લંડનઃ થેમ્સ નદીનાં જ્યોર્જ વી. ડોક ખાતે રવિવારે બીજા વિશ્વયુદ્ધ સમયના ફૂટ્યા વિનાના બે બોંબ મળી આવતાં ન્યૂહામના ૨૧૪ મીટરના વિસ્તારને ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને સીલ કરાયો હતો. લંડન સિટી એરપોર્ટનો પણ તે વિસ્તારમાં સમાવેશ થતો હોવાથી સોમવારે તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
૫૦૦ કિ.ગ્રા વજનના આ બોંબ પાણીમાં ૧૫ મીટરની ઉંડાઈએથી મળ્યા હતા. તે સાંજે જ એરપોર્ટ પર વિમાનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. લંડન સિટી એરપોર્ટ શહેરનું પાંચમા ક્રમનું સૌથી મોટું એરપોર્ટ છે.
એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ રોબર્ટ સિંક્લેરે જણાવ્યું હતું કે બન્ને બોંબને રોયલ નેવી અને મેટ પોલીસે સલામત રીતે બહાર કાઢી લીધા હતા. તેના પરિણામે જે વિસ્તાર સીલ કરાયો હતો તેને ખુલ્લો કરી દેવાતા વિમાની વ્યવહાર ફરી શરૂ થયો હતો.
લંડન સિટી એરપોર્ટ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ વિસ્તાર ગીચ ઔદ્યોગિક વિસ્તાર હતો. આ કાર્યવાહી માટે ઝોનની અંદરની તમામ મિલકતોને ખાલી કરાવવામાં આવી હતી અને તે તરફના તમામ રસ્તા પર નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસ અને રોયલ નેવીએ સંયુક્તપણે બોંબને સ્થળ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
