હિલચેર પર મારી સાથે LGBTની રેલીમાં આવવા પણ કહ્યુ હતું. મારા દાદીમા રાણી જયેન્દ્રકુમારી કે જેઓ સૌરાષ્ટ્રના લખતરના રાજકુંવરી હતા તેઓ પણ મારી પડખે જ રહ્યા. અન્ય રાજવી પરિવારોને પણ આ બાબતે સમજાવતા રહ્યા અને મને સ્વીકૃતિ અપાવતા રહ્યા.
અત્યારે ૯૪ વર્ષના મારા સેક્રેટરી ચંપકસિંહ મહિડા રાજપૂત છે, ક્ષત્રિય છે, તેઓ હંમેશા મારી પડખે રહ્યા. તેમને કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ મને સપોર્ટ કરશે તો તેમનો બહિષ્કાર થશે. પરંતુ તે તેની પરવા કર્યા વિના જીવનપર્યંત મારી પડખે રહ્યા. ૮૬ વર્ષના મારા પિતાના કાકા સુરેશ્વરસિંહ ગોહિલે જ્યારે મને બેદખલ કરવામાં આવ્યો ત્યારે ૨૦૦૬માં જ મને કહી દીધું કે, રાજપીપળામાં મારો પણ પેલેસ છે. તેના દરવાજા તારા માટે સદાય ખુલ્લા છે. તું ત્યાં જતો રહે. તેઓ મારા જીવન પર કથા લખશે તેવું પણ જણાવી ચૂક્યા છે. સિલ્વેસ્ટર મર્ચન્ટ પહેલેથી જ મારી સાથે હતા. તેમને પણ હું ન ભુલી શકું.
૧૨ વર્ષમાં આજનો જ દિવસ મહત્ત્વનો...
૨૦૦૭માં મને ઓપરા વિન્ફ્રે (અમેરિકાનાં પ્રખ્યાત ટીવી હોસ્ટ)એ બોલાવ્યો. આ ટર્નિંગ પોઇન્ટ હતો. હું ભારતમાંથી ત્રીજો વ્યક્તિ હતો જેને ત્યાં બોલાવાયો હતો. મારી લડતમાં કંઇક છે તે સમજીને તેમણે મને બોલાવ્યો હતો. આ પછી ચેન્જિસ આવ્યા. જેટલા વિરોધમાં હતા તેઓ ફેવર કરવા લાગ્યા. છતાં અમુક લોકોનો વિરોધ હતો. પછી ફરી વખત ૨૦૧૧માં મને ઓપરા વિન્ફ્રેએ બોલાવ્યો. ત્યારે ઘણાં લોકો જે પહેલાં મારાથી જુદા થયા હતા તે મારી તરફ પરત ફરી રહ્યા હતા. ૨૦૦૯માં હાઇ કોર્ટે ફેવર કરી હતી. જે અમારા માટે ખુશીનો દિવસ હતો. પરંતુ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે અમારા કેસને કાઢી નાંખ્યો. તે અમારા માટે દુ:ખનો દિવસ હતો. અમે ફરી ૧૬૦ વર્ષ જૂના સમયમાં ધકેલાઇ ગયા.
૨૦૧૪માં સુપ્રીમ કોર્ટમાં ભારતભરમાંથી માત્ર ૪ પિટીશન એક્સેપ્ટ થઇ હતી. જેમાં અમારી એક હતી. આ દિવસ અમારા માટે સુખ સાથે ઐતિહાસિક દિવસ હતો. જૂન ૨૦૧૪માં જ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું. જેમાં ટ્રાન્સજેન્ડર્સને રાઇટ્સ આપવામાં આવ્યાં. આ એ સમય હતો કે જ્યારે અમેરિકા જેવા દેશમાં પણ ટ્રાન્સજેન્ડરને રાઇટ્સ ન હતાં, પરંતુ ભારતના ટ્રાન્સજેન્ડર્સને રાઇટ્સ મળ્યા હતા.
૬ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે તો ઇતિહાસ રચાયો છે. ૧૨ વર્ષમાં આજનો જ દિવસ મહત્ત્વનો છે. ભારતમાં હિપોક્રેસી વધુ છે. ત્યારે ભારતમાં ટ્રાન્સજેન્ડરના હિતમાં નિર્ણય નહીં લેવાય તેવું બધાને હતું. પણ તેવું ન થયું. અમને હક્કો, સામાજિક સ્વીકૃતિ મળી છે. લોકો હિપોક્રેસીને કારણે સચ્ચાઇ અપનાવતા ન હતા. આ દેશમાં એવા લોકો પણ છે કે જે માનવાધિકારોને મહત્ત્વ આપે છે તે સાબિત થયું છે. (સૌજન્યઃ ‘દિવ્ય ભાસ્કર’)

