લંડનઃ મેયર સાદિક ખાને લંડનવાસીઓનું કૌશલ્ય વધારવા અને તેમને તાલીમ આપવા માટે ૨૫ મિલિયન પાઉન્ડના વિવિધ પ્રોજેક્ટસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે લંડનના અર્થતંત્રમાં પરિવર્તન આવી રહ્યું છે અને શહેરમાં ભવિષ્યનો સ્કીલ્ડ વર્કફોર્સ ઉભો કરવાની
બાબતે એક ઉદાહરણ પૂરું પાડીને નેતૃત્વ કરવા પોતે કૃતનિશ્ચયી છે.
આ પ્રોજેક્ટ્સમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) યુવાનોને ડીજીટલ, ગેમીંગ, મ્યુઝિક અને ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી મહત્ત્વના કૌશલ્યથી સજ્જ કરવા પર ખાસ ભાર મૂકાયો હતો.
૨૧મી સદીમાં કોલેજો અને અન્ય સંસ્થાઓ દ્વારા હેતુલક્ષી શિક્ષણ અને તાલીમ સુવિધા પૂરી પાડીને શહેરવાસીઓનું કૌશલ્ય સુધારવાના હેતુના સ્કીલ્સ ફોર લંડનર્સ કેપિટલ ફંડ દ્વારા ચાર વર્ષમાં મળનારા ૧૧૪ મિલિયન પાઉન્ડના ભાગરૂપે આ પ્રોજેક્ટ્સ શરૂ કરાશે. વોલ્થમસ્ટોમાં બિગ ક્રિએટિવ ટ્રેનિંગને ડિજીટલ મીડિયા અને ગેમીંગમાં તાલીમ આપવાના બે પ્રોજેક્ટ માટે કુલ ૧૧૦,૦૦૦ પાઉન્ડ, ટ્રેનિંગ કિચનને આધુનિક બનાવવા અને કેટરિંગ તથા હોસ્પિટાલિટીનો અભ્યાસક્રમ શરૂ કરવા ન્યૂહામ કોલેજને ૧૭૦,૦૦૦ પાઉન્ડ, બ્રોમલીની લંડન એરોસ્પેસ એન્ડ ટેક્નોલોજી કોલેજને ટેક્નીકલ ટ્રેનિંગનો વ્યાપ વધારવા ૬.૪ મિલિયન પાઉન્ડ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ડિજિટલ ટેક્નોલોજી અને ક્રિએટિવ ઈન્ડસ્ટ્રીઝમાં તાલીમ પૂરી પાડવા માટે સેન્ટર ફોર એડવાન્સ્ડ ટેક્નોલોજીસ પૂર્ણ કરવા માટે બાર્કિંગ એન્ડ ડેગનહામ કોલેજને પ મિલિયન પાઉન્ડ ફાળવાયા હતા
આ ઉપરાંત, ન્યૂહામ સીક્સ્થ ફોર્મ કોલેજમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) વિષયોનું લર્નિંગ હબ બનાવવા અને એજવેરની લંડન કેક્ટસ કોલેજમાં નર્સિંગ સ્કીલ્સના વિકાસના હેતુથી આધુનિક સિમ્યુલેટર્સના પ્રોજેક્ટ માટે પણ ફંડ અપાશે.

