લંડન શીખ વોર મેમોરિયલ માટે ૩૭૫,૦૦૦ પાઉન્ડની જાહેરાત

Thursday 15th February 2018 05:08 EST
 
 

લંડનઃ સેન્ટ્રલ લંડનમાં નેશનલ શીખ વોર મેમોરિયલની સ્થાપના માટે સંસદમાં અભિયાનનો તનમનજીતસિંઘ ઢેસી (સ્લાઉના MP)ના યજમાનપદે આરંભ થયો હતો. શીખ સમાજની લાંબા સમયની અપેક્ષાને પૂર્ણ કરવા માટે ૨૦૧૭માં સ્થાપાયેલી ચેરિટી નેશનલ શીખ વોર મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે બન્ને વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટનની સેવા માટે અદમ્ય સાહસ દાખવનારા અને પોતાનું બલિદાન આપનારા શીખ સૈનિકોની સ્મૃતિમાં મેમોરિયલની સ્થાપના માટે આ અભિયાન હાથ ધરાયું છે.   
અધ્યક્ષસ્થાનેથી કાર્યક્રમને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જહોન બાર્કો, MPએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લંડનના મેયર સાદિક ખાન, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ સાજિદ જાવિદ MP અને જેરેમી કોર્બીન (લેબર), વિન્સ કેબલ (લીબરલ ડેમોક્રેટ્સ), ઈયાન બ્લેકફર્ડ (SNP) જેવા રાજકીય પક્ષોના વડા તેમજ દેશભરના વિવિધ શીખ સંગઠનોના ૧૦૦થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.  
ઢેસીએ જણાવ્યું હતું કે લંડનમાં પાઘડીધારી શીખ સૈનિકોનું એક પણ મેમોરિયલ નથી. આ મેમોરિયલની સ્થાપનાને વિવિધ રાજકીય પક્ષોનું સમર્થન છે અને ટ્રસ્ટના પ્રયાસોથી આ સ્મારક બનશે. પંદર દાતાઓએ દરેકે ૨૫,૦૦૦ પાઉન્ડ સાથે કુલ ૩૭૫,૦૦૦ પાઉન્ડ આપવાનું જાહેર કર્યું છે.  
બ્રિટનમાં વસતા ભારતીયોમાં શીખોની વસતિ માત્ર બે ટકા છે પરંતુ, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં તેમની સંખ્યા ૨૦ ટકા હતી. બે વિશ્વયુદ્ધમાં ૮૩,૦૦૦થી વધુ શીખ સૈનિકોએ પોતાના પ્રાણની આહૂતિ આપી હતી અને ૧૦૦,૦૦૦થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા.


comments powered by Disqus