વડોદરાઃ અમેરિકામાં ત્રણ વાર ક્લિનિકલ ડેડ જાહેર ગુજરાતી વીરાલી મોદીને સ્ટેમસેલ થેરાપીએ નવજીવન આપ્યું છે. ૨૦૦૬માં મેલેરિયાની બીમારી બાદ એકાએક થયેલી કરોડ રજ્જુની તકલીફમાંથી શરીરની આખી નર્વ સિસ્ટમ પર ભારે અસર કરનાર ક્રોનિક ટ્રાન્સવર્સ મેલિટિસની રેરેસ્ટ ઓફ રેર કહેવાતી બીમારી વીરાલીને થઇ હતી. મૂળ અમેરિકા સ્થિર થયેલા ગુજરાતી પરિવારની આ યુવતી અમેરિકામાં રહેતી અને લેખન, મોડેલિંગ અને એક્ટિંગ ક્ષેત્રે સતત સક્રિય હતી. મોત સામે ત્રણ વાર ઝઝૂમીને વિજયી બનનાર વીરાલીએ વડોદરામાં કહ્યું હતું કે સ્ટેમ સેલ થેરાપીની અસરકારક ટ્રીટમેન્ટથી જ મને નવજીવન મળ્યું છે.
અમેરિકામાં સારવાર દરમિયાન ત્રણ ત્રણ વખત તો મને ક્લિનીકલ ડેડ જાહેર કરવામાં આવી હતી. તેની સાથે સાથે એક તબક્કો તો એવો પણ હતો કે, ૨૩ દિવસ સુધી કોમામાં સરી પડી હતી. ૨૦૦૮માં ભારત આવીને મુંબઇમાં ડો. અલોક શર્મા નિદાન કર્યું કે ક્રોનિક ટ્રાન્સવર્સ મેલિટિસનો પ્રોબ્લેમ છે. જેના પગલે ૨૦૧૦માં પ્રથમ વખત સ્ટેમ સેલ થેરાપી આપવામાં આવી હતી. ત્યાર પછી તબક્કાવાર સ્ટેમ સેલ થેરાપી આપવામાં આવતાં આજે તે વ્હીલ ચેર સાથે સ્વતંત્ર રીતે હરતી ફરતી થઇ છે..
વીરાલી હવે ડિસએબિલીટી રાઇટ્સ એક્ટિવિસ્ટ બની ગઇ છે. તે કહે છે, મારાં બે સફળ કેમ્પેઇન્સ માય ટ્રેન ટુ અને રેમ્પ માય રેસ્ટોરાં છે. જે હાલમાં દેશ વ્યાપી બનાવવા માટે મહેનત કરી રહું છું. રેસ્ટોરન્ટ અને ટ્રેનોમાં દિવ્યાંગો માટે વ્હિલચેર સહિતની વિશેષ સવલતો ઊભી કરવામાં આવે તે માટે કેમ્પેન શરૂ કર્યું છે. પોતાની કેમ્પેન માટે તેની ઇચ્છા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવાની છે.

