અબુ ધાબીઃ યુએઈ (યુનાઈટેડ આરબ એમિરેટ્સ)ના પાટનગર અબુ ધાબીમાં રવિવાર, વિજ્યા એકાદશીના પવિત્ર દિવસે અખાતી દેશોના પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોક્ત ભૂમિપૂજન કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતવર્ય સાધુ પૂ. ઈશ્વરચરણદાસજીની નિશ્રામાં વિધિવત્ સંપન્ન થયો હતો.
બીએપીએસના મુખ્ય પ્રવક્તા સાધુ
પૂ. બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતવર્ય પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીના હસ્તે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં દુબઈ-અબુ ધાબી રાજમાર્ગ પર અબુ મુરૈકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હજારો ભક્તો સામેલ થયા હતા. જ્યારે વડા પ્રધાન મોદીએ દુબઈના વિખ્યાત ઓપેરા હાઉસ ખાતે ૨૦૦૦ જેટલા મહાનુભાવોની મેદની સાથે આ શિલાપૂજનમાં ભાગ લેતાં મંદિરની પ્રતિકૃતિનું વિધિવત્ ઉદઘાટન કર્યું હતું.
આરબ દેશોના પ્રતીકરૂપ ખજૂરીના વૃક્ષપર્ણો વચ્ચે મૂકાયેલી આ શિખરબદ્ધ મંદિરનું મોડેલ બે સંસ્કૃતિઓ વચ્ચેની સદભાવનાનું એક અનોખું દર્શન બની રહ્યું હતું. અબુ મુરૈકા ખાતે એક વિશાળ સુશોભિત પંડાલમાં આ ભૂમિપૂજન સંપન્ન થયું હતું.
આરબ ભૂમિ પર વૈદિક મંત્રોના ગાન વચ્ચે વાતાવરણ અંત્યત પવિત્ર અને સદાસ્મરણીય બની રહ્યું હતું. શિલાપૂજન અને ભૂમિપૂજન વિધિ સંપન્ન કરીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ આર્શીવચન આપતાં જણાવ્યું હતું ‘બ્રહ્મસ્વરૂપ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અનુસાર આ મંદિર પૂ. મહંતસ્વામી મહારાજની નિશ્રામાં રચાઈ રહ્યું છે. જે આરબ દેશોમાં ભારતીય સંસ્કૃતિ, સંવાદિતા, મૈત્રી અને ઉદાર સેવા-ભાવનાઓનું એક ધબકતું કેન્દ્ર બનશે. આ મંદિર કોઈ પણ પ્રકારના નાત-જાત કે ધર્મ વગેરેના ભેદભાવ સિવાય સૌ કોઈને આવકારશે. આ મંદિર અહીં વસતાં ભારતીયોની આવનારી અનેક પેઢીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખશે અને તેમનામાં વૈશ્વિક સંસ્કારોનું સિંચન કરશે.
આ સાથે જ તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે વર્ષ ૨૦૨૦ સુધીમાં આ મંદિરનું નિર્માણકાર્ય સંપન્ન થઈ જાય તેવી સંભાવના છે. અખાતી દેશોમાં પથ્થરમાંથી નિર્મિત પરંપરાગત શૈલીનું આ પ્રથમ મંદિરનું ઘડતર ભારતમાં થશે અને અબુ ધાબી ખાતે તે પથ્થરો દ્વારા જીગ્સો પઝલની જેમ મંદિરની રચના સંપન્ન થશે.
ભારતીયોમાં ખુશાલીનો માહોલ
જ્યારે વિશ્વભરમાં વિશ્વવંદ્ય સંતવિભૂતિ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરધામ જેવા મહામંદિરોની રચના કરનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ પામી રહેલા આ મંદિરના વિધિવત્ પ્રારંભથી સ્થાનિક ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દુબઈ ઓપેરામાં પણ જણાવાયું હતું કે આ બીએપીએસ હિન્દુ મંદિર પ્રેમ, શાંતિ, સૌહાર્દ અને સંવાદિતાનું પ્રતીક બની રહેશે.
સમારોહમાં બ્રિટનના પ્રતિનિધિઓ
મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલા સમારોહમાં દેશવિદેશમાં હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બ્રિટનથી બીએપીએસ મંદિર સાથે સંકળાયેલા અગ્રણીઓ નીતિન પલાણ, કમલેશ પટેલ, હિતાન મહેતા, નિરવ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

