નવી દિલ્હીઃ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે મરણપથારીએ પડેલી વ્યક્તિને એ અધિકાર હોવો જોઈએ કે ક્યારે તે અંતિમ શ્વાસ લે. લોકોને સન્માનથી મરવાનો પૂરો અધિકાર છે. બંધારણીય બેન્ચે તેમાં સુરક્ષાના ઉકેલો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે કાયદો બને નહીં ત્યાં સુધી આ માર્ગદર્શિકાનો અમલ ચાલુ રહેશે. ચુકાદો સંભળાવતી વખતે પાંચ સભ્યોની બેન્ચે અનેક દાર્શનિક વાતો પણ કરી. તેમાં સ્વામી વિવેકાનંદનાં કથનો સાથે જ પ્રખ્યાત કવિઓની કવિતાઓનો પણ ઉલ્લેખ કરાયો હતો.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ સ્વામી વિવેકાનંદની પંક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જીવન એક જ્યોતિ સમાન છે. આ દિવ્ય જ્યોતિનું સન્માન થવું જોઈએ. બેન્ચે કહ્યું હતું કે સ્વાભિમાન સાથે જીવવું આપણા જીવન જીવવાના અધિકારનું અભિન્ન અંગ છે. જીવન અને મૃત્યુને અલગ કરી શકાય નહીં. બન્ને એક સિક્કાની બે બાજુ સમાન છે. દરેક ક્ષણે આપણા શરીરમાં પરિવર્તન થાય છે. પરિવર્તન એક નિયમ છે.

