અબુ ધાબીનું બીએપીએસ મંદિર વિશ્વને ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો અનુભવ કરાવશે

Wednesday 14th February 2018 05:28 EST
 
 

દુબઈઃ યુએઇમાં સાકાર થનારા ભારતનાં સૌપ્રથમ બીએપીએસ મંદિરનું રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વૈદિક વિધિપૂર્વક ભૂમિપૂજન થયું હતું. આ પ્રસંગે દુબઈ ઓપેરામાં યોજાયેલા ‘મિલેનિઅમ મોમેન્ટ’ સમારોહને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે અબુધાબીમાં સાકાર થનારું આ બીએપીએસ મંદિર વિશ્વસમસ્તને ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો અનુભવ કરાવશે.
આ પ્રસંગે વડા પ્રધાને શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા ૨૦૨૦ સુધીમાં અબુધાબીમાં નિર્માણ પામનારા મંદિરના મોડેલનું અનાવરણ પણ કર્યું હતું. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રનાં ૨૦૦૦થી વધુ નામાંકિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે અબુ ધાબી ખાતે મંદિરનિર્માણ સ્થળે સંતવર્ય પૂજ્ય ઈશ્વચરણદાસજીની નિશ્રામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન કરાયું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, કેટલાય દસકાઓ બાદ ભારતનો ખાડીના દેશોની સાથે આટલો ગાઢ, વ્યાપક અને વાઈબ્રન્ટ સંબંધ જોડાયો છે. આજે ખાડીના દેશો સાથે આપણો સહકારનો સંબંધ સ્થાપિત થયો છે. ભારત ગૌરવ કરે છે કે ખાડીના દેશોમાં ૩૦ લાખથી વધુ ભારતીય સમુદાયના લોકો અહીંની વિકાસયાત્રામાં ભાગીદાર થયા છે. હું ખાડીના દેશોનાં શાસકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કે જેમણે ઘર જેવું ઉત્તમ વાતાવરણ ભારતીય સમુદાયને પૂરું પાડ્યું છે ત્યારે ભારતીય સમુદાયે પણ આને પોતાનું ઘર માની એ જ પ્રતિબદ્ધતાની સાથે અહીંના લોકોનાં સપનાંને સાકાર કરવા માટે પોતાનાં સપનાંનું પણ રોપણ કર્યું છે. બીજી રીતે કહીએ તો આ માનવસમૂહના સહકારનું ઉત્તમ ઉદાહરણ ખાડીના દેશોમાં, યુએઈમાં અનુભવ કરી રહ્યાં છીએ...’
વડા પ્રધાને કહ્યું હતું કે ઘણાં લોકોને તે સમયે આશ્ચર્ય થયું જ્યારે હિઝ હાઈનેસ ક્રાઉન પ્રિન્સ દ્વારા અબુ ધાબીમાં મંદિરનિર્માણની વાતને આગળ વધારવામાં આવી. આ માટે હું હિઝ હાઈનેસ ક્રાઉન પ્રિન્સનો સવાસો કરોડ ભારતીયો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છે. મંદિરનું નિર્માણ એ પણ સદ્‌ભાવનાનાં સેતુના રૂપમાં થશે. આપણે એ પરંપરામાં ઉછર્યા છીએ જ્યાં મંદિર એ માનવતાનું એક માધ્યમ છે, માનવતા અને સૌહાર્દનું પ્રેરક છે. સ્થાપત્યની દૃષ્ટિએ, આધુનિક ટેકનોલોજીની દૃષ્ટિએ તો આ મંદિર અનોખું હશે જ, પરંતુ ‘વસુધૈવ કુટુમ્બકમ્‌’નો જે મંત્ર આપણે જીવ્યા છીએ, તેનો વિશ્વ સમુદાયને અનુભવ કરાવનારું બની રહેશે અને આ જ રીતે ભારતની પોતાની એક ઓળખનું માધ્યમ બનશે. હું મંદિરનિર્માણથી જોડાયેલા બધાને આગ્રહ કરીશ કે અહીંના શાસકોએ ભારત પ્રત્યે આટલું સન્માન કર્યુ છે, સાંસ્કૃતિ પરંપરાનું ગૌરવ કર્યું છે ત્યારે આપણાથી કોઈ ચૂક ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. માનવતાના ઉદાત્ત આદર્શને કોઈ નાની સરખી પણ આંચ ન આવે તેની જવાબદારી મંદિરનિર્માણથી જોડાયેલા અને જોડાનારા લોકોની રહેશે, એવી મારી અપેક્ષા છે.’
તેમણે જણાવ્યું કે આજે દેશ વિકાસની નવી ઊંચાઈને પ્રાપ્ત કરી રહ્યો છે. અહીં લઘુ ભારત વસે છે, ભારતનો કોઈ ખૂણો બાકી નહી હોય, જેના પ્રતિનિધિ અહીં ન હોય. ભારત તીવ્રતાથી બદલાઈ રહ્યું છે. આપણે નિરાશા, આશંકાના દિવસો પણ જોયા છે, દેશમાંથી એક સવાલ પૂછતો હતો કે શું આ થશે? આપણે ત્યાં પણ આવું થશે કે નહીં? આવા પ્રશ્નો પૂછાતા હતા અને ચાર વર્ષની અંદર દેશ અહીં પહોંચ્યો છે. આજે દેશ એ નથી વિચારતો કે પૂછતો કે આ શક્ય છે નહીં? હવે તો આ મનોસ્થિતિમાંથી એવી સ્થિતિ આવી ગઈ છે કે મોદીજી, કહો ક્યારે થશે? આ પ્રશ્ન ફરિયાદનાં રૂપમાં નહીં, પરંતુ એક વિશ્વાસનાં રૂપમાં પૂછે છે કે થશે તો અત્યારે જ થશે.

ઈઝ ઓફ ડુઈંગમાં આગેકૂચ

તેમણે જણાવ્યું કે ૨૦૧૪માં વૈશ્વિક સ્તરે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે ૧૪૨મા ક્રમે હતા. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર ઈઝ ઓફ ડુઈંગમાં દુનિયામાં કદી કોઈ દેશ ૪૨ ક્રમનો કૂદકો લગાવીને સીધો જ ૧૦૦મા ક્રમે પહોંચ્યો હોય એવું બન્યું નથી. આપણે અત્યારે ૧૦૦મા ક્રમમાં આવી ગયા છીએ. કોઈ એવું ન વિચારે અમે ત્યાં અટકવાના છીએ. અમે તો વધુ નવી ઊંચાઈઓ સર કરીશું. તેને માટે નીતિગત, રણનીતિમાં પરિવર્તન કરવાનું હોય, અમલીકરણનાં રોડમેપમાં પરિવર્તન લાવવું હોય, સંસાધનોની પ્રક્રિયામાં પરિવર્તન કરવાનું હશે તો એ અંગેનાં તમામ પગલાં લઈ ભારતને ગ્લોબલ બેંચમાર્કની બરાબરીમાં ભારતને લાવીશું.
તેમણે જણાવ્યું કે ગ્લોબલાઈઝેશન એ પ્રક્રિયા નથી કે આપણે જ્યાં છીએ ત્યાં રહીને બધી વસ્તુનો ફાયદો ઉઠાવીએ, પરંતુ ગ્લોબલાઈઝેશન એ પ્રક્રિયા છે કે બધાની પાસેથી શીખીને, પોત-પોતાની જવાબદારી નિભાવીને, બધાને સાથે રાખીને એવી ઊંચાઈ પ્રાપ્ત કરવી જે છેવાડાનાં દેશ કે માનવના કલ્યાણ માટે કામ આવે. આ રીતે આપણે સાચા અર્થમાં ‘વસુધૈવ કુટુમ્બકમ્'નો મંત્ર જીવીને બતાવીશું.
તેમણે કહ્યું કે ભારત પોતાની વૈશ્વિક જવાબદારી પૂર્ણ કરશે. ભારતને નિયતિએ કેટલીક જવાબદારી આપી છે. આજે વિશ્વ કહે છે કે ૨૧મી સદી એશિયાની સદી છે, પરંતુ આ સદી હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાથી, સરળતાથી નહીં આવે. તેને માટે પરિશ્રમ કરવો પડશે. ગાંધીજી હંમેશા શ્રેય અને પ્રેયની ચર્ચા કરતાં હતાં. તેમાં એવા વિકલ્પ આવતા કે એ કાર્ય કરવું કે જે પ્રેય હોય અથવા એવું કાર્ય કરવું જે શ્રેય હોય, પરંતુ આપણે શ્રેયસ્કર કાર્ય કરવું કે જેનાથી એ સમય રહેતાં પ્રિય લાગવા મંડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈ ઓપેરા ખાતે નોટબંધી અને જીએસટીને દેશ માટે શ્રેયસ્કર ગણાવીને કહ્યું હતું કે જે સપનાં તમે જોઈ રહ્યાં છો, એ તમારા સ્વજનો ભારતની ધરતી પર જોઈ રહ્યાં છે. આપણે સમયસીમાની પૂર્વે એ સપનાં પૂર્ણ કરીને રહીશું એ વિશ્વાસ હું તમને આપું છું.
વડા પ્રધાન મોદીના ૨૦ મિનિટના ભાષણ અગાઉ મંદિર સમિતિના સભ્યોએ મોદી અને અબુ ધાબી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મંદિરનું સાહિત્ય ભેટમાં આપ્યું હતું. આ પ્રસંગે ૧૦૭ ભાષામાં ગાઇ શકનારી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સુચેતાએ ભારતીય ભાષાઓમાં ગાયન પર્ફોર્મન્સ આપ્યું હતું.


comments powered by Disqus