લંડનઃ ત્રણ વર્ષ અગાઉ લંડનથી અચાનક ગૂમ થઈ ગયેલા હૈદરાબાદના ૩૪ વર્ષીય રમેશ રાપર્થીના પરિવારજનો ખૂબ ચિંતિત છે. તેઓ ૨૦૧૦થી લંડનમાં રહેતા હતા અને ન્યૂપોર્ટની યુનિવર્સિટી ઓફ વેલ્સમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરતા હતા.
પરિવારમાં ત્રણ ભાઈ અને બે બહેનમાં રમેશ સૌથી નાના છે. તેમના ૬૮ વર્ષીય પિતા રાપર્થી વેંકટીએ જણાવ્યું હતું, ‘થોડા વર્ષ સુધી રમેશ સંપર્કમાં હતો અને તે ત્યાં કામ કરતો હોવાનું પણ કહ્યું હતું. તેની સાથે શું થયું હશે તેની કોઈ ખબર નથી.
અમને અમારા પુત્રને શોધવા માટે મદદ જોઈએ છે.’ તેની માતા રાપર્થી બોમક્કાએ જણાવ્યું હતું કે તેમને રમેશ સાથે છેલ્લે વાત થઈ ત્યારે તેણે નાણાંની ખૂબ જરૂર હોવાનું કહ્યું હતું.
પ્રાપ્ત દસ્તાવેજો મુજબ રમેશ રાપર્થીનો કોર્સ ડિસેમ્બર, ૨૦૧૧માં પૂરો થવાનો હતો. તે પછી પણ તે લંડનમાં રહેતા હતા અને ૨૦૧૫ સુધી પરિવાર સાથે નિયમિત સંપર્કમાં હતા.
