જોર્ડન, મસ્કત, દુબઇઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગલ્ફ દેશોના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન સુદૃઢ સંબંધોનો શિલાન્યાસ કરતાં આશા વ્યક્ત કરી હતી કે અન્યોન્યનો આ સહયોગ દ્વિપક્ષીય સંબંધોમાં સીમાચિહનરૂપ સાબિત થશે.
પ્રવાસ દરમિયાન તેમણે દુબઇમાં આયોજિત છઠ્ઠી વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું તો અબુ ધાબીમાં BAPS દ્વારા સાકાર થનારા યુએઇના પ્રથમ મંદિરના શિલાન્યાસ સમારોહમાં પણ જોડાયા.
જોર્ડનથી વિદેશ પ્રવાસનો પ્રારંભ કરીને તેઓ પેલેસ્ટાઇન, યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) થઇને અંતિમ ચરણમાં ઓમાન પહોંચ્યા હતા. મોદી પેલેસ્ટાઇનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન છે.
યુએઈની બીજી મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ દુબઈમાં વર્લ્ડ ગવર્ન્મેન્ટ સમિટમાં હાજરી આપી હતી. સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં છ Rનો મંત્ર આપતાં જણાવ્યું હતું કે, આપણે છ Rને અનુસરવાની કરવાની જરૂર છેઃ રિડ્યુસ, રિયૂઝ, રિસાયકલ, રિકવર, રિડિઝાઈન અને રિ-મેન્યુફેક્ચર.
જો આપણે આ છ Rને અનુસરી શકીશું તો અચૂકપણે રિજોઈસ એટલે કે આનંદ મેળવશું. મિસાઇલ અને બોંબ નિર્માણ માટે મોટા પાયે થઈ રહેલા મૂડીરોકાણ પર ચિંતા વ્યક્ત કરતાં વડા પ્રધાન મોદીએ ચેતવણી આપી હતી કે ટેકનોલોજીનો ઉપયોગ વિનાશ માટે નહીં, પરંતુ વિકાસ માટે થવો જોઈએ.
તેમણે કહ્યું હતું કે દુનિયામાં આટલો બધો વિકાસ થયો હોવા છતાં આપણે હજુ ગરીબી અને કુપોષણને નાબૂદ કરી શકયા નથી. આમ છતાં બીજી તરફ મિસાઈલ અને બોંબ બનાવવામાં નાણાં, સમય અને સ્રોત બરબાદ કરવામાં આવી રહ્યાં છે.
મોદીએ જણાવ્યું હતું કે, વસતીમાં મોટા વધારા છતાં વિશ્વની ૯.૫ ટકા વસતી ગરીબી રેખાની નીચે જીવી રહી છે. તેમણે કહ્યું હતું કે આખી દુનિયા સામે ગરીબી, બેરોજગારી, શિક્ષણ, મકાન અને માનવીય હોનારતોના મોટા પડકારો ઝળૂંબી રહ્યા છે.
મુલાકાત કેમ મહત્ત્વપૂર્ણ?
વડા પ્રધાન મોદીના ગલ્ફ દેશોના આ પ્રવાસનું વિશેષ મહત્ત્વ છે. આ દેશો ભારત સાથે ૨૦ ટકા વેપાર ધરાવે છે તો ભારતીયો ૨.૨૫ લાખ કરોડ રૂપિયા સ્વદેશ મોકલે છે.
અરબ દેશોનો ભારતના દ્વિપક્ષીય વેપારમાં ૨૦ ટકા ભાગ છે. રૂપિયામાં આ કિંમત આંકવામાં આવે તો આ આંકડો ૭.૦૮ લાખ કરોડથી વધુ થાય છે. ભારતના તેલ અને ગેસની જરૂરિયાતો લગભગ ૫૦ ટકા ગલ્ફ દેશોમાંથી આવે છે. અરબ દેશોમાં ૯૦ લાખ ભારતીયો વસે છે.
ગત પાંચ વર્ષમાં લગભગ ૨૦ લાખથી વધુ ભારતીયો ત્યાં ગયા છે. ભારતીય કર્મચારીઓ ત્યાંથી દર વર્ષે વિદેશી હૂંડિયામણ પેટે ૨.૨૫ લાખ કરોડ રૂપિયા મોકલે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ભારતથી ખાડી દેશ જાય છે. એક અંદાજ પ્રમાણે આ દેશોમાં કામ કરતી નર્સોમાં ૨૦ ટકા ભારતીય છે.

