મુંબઈઃ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં આવતી મુંબઈની ધારાવી વસ્તીને તમે ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનેરમાં જોઈ હશે, પણ આ ઝૂંપડપટ્ટી રંગીન બની રહી છે. વસ્તીની ગંદકી અને બદસૂરતી દૂર કરવા અને અહીં રહેતા લોકોની જિંદગીમાં પરિવર્તન લાવવા ઓપરેશન 'ચલ રંગ દે' શરૂ થયું છે. સેંકડો યુવાનો પીંછી અને રંગોથી ઝૂંપડપટ્ટીના ઘરોની છબિ બદલી રહ્યાં છે. અહીં રહેતા બાળકોથી માંડીને વૃદ્ધોને સ્વચ્છતા માટે જાગૃત કરે છે. ઘરનો કચરો ઝૂંપડપટ્ટીઓમાં મુકાયેલી બોમ્બે મ્યુનિસિપાલિટીની ડસ્ટબિનમાં જ ફેંકવા જણાવે છે. આ ટીમ અત્યાર સુધીમાં ૪ ઝૂંપડપટ્ટીના ૧૨ હજાર ઘરોને સુંદર રંગ આપી ચૂક્યાં છે. ગંદી ગોબરી દીવાલો અને છતોનું સ્થાન ખૂબસૂરત મ્યુરલ પેઇન્ટિંગ્સે લીધું છે.
મુંબઈથી લઈને દેશના ચિત્રકારો અને પેઈન્ટર્સ સ્વેચ્છાએ આ ઝુંબેશ સાથે જોડાઇ રહ્યા છે. એક વર્ષ અગાઉ દેદીપ્પ રેડ્ડીએ 'ચલ રંગ દે' સંસ્થા બનાવી આ ઝુંબેશ શરૂ કરી હતી.
દેદીપ્પ કહે છે કે, અમે ઇચ્છીએ છીએ કે લોકોનો સ્લમ તરફ જોવાનો દૃષ્ટિકોણ બદલાય. આપણે સ્લમ કહીએ એટલે નેગેટિવિટી અને ગંદકીનું ચિત્ર જ નજર સામે તરવરે. ત્યાં રહેતા લોકોનું પણ તેવું જ ચિત્ર ઉપસે પણ તે યોગ્ય નથી. તે લોકો ખરેખર ગજબના છે. તેઓ ખુશ રહે છે. અમે ઇચ્છીએ છીએ કે 'ચલ રંગ દે' તેમની લોકાલિટીનું દર્પણ બને. પહાડ પર વસેલા અસલ્ફા સ્લમને આ જ થીમ પર રંગવાનો ગયા વર્ષે આઇડિયા આવ્યો અને 'ચલ રંગ દે' બની. સોશિયલ મીડિયા દ્વારા અંદાજે ૭૫૦ વોલન્ટિયર આ ઝુંબેશ સાથે જોડાયા. સ્લમની કાયાપલટમાં તેમણે ઉત્સાહ દાખવ્યો. ફન્ડિંગ માટે મુંબઇ મેટ્રો અને એક પેઇન્ટ કંપનીએ સપોર્ટ કર્યો.
અમે અમારા આઇડિયા સાથે ઝૂંપડપટ્ટીના લોકોને મળ્યા. પહેલાં તો તેઓ મુંઝાયેલા હતા, પણ પછી અમારામાં ભરોસો મૂક્યો. ટીમે દીવાલો અને છતો પેઇન્ટ કરી. તેના પર મ્યુરલ પેઇન્ટિંગ્સ કર્યાં. ઝૂંપડાની છત પતરાંની હોય છે, જે ઉનાળામાં ખૂબ તપે છે અને ચોમાસામાં લીકેજથી પાણી ઘરમાં ટપકે છે. સ્થાનિક લોકોને તેનાથી છુટકારો અપાવવા ટીમ છતો પર વોટરપ્રૂફિંગ પણ કરે છે. આ વોટરપ્રૂફિંગ ૫ વર્ષ સુધી ચાલશે. છતો પર પેઇન્ટના કારણે ઘરની અંદરનું તાપમાન ૫ ડિગ્રી સુધી ઘટી ગયું છે. હવે અમારી ટીમે ખારની ૩ ઝૂંપડપટ્ટીને બદલવાનું બીડું ઝડપ્યું છે. તે ઝુંબેશમાં ગયા મહિને ૩,૦૦૦ વોલન્ટિયર્સ જોડાયા છે. તેમાં વૃદ્ધો પણ છે. પીંછી અને કલર ઊઠાવી તેઓ અનુભવે છે કે તેનાથી તેઓ દુનિયા બદલી શકે છે. આ પરિવર્તન દેખાવા લાગ્યું છે. અહીંના લોકોમાં પણ અને બહારના લોકોમાં પણ. પહેલા સ્લમની ગંદકીના કારણે લોકો તેને જોવાનું પણ પસંદ કરતા નહોતા. હવે લોકો અહીંની ખૂબસૂરતી જોવા આવી રહ્યા છે. હવે તમે આકાશમાંથી મુંબઇ જોશો તો તમને બિલકુલ અલગ અને નવું મુંબઇ દેખાશે.

