લંડનઃ વિવિધ BAPS સ્વામીનારાયણ મંદિરો અને સેન્ટરોની સન્ડે સ્કૂલોના વિદ્યાર્થીઓએ GCSE, A-Level અને AS-Levelની પરીક્ષામાં મેળવેલા શ્રેષ્ઠ પરિણામ બદલ તેમને એવોર્ડથી સન્માનવાના કાર્યક્રમો યોજાયા હતા.
૫૭ પરીક્ષાર્થીઓએ A* અથવા A જ્યારે ૮૮ ટકાએ B કે તેનાથી આગળનો ગ્રેડ મેળવ્યો હતો. સ્વામીનારાયણ સન્ડે સ્કૂલ દ્વારા બાળકોને ૧૯૮૫થી વિના મૂલ્યે ગુજરાતી શીખવવામાં આવે છે. તેની પ્રેરણા માતૃભાષામાં નિપુણતા સાથે યુવા પેઢીમાં હિંદુ સંસ્કૃતિ, વીરાસત અને મૂલ્યોનું સિંચન કરવાની પૂ. પ્રમુખસ્વામીની દૂરંદેશીમાંથી મળી હતી.
સ્કૂલના ઉચ્ચ ધોરણોની રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા નિયમિતપણે પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ સપ્લીમેન્ટરી એજ્યુકેશન માટે નેશનલ રિસોર્સ સેન્ટર દ્વારા બીજો ગોલ્ડ એવોર્ડ અને બ્રિટિશ એકેડેમી દ્વારા સ્કૂલ્સ લીગ એવોર્ડ એનાયત કરાયો હતો.
ગુજરાતીમાં સામૂહિક પ્રાર્થના સાથે કાર્યક્રમ શરૂ થયો હતો. રાષ્ટ્રીય કક્ષાએ BAPS સ્વામીનારાયણ સન્ડે સ્કૂલના મુખ્ય વોલન્ટિયર યોગી પટેલે સ્કૂલના ઈતિહાસ તેમજ પૂ. પ્રમુખ સ્વામીના વિઝનની વાત કરી હતી. BAPS સ્વામીનારાયણ મંદિર, નીસડનના વરિષ્ઠ સત્યવ્રત સ્વામીના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ્સ, ટ્રોફી અને મેડલો અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવતા પૂ. મહંત સ્વામીની વીડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી. બ્રિટનમાં જન્મેલા બાળકોને સ્પષ્ટ ગુજરાતી બોલતા જોઈને તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો હતો.
સન્ડે સ્કૂલ માટેના એક્ઝામિનેશન ઓફિસર શૈલેષ પંડ્યાએ આભારવિધિ કરી હતી. દેશભરના સેન્ટરોમાં લાંબા સમયથી ગુજરાતી શીખવી રહેલા શિક્ષકોનું ‘લોંગ સર્વિસ એવોર્ડ’થી સન્માન કરાયું હતું.

