લંડન/નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે ૧૩ હજાર ૫૦૦ કરોડ રૂપિયાની એટલે કે ૧.૭૭ બિલિયન પાઉન્ડની છેતરપિંડીના કેસમાં ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીએ બ્રિટનમાં રાજ્યાશ્રય માગ્યો હોવાનો બ્રિટિશ અખબાર 'ફાઈનૅન્શિયલ ટાઇમ્સ' એ દાવો કર્યો હતો. તેના અહેવાલ મુજબ તે હાલ બ્રિટનમાં છે. લિકર કિંગ વિજય માલ્યા બાદ આ વધુ એક ભાગેડુએ બ્રિટનમાં રાજ્યાશ્રય માગ્યો છે. બીજી બાજુ નીરવ મોદીની શોધખોળ કરી રહેલી સીબીઆઈએ કહ્યું હતું કે તેમની પાસે નીરવ મોદી અંગે કોઈ માહિતી નથી. દરમિયાન, ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના મિનિસ્ટર ફોર કાઉન્ટર એક્સ્ટ્રીમીઝમ બેરોનેસ વિલિયમ્સે સોમવારે નીરવ મોદી બ્રિટનમાં હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજુ સાથેની વાતચીતમાં બેરોનેસ વિલિયમ્સે નીરવ મોદીની સાથે લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યાર્પણમાં ભારતને સાથ અને સહકાર આપવાની વાત કરી હતી. બેરોનેસ વિલિયમ્સે બ્રિટનમાં કથિત રીતે ગેરકાયદે વસતા ૭૫ હજાર ભારતીયોને દેશનિકાલ કરવાની સમજૂતી પર હસ્તાક્ષરમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
સીબીઆઈએ મે મહિનામાં નીરવ મોદી વિરુદ્ધ મની લોન્ડરિંગ કાયદા હેઠળ અન્ય આરોપોમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં બે ચાર્જશીટ દાખલ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પણ નીરવ મોદી અને તેના પરિવાર વિરુદ્ધ અલગથી ચાર્જશીટ દાખલ કરી છે.
નીરવ મોદીએ દેશ છોડ્યા બાદ ભારતે તેનો પાસપોર્ટ રદ કરી દીધો હતો અને સીબીઆઈએ તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. સીબીઆઈએ ઈન્ટરપોલ સમક્ષ નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવા માગ કરી છે. ઈન્ટરપોલના સભ્ય દેશોની પોલીસ નીરવ મોદીની ધરપકડ કરીને ભારતમાં તેનું પ્રત્યાર્પણ કરી શકે તે માટે આ નોટિસ ઈશ્યુ કરવા સીબીઆઈએ ઈન્ટરપોલને પત્ર લખ્યો છે.
નીરવ છેલ્લે દાવોસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતીય સીઈઓના એક ફોટોગ્રાફમાં જોવા મળ્યો હતો.
યુકે ફોરેન ઓફિસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિટનમાં બીજા ભારતીય ભાગેડુની હાજરી દ્વિપક્ષીય સંબંધોમાં થોડી તંગદિલી ઉભી કરે છે. છેતરપિંડીના અન્ય આરોપી વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારત બ્રિટન પર દબાણ કરી રહ્યું છે.
યુકે હોમ ઓફિસ માટે રશિયન અમીર અને ચેલ્સી ફૂટબોલ ક્લબના માલિક રોમાન અબ્રામોવિચ પછી આ વધુ એક જટિલ કિસ્સો છે. અબ્રામોવિચે વિલંબ થવાને લીધે બ્રિટિશ વિઝા રિન્યુ કરવાની પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે હંમેશા સંખ્યાબંધ ગૂંચવાયેલા કેસો હોય છે જે ભારત સાથેના અમારા સંબંધમાં થોડું ટેન્શન વધારે છે અને અમારે માનવ અધિકાર કાયદા મુજબ ચાલવું પડે છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા થોડાં વર્ષમાં નીરવ મોદીએ ભારતની થોડીક વાસ્તવિક ઈન્ટરનેશનલ બ્રાન્ડ પૈકી એક બ્રાન્ડ બનાવી હતી અને ભારત, લંડન, ન્યૂયોર્ક અને હોંગકોંગમાં લક્ઝરી જ્વેલરીનું વેચાણ થતું હતું. પરંતુ, પંજાબ નેશનલ બેંક સાથેના ૧.૭૭ બિલિયન પાઉન્ડની કથિત છેતરપિંડીમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી મુખ્ય લાભાર્થી હતા તેવા આક્ષેપો થતાં આ ફેબ્રુઆરીમાં તે ગૂમ થઈ ગયો.
પીએનબીએ આ વર્ષના પ્રારંભમાં હીરા વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બેન્ક સાથે રૂ. ૧૧,૦૦૦ કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂક્યો હતો. આ કેસની તપાસમાં કૌભાંડની રકમ રૂ. ૧૩,૪૦૦ કરોડ સુધી પહોંચી હતી. પીએનબીએ ગયા ફેબ્રુઆરીમાં એફઆઈઆર નોંધાવી તે પહેલાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પરિવાર સાથે વિદેશ ભાગી ગયા હતા. અગાઉ તે બેંગકોક અથવા સિંગાપોરમાં હોવાની અટકળો ચાલતી હતી.
બેંકોની વિશ્વસનિયતા ખતરામાં, સરકાર જવાબ આપેઃ રેડ્ડી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર વાય.વી. રેડ્ડીએ કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં નુકસાન જનતાનું અને કરદાતાઓનું જ થયું છે અને તેને માટે જે પણ વ્યક્તિ જવાબદાર ઠરી રહી છે તેણે પોતાની પ્રતિક્રિયા આપવી જોઇએ.
કોલ્હાપુરમાં આવેલ શીવાજી યુનિવર્સિટીમાં બેંકોને સુરક્ષિત રાખવાના મુદ્દે વક્તવ્યમાં તેમણે ઉમેર્યું હતું કે અપરાધીઓને સજા કરો, બધું કરો પણ આ કૌભાંડને કારણે બેંકિંગ સિસ્ટમની વિશ્વસનીયતા પર ખતરો વધ્યો છે. ૨૦૦૩થી ૨૦૦૮ દરમિયાન આરબીઆઇના ગવર્નર રહી ચુકેલા રેડ્ડીએ જણાવ્યું હતું કે હાલમાં જ કેટલાક કૌભાંડ બહાર આવ્યા અને તેમાં કરોડો રૂપિયાનું નુકસાન જનતાને થયું, આ નુકસાન માટે જવાબદાર કોણ? બેંકની માલિકી ધરાવતી વ્યક્તિ જવાબદાર ગણાય છે અને આ બેંકની માલિક સરકાર ગણાય છે તેથી સરકાર આ માટે સીધી રીતે જવાબદાર છે અને સરકારે મૌન તોડી પ્રજાને જવાબ આપવો જોઇએ કે આ ડુબેલા પૈસા કેવી રીતે બહાર આવશે.

